કાર્ડિફઃ મહાત્મા ગાંધીની પ્રતિમાની સ્થાપના કાર્ડિફમાં વેલ્શ એસેમ્બલી બિલ્ડિંગ્સ જેવાં મહત્વના સ્થળની નજીક કરી શકાય તે માટે ઉદાર હાથે ફાળો આપવાની નમ્ર અપીલ પણ હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા લોકોને કરવામાં આવી છે. હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા કાર્ડિફમાં સ્થાપિત કરાનારી ગાંધીપ્રતિમા ભારતમાં તૈયાર થઈ ગઈ છે અને કાર્ડિફ સુધી લાવવાના સૌથી યોગ્ય અને ઓછાં ખર્ચાળ માર્ગની તપાસ ચાલી રહી છે. ગાંધીપ્રતિમાનું નિર્માણ તો થઈ ગયું છે, પરંતુ ગાંધીજીના જન્મદિન બીજી ઓક્ટોબર, ૨૦૧૫ના દિવસે અનાવરણ વિધિ કરી શકાય તે માટે પૂરતો સમય રહ્યો ન હોવાથી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી આ કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સના સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. આના પરિણામે, અનાવરણ વિધિનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો પૂરતો સમય મળી રહેશે.
વિશ્વમાં શાંતિ, અહિંસા અને સહિષ્ણુતાના મૂર્તિમંત સ્વરુપ એવા મહાત્મા ગાંધીની કાર્ડિફમાં આ પ્રતીકાત્મક પ્રતિમા મહામાનવને આદરાંજલિ બની રહેશે. વેલ્સના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર મિ. રોડ્રી (Rhodri) મોર્ગન, ડેપ્યુટી હેલ્થ મિનિસ્ટર મિ. વોન ગેથિંગ AM અને વેલ્સ માટે ભારતના માનદ કોન્સ્યુલેટ મિ. રાજ અગ્રવાલ OBE, DL મહાત્મા ગાંધી પ્રોજેક્ટના પેટ્રન્સ છે.
વેલ્સ હિન્દુ કાઉન્સિલ અહિંસા, સમાનતા અને સત્યનો સંદેશો પ્રસરાવવા ઈચ્છે છે ત્યારે મહાત્મા ગાંધીની પ્રતિમા તમામ ભાવિ પેઢીઓને સત્યાગ્રહની અભૂતપૂર્વ તાકાતની યાદ અપાવતી રહેશે. મહાત્મા ગાંધી રાજકારણ અને ભૌગોલિક સીમાઓથી પર છે ત્યારે લોકો ખુલ્લા હૃદયથી સમર્થન આપશે તેવી આશા પણ કાઉન્સિલે વ્યક્ત કરી હતી.
હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા આ પ્રોજેક્ટ માટે નાણાભંડોળ એકત્ર કરવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જોકે, નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચી શકાયું ન હોવાથી આ વિશિષ્ટ અને પ્રતિમાત્મક પ્રોજેક્ટને વાસ્તવિકતા બનાવવા નૈતિક તેમ જ નાના-મોટા ઉદાર નાણાકીય પ્રદાનને આવકારવામાં આવશે. £૧૦૦૦થી વધુનો ફાળો આપનારા દાતાનો ઉલ્લેખ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માટે તૈયાર કરાનાર વિશેષ સોવેનિયર પુસ્તિકામાં કરાશે.
આ દાન બે રીતે સ્વીકારવામાં આવશે.
A. તમે ‘હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ’ના નામે ચેક બનાવી વિમલા પટેલ MBE ને 58 Timothy Rees Close, Cardiff, CF5 2AUના સરનામે પોસ્ટ મારફત મોકલી શકો છો. આ ઉપરાંત, નીચેની વિગતો અનુસાર બેન્કખાતામાં સીધી ચુકવણી પણ કરી શકો છો.
બેન્કઃ NatWest Bank
એકાઉન્ટનું નામઃ Hindu Council of Wales
બ્રાન્ચ કોડઃ 52 – 21 – 10
એકાઉન્ટ નંબરઃ 21106886
હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સે સહિયારા પ્રયાસથી ગાંધીપ્રતિમા પ્રોજેક્ટને મૂર્તિમંત બનાવવા તમામ લોકોને અનુરોધ કર્યો છે.