લંડન
કિંગ ચાર્લ્સ તૃતિયે યુગાન્ડાથી એશિયન સમુદાયના બ્રિટનમાં આગમનના 50 વર્ષ નિમિત્તે બકિંગહામ પેલેસ ખાતે એક સમારોહનું આયોજન કર્યું હતું જેમાં 450 જેટલા મહેમાન હાજર રહ્યાં હતાં. 4 ઓગસ્ટ 1972ના રોજ યુગાન્ડાના સરમુખત્યાર જનરલ ઇદી અમીને 60,000 જેટલા એશિયન મૂળના યુગાન્ડાવાસીઓને 90 દિવસમાં દેશ છોડીને ચાલ્યા જવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમાંથી લગભગ 50 ટકા લોકો બ્રિટનમાં રાજ્યાશ્રય માટે પહોંચ્યા હતા. બ્રિટિશ સરકાર દ્વારા શરૂ કરાયેલી પહેલી ઇવેક્યુએશન ફ્લાઇટ 18 સપ્ટેમ્બર 1972ના રોજ 193 પ્રવાસી સાથે સ્ટેનસ્ટેડ એરપોર્ટ ખાતે લેન્ડ થઇ હતી. સમગ્ર દેશમાં યુગાન્ડાથી આવી રહેલા નિરાશ્રિતો માટે 70 કરતાં વધુ સ્વયંસેવી સંગઠનો દ્વારા 16 હંગામી પુનર્વસન છાવણીઓ અને રિસેપ્શન કેમ્પ તૈયાર કરાયાં હતાં.
યુગાન્ડાથી આવી રહેલા નિરાશ્રિતો માટે ઘણા લોકો સ્વયંભૂ સામે આવી રહ્યાં હતાં. તેઓ તેમને ગરમ કપડાં પૂરાં પાડી રહ્યાં હતાં. બાળકો માટેની પ્રવૃત્તિઓ અને તેમને અંગ્રેજી શીખવવા જેવા કામ તેમણે ઉપાડી લીધાં હતાં. હોમ ઓફિસ દ્વારા યુગાન્ડા રિસેટલમેન્ટ બોર્ડની રચના કરાઇ હતી.
કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા આયોજિત કાર્યક્રમમાં જોનાથાન ડિમ્બલબી, જોન સ્નો, એલન ક્રિચલી, સંજીવ ભાસ્કર ઓબીઇ, બેરોનેસ વાડેરા, બેરોનેસ વર્જિનિયા બોટમલી, લોર્ડ સેન્તામુ હાજર રહ્યાં હતાં. તેમણએ પોતાના અનુભવોની સાથે યુગાન્ડામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
યુગાન્ડામાં જન્મેલા અને 1972માં પરિવાર સાથે બ્રિટન પહોંચેલા બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન લોર્ડ ગઢિયાએ જણાવ્યું હતું કે, અમે નામદાર કિંગના અત્યંત આભારી છીએ. તેમણે સાઉથ એશિયાના દેશો અને બ્રિટનમાં વસતા સાઉથ એશિયન સમુદાયના લોકોને મદદ માટે 2007માં બ્રિટિશ એશિયન ટ્રસ્ટની રચના કરી હતી. છેલ્લા 50 વર્ષમાં બ્રિટિશ યુગાન્ડન એશિયનો દ્વારા અપાયેલા યોગદાનના અનુભવો વહેંચવાની તક માટે અમે ગૌરવ અનુભવી રહ્યાં છીએ. આ પ્રસંગે અમે આધુનિક બ્રિટનની રચનામાં યુગાન્ડાથી આવેલા એશિયન સમુદાયના યોગદાનનો પણ ઉલ્લેખ કરીએ છીએ. અમને જરૂર હતી ત્યારે સ્વયંસેવી સંસ્થાઓ અને બ્રિટનની જનતાએ આપેલા સમર્થન અને ઉષ્માસભર આવકાર માટે અમે આભારી છીએ.


