કારથી એન્ટાર્ક્ટિકા પાર કરવાનો રેકોર્ડ

Monday 24th April 2017 09:43 EDT
 
 

લંડનઃ ઈંગ્લેન્ડના ૪૬ વર્ષીય બિઝનેસમેન પેટ્રિક બર્ગેલ શેકલ્ટને પેસેન્જર કારથી એન્ટાર્ક્ટિકા ધ્રુવપ્રદેશ પાર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે બર્ફીલી સપાટી પર ૩૦ દિવસમાં ૩,૫૦૦ માઇલ (૫,૮૦૦ કિલોમીટર) અંતર કાપ્યું હતું. આવું સફળ સાહસ પાર પાડનારા તેઓ દુનિયાની પ્રથમ વ્યક્તિ છે. બર્ગેલે કહ્યું કે પહેલાં કોઇએ આમ કર્યુ ન હતું તેથી તેમણે પડકાર ઝીલ્યો હતો.

તેઓ ત્રણ વાર એન્ટાર્ક્ટિકાની યાત્રામાં ભાગ લેનારા સર અર્નેસ્ટ શેકલ્ટનના ગ્રેટ-ગ્રાન્ડચાઈલ્ડ (પ્રપૌત્ર) છે. સર અર્નેસ્ટ દ્વારા ૧૯૧૪-૧૯૧૭ના ગાળામાં ટ્રાન્સએટલાન્ટિક સાહસયાત્રા કરાયાના ૧૦૦ વર્ષની યાદમાં આ સાહસ હાથ ધરાયું હતું. બર્ગલે જણાવ્યું હતું કે ‘તેઓ બાળક તરીકે ગ્રેટ-ગ્રાન્ડફાધરની સાહસકથાઓ અને તેમના સાહસોના ચિત્રો નિહાળી જ મોટા થયા છે. પરંતુ, આ સ્થળોને જાતે નિહાળવાનો આનંદ અવર્ણનીય હતો.’

આ સાહસયાત્રાનું આયોજન GPS દ્વારા કરાયું હતું. નિષ્ણાતોએ જોખમી વિસ્તારો અને નવા માર્ગો શોધી કાઢ્યા હતા, જ્યાં અત્યાર સુધી પૈડાવાળાં વાહનો પસાર થયાં ન હતાં. ગયા વર્ષે ડિસેમ્બરમાં હાથ ધરાયેલા સાહસ સમયે માઈનસ ૨૮ ડીગ્રી તાપમાનમાં તેમની ટીમે દિવસમાં ૨૦ કલાક જોખમી વિસ્તારોમાં ડ્રાઈવિંગ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter