સ્થાનિક કવિઅોની રચનાઅોને સમાવતા વિભાગ 'કાવ્ય મંચ' વિભાગમાં આ સપ્તાહે કેટલીક ચુનંદી કવિતાઅો રજૂ કરાઇ છે. આશા છે કે વાચક મિત્રોને આ કવિતાઅો પસંદ આવશે.
આપની કવિતાઅો કે રચનાઅો ૧૫૦ શબ્દોની મર્યાદામાં ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી kamal.rao@abplgroup.com પર ઇ-મેઇલ દ્વારા મોકલવા વિનંતી.
કમલ રાવ
બાપુજી એક પૂંજી
બા તણી છે જે પુંજી
અમારા વ્હાલા બાપુજી
હૈયાના છે અમોલ હાર
પ્રેમભર્યો સાથી ઉપહાર
નયનોમાં ચમકે છે નૂર
દિલ કેરાં ખજાનાનો કોહીનૂર
એક ને એક બે યુગે તમો
જોડી સદા રહે માંગીએ અમો
પ્રમોદ મહેતા, ‘શબનમ’ સડબરી
-------------------
તારા ખચીત હેતના તમરનાં સૂરમાં
તંદ્રામાં બસ સૂધ રહીએ,
પડોશના ઘરમાં કોકવાર જઈએ,
બસ ફૂલનો ગુલદસ્તો ધરી દઈએ,
ખળખળતાં ઝરણોનાં નીર્મળ વહેતા જળમાં,
બસ પગ હલાવતાં બેસી રહીએ,
ફૂલોના સ્વાદ લઈ ઊડતાં પતંગીયાના,
રંગબેરંગો બસ માણતાં રહીએ,
બસ હરતાં ફરતાં રહીએ હસતાં હસતાં જઈએ,
ઉપરવાળાને બીજું તો શું કહીએ
- રમેશ દેસાઈ, હર્નહીલ
------------
નવા યુગનો ચેલો છું
નવા યુગનો ચેલો છું, હું ભાઈ નવા યુગનો ચેલો છું,
પવન પ્રમાણે શઢ ફેરવી, લાભ મળે ત્યાં લોટું છું - ભાઈ નવા યુગનો
ભવ્ય આશ્રમ નજરે પડતાં, તુરત જ ડેરા ડાલું છું
ગુરૂની પાસે કંઠી બંધાવી, મોબાઈલ લઈ મહાલું છું - ભાઈ નવા યુગનો
જેની હાકો વાગે સરકારમાં એ નેતાને પીછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે, વિમાન યાત્રાએ શોભું છું - ભાઈ નવા યુગનો
છપ્પન ભોગના થાળ દેખીને, દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન - ધૂનો ગાઈ માઈકમાં ચોટલી બાંધી નાચું છું - ભાઈ નવા યુગનો
એડમિશન ટાણે શાળામાં જઈ, મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને લાડ કરી રીઝવું છું - ભાઈ નવા યુગનો
મેવા માટે કરવી સેવા, એ ગુરૂમંત્ર ઘરવાળીએ દીધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી લાભ મળે ત્યાં લોટું છું - ભાઈ નવા યુગનો
હું ભાઈ નવા યુગનો ચેલો છું.
- રમેશ પટેલ ‘આકાશ દીપ’
-----------
* જીવતાં ત્યારે હંમેશ લડતાં
મરતાં ત્યારે રડતાં
આખી જીંદગી હસતાં હસતાં
આપણે કેમ ન મરતાં?
- રમેશ દેસાઈ, હર્નહીલ, લંડન
૦૦૦૦૦
‘તું ને હું’
તું ને હું, આપણ બંને
ચાલ તરંગે તરીયે,
જગના ઝાઝા ઝંઝાવાતો,
જીવનની સહુ કડવી વાતો,
શક્ય હોય તો! ઘડીક વાર વિસરીયે.... તું ને હું
બની આભલાં, રૂનાં ગાભલાં,
વીજથી ભીતર બળે બાપલાં,
દઈ વર્ષાની સલિલ સુધા, બીજ બીજ ફણગવીએ.... તું ને હું
મેઘધનુને આભ આભરી,
શશી રવિ કીકીયે કંડારી,
તૃણ કેરા પર્ણે પર્ણે, ઝાકળ થઈને ઠરીએ.... તું ને હું
વનરાજીને વસંત મંજરી,
મરુત બાજે મધુર ખંજરી,
બની પતંગા રંગરેલતા, ફૂલડે ફૂલડે ફરીયે.... તું ને હું
વર્ષા વારિ, ધરતી પોચી,
જઈ ભીતરને પથ્થર કોચી,
ઝીણાં ઝીણાં ઝરણાં થઈને ઝરીયે.... તું ને હું
નદી કિનારે, સરવર પાળે,
તરુ તણી કંઈ ડાળે ડાળે
પંખી થઈને ઊડી આભને અડીયે.... તું ને હું
બની પૂનમનો ચાંદ મધુરો,
કરીયે પુરણ પ્રેમ અધૂરો,
હૈયે વરસી શિતલ ચાંદની પ્રિતને પાગલ કરીએ... .... તું ને હું
- પરંતુ -
સોણલાં સાચાં હોય કદી ના,
તરંગ તરવું શક્ય અહીં ના,
નિશાનાં અંધારાં ઉમટ્યાં, ચાલને પાછા ફરીયે.... .... તું ને હું
- ડો. નગીનભાઈ પી. પટેલ, નોરવુડ હિલ.
૦૦૦૦૦૦