કિંગ ચાર્લ્સ તૃતીયની પ્રેસ્ટન મુલાકાતઃ ભારતીય કોમ્યુનિટીએ કર્યું સ્વાગત

Wednesday 25th November 2026 05:46 EST
 
 

પ્રેસ્ટનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે રાષ્ટ્રભાવના, વૈવિધ્યતા અને સંસ્કૃતિની ઉજવણી અર્થે સ્થાનિક કોમ્યુનિટી અને ધાર્મિક જૂથો સાથે સંપર્કના તેમના ભાગરૂપે સોમવાર 16 નવેમ્બરે પ્રેસ્ટનની મુલાકાત લીધી હતી. હેરિસ મ્યુઝિયમની મુલાકાત વેળાએ લેન્કેશાયરના હાઈ શેરીફ, પ્રેસ્ટનના મેયર, ચીફ એક્ઝિક્યુટિવ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોએ કિંગનું સ્વાગત કર્યું હતું. ફ્લેગ માર્કેટની મુલાકાત દરમિયાન, જાહેર પ્રજા અને વિવિધ કોમ્યુનિટી જૂથોના પ્રતિનિધિઓ પણ તેમને આવકારવા એકત્ર થયા હતા.

કિંગ ચાર્લ્સની મુલાકાત દરમિયાન, પ્રેસ્ટનસ્થિત અભિનંદના ડાન્સ એકેડેમીના સભ્યોએ જોશીલા ભારતીય નૃત્ય પરફોર્મન્સની રજૂઆત કરી હતી. કિંગ હેરિસ મ્યુઝિયમમાં પ્રવેશ્યા ત્યારે સમિત નાયીના વડપણ હેઠળ ઢોલ ટીમ - PR ઢોલી દ્વારા સંગીતમય સ્વાગત કરાયું હતું. તમામ યુવા પરફોર્મર્સ માટે આ અવિસ્મરણીય અને ગૌરવશાળી પળ હતી. કિંગ ચાર્લ્સે ડાન્સ ગ્રૂપ પાસે જઈ નમસ્તે સાથે ડાન્સરોનું અભિવાદન કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ઢોલ ટીમની પણ મુલાકાત લઈ સમિત નાયી, અહાન રામ અને આર્યન પટેલ સાથે હસ્તધૂનન કર્યું હતું.

આવા પ્રતિષ્ઠાજનક પ્રસંગે આપણી સમૃદ્ધ ભારતીય વિરાસત, સંસ્કૃતિ અને પરંપરાઓની પ્રસ્તુતિ નિહાળવાથી ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ને ભારે ગર્વની લાગણી થઈ છે. GHS દ્વારા અભિનંદના ડાન્સ એકેડેમી, ઢોલ ટીમ અને યુવા પાર્ટિસિપેન્ટ્સને આવા મહત્ત્વના પ્રસંગે તેમના અદ્ભૂત પરફોર્મન્સ અને આપણા સમુદાયનો ઉત્સાહ દર્શાવવા બદલ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે. આપણી સાંસ્કૃતિક સંસ્થાઓ નગરની ઓળખમાં જે રચનાત્મક યોગદાન આપી રહી છે તેની અદ્ભૂત કદર થવામાં પ્રેસ્ટનની ભારતીય કોમ્યુનિટી માટે ગૌરવની પળ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter