કિંગ એડવર્ડ આઠમાનો તાંબાનો સિકકો વિક્રમી £૧૩૩,૦૦૦માં વેચાયો

અમેરિકન પ્રેમિકા વોલિસ સેમ્પસન સાથે લગ્ન કરવા કિંગ એડવર્ડે ડિસેમ્બર ૧૯૩૬માં જ રાજગાદી છોડી હતી

Wednesday 02nd October 2019 03:24 EDT
 
 

લંડનઃ બ્રિટિશ કિંગ એડવર્ડ આઠમાના અલ્પકાલીન શાસનના અતિ દુર્લભ તાંબાના કોઈનનું વિક્રમી ૧૩૩,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થયું હતું. રોયલ મિન્ટ દ્વારા કિંગ એડવર્ડ આઠમાની તાજપોશી અગાઉ ૧૯૩૭ની પેટર્ન પેનીનું ઉત્પાદન ટ્રાયલ તરીકે કરવામાં આવ્યું હતું. જોકે, એડવર્ડ આઠમાએ ડિસેમ્બર ૧૯૩૬માં જ રાજગાદીનો ત્યાગ કરી દેવાથી સિક્કાનું જથ્થાબંધ ઉત્પાદન કરાયું ન હતું.

કિંગ એડવર્ડ આઠમાની તાજપોશી અગાઉ રોયલ મિન્ટે આજમાઈશ માટે તાંબાના થોડા સિક્કા બહાર પાડ્યા હતા. જોકે, અમેરિકન પ્રેમિકા વોલિસ સેમ્પસન સાથે લગ્ન કરવા કિંગ એડવર્ડે ડિસેમ્બર ૧૯૩૬માં જ રાજગાદી છોડી દેતા તેમના ૧૦ મહિનાના શાસનનો અંત આવ્યો હતો. આથી, રોયલ મિન્ટે ૧૯૩૭ના પેટર્ન પેની સિક્કાનું જથ્થાબંધ ઉત્પાદન કર્યું ન હતું. ગણતરીના સિક્કા તૈયાર કરાયા હોવાતી સંગ્રાહકો માટે તે મોટી અને દુર્લભ વસ્તુ બની ગયા હતા. છેલ્લે, ૧૯૭૮માં આવા એક સિક્કાની હરાજી થઈ હતી.

લંડનની સ્પિન્ક એન્ડ સન દ્વારા ૨૫ સપ્ટેમ્બરે તાંબાનો સિક્કો હરાજી માટે મુકાયો ત્યારે આંતરરાષ્ટ્રીય સંગ્રાહકોનું યુદ્ધ ખેલાઈ ગયું હતું. આ સિક્કાનું વેચાણ ૬૦,૦૦૦ પાઉન્ડમાં થવાનો અંદાજ હતો પરંતુ, ખાનગી બ્રિટિશ સંગ્રાહકે તેને બમણાથી વધુ કિંમત ચુકવી ખરીદી લીધો હોવાનું કહેવાય છે. આખરે હરાજી ૧૧૧,૦૦૦ પાઉન્ડે અટકી હતી પરંતુ, એકસ્ટ્રા ફી સાથે તેની કુલ કિંમત ૧૩૩,૨૦૦ પાઉન્ડ થઈ હતી. બ્રિટિશ પેની માટે વર્તમાન વિશ્વવિક્રમ ૧૯૩૩ના જ્યોર્જ પંચમ સિક્કા માટે છે, જેનું ન્યૂ યોર્કમાં ૨૦૧૬માં ૧૫૦,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter