કાર્ડીફ સનાતન મંદિરમાં તુલસી વિવાહની ઊજવણી

Wednesday 08th November 2017 08:40 EST
 
 

કાર્ડીફ સનાતન ધર્મ મંદિરમાં તા. ૪-૧૧-૧૭ના રોજ અક્ષર પૂર્ણીમાના રોજ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષ્ણ પક્ષના યજમાન તરીકે ગ્લોસ્ટરના હિન્દુ કલ્ચરલ એસોસિએશનના સભ્ય શ્રીમતી નીતાબેન તથા પ્રવીણભાઇ રવજીભાઇ પટેલ હતા. જ્યારે તુલસી પક્ષના યજમાન બ્રિજેન્ડના શ્રીમતી પ્રવિણાબેન તથા પ્રમોદભાઇ પટેલ – પરિવાર થયા હતા.
લગ્નની જાનમાં ગ્લોસ્ટરથી બે કોચભરીને જાનૈયાઅો ઢોલ નગારા સાથે પધાર્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણને ઘોડા પર અસવાર કરાવીને મંડપમાં લાવ્યા હતા. તો માતા તુલસીજીને કાર્ડીફ મંદિરના સ્વયંસેવકો શણગારેલી પાલખીમાં મંડપમાં લાવ્યા હતા.
તુલસી વિવાહની વિધિ ભારતથી પધારેલ મહારાજ મહેન્દ્રભાઇ પંડ્યાએ કરાવી હતી અને વિશ્રામભાઇ વસરાની તેમજ કોકિલાબેન પટેલે અજીતભાઇ ગઢવીના સંગીતના સથવારે સુંદર લગ્ન ગીતો ગાઇને લગ્નનો માહોલ ઉભો કર્યો હતો.
આ પવિત્ર પ્રસંગે બર્મિંગહામ, બ્રિસ્ટલ, લંડન, લિડ્સ તેમજ ચેલ્ટનહામથી મહેમાનો પધાર્યા હતા અને તુલસી વિવાહના પ્રસંગને માણ્યો હતો. આ પ્રસંગના આયોજન માટે મંદિરના સ્વયંસેવકોએ ખૂબ જ મહેનત કરી પ્રસંગને દિપાવ્યો હતો. કાર્યક્રમને અંતે તુલસી વિવાહનું મહાત્મ્ય દર્શવતો વિડીયો સૌએ નિહાળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter