લંડનઃ યુકેમાં કાતિલ શિયાળો ચાલી રહ્યો છે ત્યારે કાર પરથી બરફ નહિ હટાવનારા ચાલકોએ ભારે દંડ ચૂકવવા તૈયાર રહેવાની ચેતવણી ઓટોમોબાઈલ એસોસિએશન (AA) એ આપી હતી. કારની વિન્ડોને નડે નહિ તેવો બરફ પણ કારના રૂફ પર જમા હશે તો પણ ચાલકના લાઈસન્સ પર પેનલ્ટી પોઈન્ટ ચડશે.
કાર પરથી પૂરતા પ્રમાણમાં બરફ હટાવ્યા વિના જે કોઈપણ ચાલક કાર ડ્રાઈવ કરતા પકડાય તે હાઈવે કોડના નિયમ ૨૨૯નો ભંગ કરે છે. આ નિયમ મુજબ કારની વિન્ડો, લાઈટ્સ અને નંબર પ્લેટ પર સહેજ પણ બરફ હોવો જોઈએ નહિ. આ નિયમનો ભંગ કરનારને ૬૦ પાઉન્ડનો દંડ અને લાઈસન્સ પર ત્રણ પેનલ્ટી પોઈન્ટ લાગશે.
જોકે, નિયમ મુજબ ડ્રાઈવરે તેમના વાહન પરથી પડતો અને રોડના અન્ય વપરાશકારોના માર્ગમાં આવે તેવો બરફ દૂર કરવો જરૂરી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ તેનું પાલન ન કરનારની બેદરકારીને લીધે અકસ્માત થાય તો તેને સ્થળ પર જ ૧૦૦ પાઉન્ડનો દંડ અને મહત્તમ નવ પેનલ્ટી પોઈન્ટ લાગી શકે છે.
AAના પ્રવક્તા લ્યુક બોસ્ડેટે જણાવ્યું હતું કે કારના રૂફ પર લગભગ એક ફૂટ જેટલા બરફ સાથે કાર હંકારતા હો તો ક્યારેક તે નીચે પડવાની શક્યતા રહે છે. આપ રસ્તા પર જઈ રહેલા અન્ય ચાલકોને જોખમ ઉભું થાય તે રીતે કાર ચલાવો છો. રૂફ પરથી બરફ ફંગોળાય તો તેના લીધે બીજા ડ્રાઈવર જોઈ ન શકે. તેને લીધે અકસ્માત થાય તો તે આપને માટે ગંભીર બની શકે.


