કાસ્ટ લેજિસ્લેશનઃ દરખાસ્તને ભોંયમાં ભંડારવી જ યોગ્ય ગણાશે

સી.બી. પટેલ Tuesday 11th July 2017 15:29 EDT
 
 

હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડર્સમાં લાંબી ચર્ચાવિચારણાના અંતે પાર્લામેન્ટે આ સન્માનીય ગૃહ સમક્ષ અતિ મહત્ત્વના લેજિસ્લેશન બાબતે પ્રતિભાવો મેળવવા માટે ૧૭ જુલાઈની મર્યાદા રાખવા નિર્ણય લીધો છે. તદ્દન સાદી ભાષામાં કહીએ તો આ દેશના લોકોના રોજબરોજના જીવનના કાસ્ટ અથવા જ્ઞાતિને કેન્દ્રસ્થાન આપવામાં આવ્યું છે. પ્રશ્ન એ થાય કે અત્યારે શા માટે? આ લેજિસ્લેશનના પ્રમોટર્સ અથવા સરકાર પણ રોજગાર, હાઉસિંગ, ફ્રેન્ડશીપ્સ અથવા લગ્નની બાબતમાં પણ જ્ઞાતિલક્ષી અવરોધોના આધારે આ દેશમાં આપણા જીવનમાં માની લીધેલા ભેદભાવ અને અન્યાયો બાબતે વાસ્તવદર્શી ડેટા આપવા સક્ષમ બન્યા નથી.

આ સૂચિત લેજિસ્લેશનને સમર્થન આપી રહેલાં પરિબળોએ આ દરખાસ્તની પાર્લામેન્ટમાં રજૂઆત કરવા પાછળના કારણો વિશે સ્પષ્ટતા સાથે અને સ્વચ્છ રીતે બહાર આવવું જ રહ્યું. જ્ઞાતિ ભેદભાવ સંબંધિત કેટલી ઘટનાઓનો રીપોર્ટ કરાયો છે? સૈદ્ધાંતિક દૃષ્ટિએ જોઈએ તો ભેદભાવ અથવા અન્યાયની એક પણ ઘટના સ્વીકાર્ય ગણાય નહીં. જ્યારે કોઈ કાયદો કેટલાક અપવાદોના આધારે ઘડવામાં આવે ત્યારે જે સમુદાયને મદદ કરવાનો હેતુ હોય તે જ સમાજના તાણાવાણાને તેની અસરોથી જોખમ અને નુકસાન સ્પષ્ટ જણાઈ આવે છે. આપણે તેના પરિણામોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જોઈએ.

આ દેશમાં ૫૦થી વધુ વર્ષોના નિવાસના મારા અનુભવ અનુસાર તો નોકરીદાતાઓ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિ સાથે સંકળાયેલા સાથી ભારતીયો હોય તે સહિત જાહેર અથવા ખાનગી એમ્પ્લોયમેન્ટમાં જ્ઞાતિનું કોઈ વિશેષ મહત્ત્વ લગભગ રહ્યું જ નથી. હાઉસિંગ, પબ્લિક સર્વિસીસ, યુનિવર્સિટીઓમાં તેમજ લગ્ન તરફ દોરી જતી મિત્રતામાં પણ જ્ઞાતિનું જો કોઈ મહત્ત્વ રહ્યું હોય તો પણ તે તદ્દન નગણ્ય છે.

શિક્ષણ, પ્રોફેશન્સ, ક્ષમતા અને આત્મવિશ્વાસની સાથોસાથ બ્રિટિશ ભારતીયોની ઉત્ક્રાંતિમાં કોઈ પણ લેજિસ્લેશન વિના જ સતત અને વ્યાપક પરિવર્તન આવ્યું છે. ઘણી ઓછી યુવા વ્યક્તિઓ પોતાના પેરન્ટ્સને અથવા અન્ય લોકોને મળતાં, પ્રેમમાં પડતા અગાઉ અથવા સાથે રહેવા કે લગ્ન તરફ દોરી જતા સંબંધોની શરૂઆત કરતા પહેલા સામેની વ્યક્તિઓની જ્ઞાતિ વિશે વિચાર કરે છે. આવા સંજોગોમાં જો જ્ઞાતિને જ કાયદાનો હિસ્સો બનાવાય તો શું થશે? આપણે આનો કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ. આ પછી યુવાન વ્યક્તિઓ, શાળામાં અભ્યાસ કરતાં છોકરા અને છોકરીઓ તેમના જીવનના સૌથી નિર્દોષ તબક્કામાં મિત્રતા કેળવતા અગાઉ જ સામેની વ્યક્તિની જ્ઞાતિ પૂછવા અજાણતા પણ લલચાશે કે પ્રોત્સાહિત થશે.

હું મારા અંગત અનુભવની જ વાત કરું. હું ૧૯૬૬માં આ દેશમાં આવ્યો હતો. મારે ૧૯૬૮માં જ અંગ્રેજ યુવાન સાથે લગ્ન કરવા ઈચ્છતી એક હિન્દુ યુવતીનું કન્યાદાન કરવાનું થયું હતું કારણકે યુવતીનાં માતાપિતા તે સમયે આ સંબંધને મંજૂરી આપવા માટે રાજી ન હતાં. એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડેલાં યુવક અને યુવતી પુખ્ત વયના હતાં અને યોગ્ય સિવિલ મેરેજથી જોડાવાં ઉત્સુક હતાં. મને એ કહેતા આનંદ થાય છે કે આ દંપતી આજે ગ્રાન્ડપેરન્ટ છે, અને તેમના સુંદર બાળકો આવતી કાલે કોની સાથે મિત્રતા કે લગ્નથી જોડાશે તેની કોને ખબર છે.

મારા ખુદના પરિવારમાં પણ કેટલાય સંતાનના પતિ કે પત્ની બિન-હિન્દુ છે અને કેટલાક તો ભારતીય પણ નથી. મારા પોતાના વિસ્તારિત પરિવારમાં એવી ઘટનાઓ પણ છે કે જ્યાં કહેવાતી ‘OBC’ જ્ઞાતિના સભ્યો સાથે લગ્નસંબંધ થયા છે.

હું એવા ઘણા લગ્નોમાં હાજર રહ્યો છું, જ્યાં હિન્દુ છોકરીઓનાં લગ્ન મુસ્લિમ યુવકો સાથે થયાં છે અને હિન્દુ કોમ્યુનિટીના સભ્યોએ મોટી સંખ્યામાં તેમાં હાજરી પણ આપી છે. આજે પણ મને મળતા લગ્નના આમંત્રણોમાં, વધુ નહિ તો લગભગ અડધા આમંત્રણ આંતરજ્ઞાતીય જ નહિ, આંતરવંશીય અને આંતરધર્મીય પણ હોય છે.

સમાજના અભિગમોમાં આ પરિવર્તન લાવવામાં કાયદાની કોઈ જ ભૂમિકા નથી. જ્ઞાતિ કદી મહત્ત્વનો માપદંડ રહ્યો નથી અને જો તેવું ધોરણ અગાઉ હોય તો પણ વર્તમાનમાં તેનું ખાસ અસ્તિત્વ નથી. હવે આ મુદ્દાને મોખરાનું સ્થાન આપવું તે ભારે જોખમી, અપમાનજનક અને માત્ર હિન્દુઓ જ નહિ પરંતુ, સહઅસ્તિત્વ અને સુમેળ ટોચ પર છે તેવા સમાજ માટે પણ માટે નુકસાનજનક બની રહેશે.

હવે આપણે ભારત તરફ નજર કરીએ. હા, ભારતમાં કાયાદાકીય જોગવાઈમાં જ્ઞાતિની હાજરી છે. હું જરા વિસ્તારથી વાત કરું. અસ્પૃશ્યતા સદીઓ પુરાણી સમસ્યા છે અને હિન્દુ સમાજ માટે શરમ છે. આ મુદ્દો ભારે જટિલ છે. કેટલાક લોકોના મતે પરદેશી આક્રમણખોરો, શાસકો તેમજ પોતાના હિતને માફક આવે તે પ્રમાણે બ્રિટિશ સામ્રાજ્યની સત્તાએ પણ જ્ઞાતિપ્રથાનો સ્વીકાર, ઉપયોગ અને દુરુપયોગ કર્યો છે. જ્ઞાતિવાદી ધોરણોનાં પરિણામસ્વરુપ અન્યાય, અમાનવીયતા, ગેરવાજબીપણાથી ૧૮મી અને ૧૯મી સદીમાં અને મહારાષ્ટ્ર, બંગાળ, તામિલનાડુ તથા બ્રિટિશ ભારતના અન્ય કેટલાક વિસ્તારોમાં ઉચ્ચ જ્ઞાતિના અને ઉમદા હિન્દુઓનું હૃદય વલોવાયું હતું, જેનાથી અસમાનતા અને અમાનવીયતાની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત થયું હતું.

બીજી તરફ, ૧૯૧૫માં પાછા ફરેલા ગાંધીજીએ જેમને ‘હરિજન’ તરીકે ઓળખાવ્યા હતા તે અસ્પૃશ્ય લોકોની સમસ્યા અને યાતનાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું હતું. ગાંધીજીએ સૌપ્રથમ સત્યાગ્રહ અભિયાન ચંપારણથી આરંભ્યું હતું, જે મુખ્યત્વે ગળીના બગીચાઓમાં કામ કરતા ભૂમિવિહોણા મજૂરોના રક્ષણ અને મદદ માટે હતું. આ મજૂરો મોટા ભાગે અસ્પૃશ્ય હતા પરંતુ, ગળીના ખેતરોના માલિક બ્રિટિશ, અંગ્રેજ લોકો હતા. આપણે ચંપારણ સત્યાગ્રહના પરિણામરુપ કોર્ટનો એ પ્રસિદ્ધ કેસ પણ યાદ કરીએ, જેમાં એમ.કે. ગાંધીને ૧૯૨૨માં છ વર્ષની સજા કરાઈ હતી. આ કેસમાં નામદાર જજ સમક્ષ ગાંધીજીએ આપેલું નિવેદન પણ આપણે વાંચવું જોઈએ.

ઈતિહાસનો દુર્ભાગ્યપૂર્ણ હિસ્સો એ પણ છે કે શાહી સત્તાએ ભારત છોડતા પહેલા ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવવામાં જરા પણ ખચકાટ અનુભવ્યો ન હતો. વર્ષ ૧૯૧૫-૧૬માં આગા ખાન અને મુર્શીદાબાદના નવાબની મદદથી મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી, જે આગળ જતા ધાર્મિક વિભાજન પર આધારિત અલગ દેશની માગણી તરફ દોરી ગઈ હતી. આપણે તેનું પરિણામ જાણીએ છીએ. આ કેવી રીતે થયું હતું?

૧૯૩૦ની લંડન ગોળમેજી પરિષદ સમયે ઈમ્પિરીયલ સત્તાએ પોતાની શતરંજની રમતમાં ડો. બાબાસાહેબ આંબેડકર અને અસ્પૃશ્યો અથવા ગાંધીજીના હરિજનો, જેઓ આજે દલિત તરીકે ઓળખાવાય છે તેમનો પ્યાદા તરીકે ઉપયોગ કરવા નિર્ણય લીધો હતો. આના પરિણામે ૧૯૩૧માં ગાંધીજીએ યરવડા જેલમાં ઉપવાસ કર્યા હતા તથા ગાંધી-આંબેડકર સમજૂતી થઈ હતી. આના પછી તો લંડન બ્રિજ હેઠળ ઘણાં જળ વહી ગયાં છે.

ડો. બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણની મુસદ્દા સમિતિના મુખ્ય કો-ઓર્ડિનેટર હતા ત્યારે પણ તેઓ અનામત નીતિની તરફેણમાં ન હતા. તેઓ એ બાબતે સ્પષ્ટ હતા કે સમાનતાનો ઉદ્ભવ કદી કાયદાના દાયરા થકી થઈ શકે નહિ, તે માત્ર સમાજની ઉત્ક્રાંતિ દ્વારા જ આવી શકે. યાદ રાખો કે, તેઓ અર્થશાસ્ત્રી અને ધારાશાસ્ત્રી, બંને હતા. એક દલિત પરિવારમાં જન્મ લેવાથી તેમણે ઘણું સહન કરવું પડ્યું હતું. સમિતિના અન્ય સભ્યોએ તેમના વાંધા-વિરોધને ફગાવી દીધો અને માત્ર ૧૦ વર્ષ માટે અનામત રાખવા નિર્ણય લેવાયો હતો. આજે ભારતમાં ૨૨ ટકા દલિત છે. સમાનતાની તક અને ભેદભાવોને દૂર કરવા સંદર્ભે ઘણું અંતર કાપી લેવાયું છે છતાં, હજુ લાખો માઈલ કાપવાના બાકી છે. નિશ્ચિતપણે, કોઈ વાજબી દાવો કરી શકે કે અગાઉની સરખામણીએ હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે વડા પ્રધાન વી.પી. સિંહે પોતાની સત્તા બચાવવા સરકારી કચેરીઓમાં વર્ષોથી ધૂળ ખાતા મંડલ કમિશન રિપોર્ટનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે સમાજમાં ભંગાણ પડ્યું અને હિંસા ફેલાઈ હતી.

આથી જ, ૨૦૧૭ના યુકેમાં જ્ઞાતિનો કાનૂની માળખામાં સમાવેશ કરવો આવશ્યક નથી કે હિતાવહ પણ નથી અને તે ભારે જોખમી છે. આપણે આ મુદ્દાને પક્ષીય રાજકારણની બાબત ન બનાવીએ. લોકોએ તેમના ટુંકા ગાળાના સ્વહિતથી આગળ વિચારવું જોઈએ. ભારતની માફક રાજકારણીઓને પ્રોત્સાહિત કરે તેવી કોઈ વોટબેન્ક અહીં નથી. હું આ અંગે તેમને દોષિત ગણતો નથી. હું માનું છું કે આ હકીકતો પર આધારિત યોગ્ય સમજનો અભાવ છે અને છેલ્લાં કેટલાક વર્ષોના આ બધા તણાવ અને દબાણ અયોગ્ય છે. આપણે સહિયારી માનવીયતાને ખાતર પણ આ દરખાસ્તને સંપૂર્ણપણે ભોંયમાં ભંડારી દઈએ તે જ યોગ્ય રહેશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter