કાર્ડિફઃ મિસ વેલ્સ ૨૦૧૩ની સ્પર્ધક અને ૨૬ વર્ષીય બ્યુટી ક્વીન કુમારી મહેન્દ્રન કાર્ડિફના લેન્ડેફમાં ઘરમાં સૂતી હતી ત્યારે તેની ૭૪ વર્ષીય સગી માતા ચિત્રાણીએ છૂરાથી હુમલો કરીને તેને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. જોકે, કુમારી તેને ધક્કો મારીને નાસી છૂટવામાં સફળ રહી હતી. ગત જાન્યુઆરીની ઘટનાની કાર્ડિફ ક્રાઉન કોર્ટમાં સુનાવણી પછી જ્યુરીએ ચિત્રાણીને ગુનેગાર ઠેરવી સજાની જાહેરાત આગામી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી.
કાર્ડિફ યુનિવર્સિટીમાં મેથેમેટિક્સનો અભ્યાસ કરનારી કુમારીએ ઘટનાના થોડા દિવસ અગાઉ નાદુરસ્ત માતા ચિત્રાણીને વતન શ્રીલંકા પાછી મોકલવાની વ્યવસ્થા પણ કરી હતી. કુમારીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તે સૂતી હતી ત્યારે તેની માતાએ બે વખત તેના વાળ ખેંચીને ઉઠાડી હતી. પરંતુ, તે ભરઉંઘમાં હતી. આ પછી જાગી ત્યારે તેને ગળા પર વાગ્યું હોય તેવું લાગ્યું હતું. તેની માતા સામે ઉભી હતી અને તેના હાથમાં છૂરો હતો. માતાએ ઘાયલ કરી હોવાનું લાગતાં તેને ધક્કો મારીને તે દોડી ગઈ, તો માતા પણ તેની પાછળ ધસી ગઈ હતી.
કુમારીએ રસ્તા પર પહોંચી મદદ માટે બૂમો મારી હતી. પડોશી નીયા ડેવિસ તેને પોતાના ઘરમાં લઈ ગઈ હતી. કુમારીને કાર્ડિફમાં યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સ ખાતે સારવાર અપાઈ હતી. ચિત્રાણી નોટિંગહામની કેલ્વર્ટન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી કોર્ટમાં હાજર રહી શકી નહોતી.