કાર અકસ્માતમાં બે બાળકોનું મોતઃ યુવાનની ધરપકડ

Wednesday 20th March 2019 03:02 EDT
 
 

લંડનઃ વુલ્વરહેમ્પટનમાં ૧૪મી માર્ચે રાત્રે ૮.૪૫ વાગે થયેલા કાર અકસ્માતમાં બે બાળકોનું મૃત્યુ થતાં જોખમી ડ્રાઈવિંગ કરીને મૃત્યુ નીપજાવવાની શંકાના આધારે પોલીસે બર્મિંગહામના ૨૩ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. ૨૩ મહિનાનો પવનવીરસિંઘ તેના દસ વર્ષના ભાઈ સંજય સાથે માતાની બીએમ ડબલ્યુ કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર ઔડી એસ૩ સાથે ટકરાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. તેઓ બર્મિંગહામ ન્યૂ રોડથી લોન્સવુડ એવન્યુ તરફ જઈ રહ્યા હતા. ઘટનાસ્થળે બન્ને ભાઈઓને મૃત જાહેર કરાયા તે પહેલા જ ઔડીનો ચાલક ત્યાંથી નાસી ગયો હતો.

વેસ્ટ મીડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે રવિવારે સેન્ટ્રલ બર્મિંગહામમાંથી ૨૩ વર્ષીય યુવાનની ધરપકડ કર્યા પછી પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લેવાયો હતો. ત્રીજી બેન્ટલી કારના ૩૧ વર્ષીય ચાલકની પણ જોખમી ડ્રાઈવિંગ દ્વારા મૃત્યુ નીપજાવવાની શંકાના આધારે ધરપકડ કરાઈ હતી. જોકે, પૂછપરછ બાદ વધુ તપાસમાં સહયોગ આપવાનું જણાવીને તેને છોડી દેવાયો હતો.

સીરીયસ કોલીઝન ઈન્વેસ્ટિગેશન યુનિટના ડિટેક્ટિવ સાર્જન્ટ પોલ હ્યુજીસે જણાવ્યું હતું કે તેની ધરપકડ મહત્ત્વની ઘટના છે, પરંતુ પૂછપરછ ચાલી રહી છે. તેમણે આ ઘટના વિશે કોઈની પાસે માહિતી હોય તો તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter