કારચોરીના રિંગલીડરને ‘હાથના કર્યા હાથે વાગ્યા’ઃ ૧૯ ચોરાયેલી કાર મળી

ચિરાગ પટેલ પોતાની કારની ચોરી થયાની ફરિયાદ કરવા જતા ફસાયોઃ આઠ વર્ષ જેલની સજા

Wednesday 24th October 2018 02:28 EDT
 
 

લંડનઃ એક કહેવત છે કે ‘ખાડો ખોદે તે પડે’. પોતાની કાર ચોરાઈ જતા પોલીસમાં ફરિયાદ કરનારા ૩૯ વર્ષીય ચિરાગ પટેલને આનો અનુભવ થયો છે અને તેમનું પોતાનું ભોપાળું બહાર આવ્યું છે. પોલીસને પટેલના અંડરગ્રાઉન્ડ ગેરેજમાં પાંચ ચોરાયેલી કાર અને ૨૬ કાર ચાવીનો શંકાસ્પદ સંગ્રહ મળી આવ્યો હતો. નવ કાર ચાવી વેસ્ટ મિડલેન્ડ્સના સોલિહલમાં જેગુઆર લેન્ડ રોવરની ફેક્ટરીમાંથી ચોરાયેલી હતી. વધુ તપાસ પછી ચિરાગ પટેલ પાસેથી ૧૯ ચોરાયેલી કાર મળી આવતા તેને ક્રોયડન ક્રાઉન કોર્ટે પાંચ સપ્તાહની ટ્રાયલ પછી આઠ વર્ષ જેલની સજા ફટકારી છે.

સાઉથ લંડનના ક્રોયડનમાં રહેતા ગુજરાતી મૂળના ચિરાગ પટેલને ક્રોયડન ક્રાઉન કોર્ટે આઠ વર્ષની જેલની સજા ફટકારી હતી. તેની સામે પાંચ સપ્તાહ સુધી ચિરાગ પટેલે ૩૧ જાન્યુઆરી, ૨૦૧૫માં તેની પોર્શ કાર ચોરાયાની ફરિયાદ પોલીસને કરી હતી. કાર ભાડે આપવાનો કાયદેસર ધંધો કરતા હોવાનો દાવો કરનારા ચિરાગ પટેલના ઘેર તપાસ કરવામાં આવતા તેના અંડરગ્રાઉન્ડ ગેરેજમાં ચોરાયેલી પાંચ કાર મળી આવી હતી. વધુ તપાસમાં પોર્શ કેયેન્ને, રેન્જ રોવર્સ અને મર્સીડિસ સહિત કુલ ૧૯ ચોરાયેલી કાર મળી આવી હતી, જેની કુલ કિંમત અંદાજે ૭૨૮,૦૦૦ પાઉન્ડ છે. ચિરાગ પટેલે જે પોર્શ ચોરાયાની ફરિયાદ કરી હતી તે કાયદેસર ખરીદાયેલી કાર હતી. ૨૦૧૫ની ૧૯ ફેબ્રુઆરીએ તેની ધરપકડ થઈ હતી.

મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યા અનુસાર ચિરાગ પટેલ પાસેથી મળી આવેલી તમામ કાર ઓક્ટોબર ૨૦૧૨થી જાન્યુઆરી ૨૦૧૫ વચ્ચે લંડનમાંથી ચોરાયેલી હતી. પોલીસે તેના કાર રેન્ટલ બિઝનેસના હિસાબો તપાસ્યા હતા અને ૪૪૦,૦૦૦ પાઉન્ડ બિનહિસાબી ડિપોઝીટ જણાઈ હતી. તેની પાસેથી ચોરાયેલું લેપટોપ પણ મળી આવ્યું હતું. તેને ક્રિમીનલ પ્રોપર્ટી ધરાવવા બદલ ત્રણ વર્ષની અને ૪૪૦, ૦૦૦ પાઉન્ડની બિનહિસાબી રકમ રાખવા બદલ પાંચ વર્ષની જેલ કરાઈ હતી. બેકમાંથી આ રકમ તેના નામે મળી હતી, જેનો પટેલે કોઈ જ સંતોષકારક ખુલાસો આપ્યો નહોતો. પટેલે બંને સજા સાથે જ કાપવી પડશે. મેટ્રોપોલીટન પોલીસના તપાસ અધિકારી સાર્જન્ટ બિલી ક્લોગે લાલચના કારણે આ ગુનામાં સાથ આપીને તેણે મોંઘી અને ઉચ્ચ શ્રેણીની કાર રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું કહ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે ચિરાગ પટેલે તેના પેરન્ટ્સના સરનામાની વિગતો આપી પોતાના ઘરથી ઓફિસરોને દૂર રાખ્યા હતા. છેવટે તેણે પોતાનું સરનામું આપતા પોલીસે ત્યાં તપાસ આદરી હતી. પટેલે જ્યૂરીને જણાવ્યું હતું કે તે કાયદેસર કાર રેન્ટલ ધંધો કરતો હતો પરંતુ, કમનસીબે તેની પાસે આટલી મોટી સંખ્યામાં ચોરાયેલી આઈટમ આવી ગઈ હતી. જોકે, જ્યૂરીએ તેનો ખુલાસો માન્યો ન હતો. મેટ્રો પોલીસે જણાવ્યું હતું.‘જે લોકો ચોરી કે અન્ય ગુનાઓમાં સામેલ હશે તેમને સખત સજા કરાશે એવો સંદેશો પટેલને અપાયેલી સજાથી જશે તેવી આશા છે’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter