કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન મધરથી માંડી હેરી અને મેગનની સગાઈ સુધીનાં ૧૦૦ વર્ષ

Wednesday 03rd January 2018 06:21 EST
 
 

લંડનઃ સમયની સાથે જ રુઢિઓ, રીતરિવાજો અને વિચારસરણીમાં પરિવર્તનો આવતાં જાય છે. બ્રિટિશ શાહી પરિવાર પણ આમાંથી બાકાત નથી. તાજેતરમાં જ પ્રિન્સ હેરી અને અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલની સગાઈ તેમજ મે મહિનામાં તેમના લગ્નની જાહેરાત કરવામાં આવી હતી. તેમની તસવીરો જોઈએ તો ૧૦૦ વર્ષ પહેલા આવું થઈ શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન વિક્ટોરિયાથી માંડી પ્રિન્સ હેરી અને મેગનની સગાઈના ૧૦૦ વર્ષના ગાળામાં ઘણી રુઢિઓ અને શિષ્ટાચાર બદલાયેલાં જોવાં મળે છે.

પ્રિન્સ હેરીના ગ્રેટ-ગ્રાન્ડપેરન્ટ્સ (પરદાદા-દાદી)એ ૧૯૨૩માં તેમની સગાઈની જાહેરાત કરી તે સમયની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર જોતાં જણાય છે કે કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન મધર કેમેરાની સામે ગંભીર મુખ કરીને બેઠાં છે પરંતુ, તેમની વચ્ચે ખાસુ અંતર છે. એકબીજાને સ્પર્શ ન થઈ જાય તેની કાળજી છે કારણકે જાહેરમાં તેમનો પ્રેમ દેખાય નહિ તેવો શાહી શિષ્ટાચાર જળવાતો હતો. આનાથી વિરુદ્ધ હેરી અને મેગનની તસવીરોમાં ઉત્કટ આલિંગનની લાગણીઓ દેખાઈ આવે છે.

પ્રિન્સ હેરીના દાદા પ્રિન્સ ફિલિપ અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયની સગાઈ ૧૯૪૭માં થઈ ત્યારે તેમની તસવીરો થોડી અલગ છે. પ્રિન્સ ફિલિપ અને ક્વીન એકબીજાની નિકટ હોવાં છતાં સલામત અંતર જાળવીને ઉભાં હતાં. આ પછી, ૧૯૬૦માં પ્રિન્સેસ માર્ગારેટની સગાઈ એન્ટની આર્મસ્ટ્રોંગ-જોન્સ સાથે થઈ ત્યારે શિષ્ટાચારમાં પરિવર્તન આવ્યું હતું અને બંને એકબીજાને અડોઅડ ઉભાં હતાં તેમજ તેઓના ચહેરા પર હાસ્ય દેખાતું હતું.

આ પછીનું પરિવર્તન ૧૯૭૩માં પ્રિન્સેસ એન અને માર્ક ફિલિપ્સની સગાઈ વખતે જોવાં મળ્યું હતું. પ્રિન્સેસ એન બ્રિટિશ શાહી પરિવારના સૌપ્રથમ સભ્ય હતાં, જેમણે સગાઈમાં ભાવિ પતિનો હાથ પકડ્યો હતો. માર્કની સામે સહાસ્ય નિહાળતાં પ્રિન્સેસ એન ખુશ દેખાયાં હતાં.

પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયેનાનાં ૧૯૮૧માં થયેલાં એંગેજમેન્ટની વાત જ નોખી હતી. સામાન્ય વ્યક્તિની માફક જ ડાયેનાએ ભાવિ પતિના ગળામાં બંને હાથ ભેરવી હળવાશપૂર્ણ અંદાજમાં તસવીર પડાવી હતી. ચાર્લ્સ અને ડાયેનાની માફક જ ફર્ગી અને પ્રિન્સ એન્ડ્રયુએ ૧૯૮૬માં સગાઈ વખતે નિકટતા દર્શાવતી તસવીર પડાવી હતી. આના ૧૩ વર્ષ પછી પ્રિન્સ એડવર્ડ અને સોફીની સગાઈ ૧૯૯૯માં થઈ ત્યારે પ્રિન્સે સોફીને ગાઢ ચુંબન આપ્યું હતું.

આજથી સાત વર્ષ અગાઉ ૨૦૧૦માં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનની સગાઈ થઈ ત્યારે તેમણે પડાવેલી રોમાન્ટિક તસવીરમાં બંને વચ્ચેનો ગાઢ પ્રેમ અને નિકટતા દેખાઈ આવતા હતા. હવે કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન વિક્ટોરિયાની સગાઈના લગભગ ૧૦૦ વર્ષ પછી સમયનું ચક્ર ફરી ગયું છે. પ્રિન્સ હેરી કરતા વયમાં મોટી મેગન એકબીજાને વળગીને બેઠાં છે અને વિન્ડસર કેસલના તેમના શાહી નિવાસના ફ્રોગમોર હાઉસના ગ્રાઉન્ડ પર ચાલતા હતા તેવી તસવીરમાં પણ નિકટતા અને પ્રેમ દેખાઈ આવે છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter