લંડનઃ લેબર પાર્ટીના સૌથી સીનિયર એશિયન સાંસદ કિથ વાઝે ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી માટે લેબર પાર્ટી દ્વારા ૫૮ BAME (બ્લેક એશિયન એન્ડ એથનિક માઈનોરિટી) ઉમેદવારની પસંદગીને ‘ઐતિહાસિક સિદ્ધિ’ ગણાવી આવકારી હતી. ગત પાર્લામેન્ટમાં લેબર પાર્ટીના ૨૨ સાંસદ જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૮ સાંસદ BAME પશ્ચાદભૂ ધરાવતા હતા.
કિથ વાઝ સૌપ્રથમ વખત ૧૯૮૭માં પાર્લામેન્ટમાં ચૂંટાયા ત્યારે ૫૦ વર્ષમાં પ્રથમ એશિયન સાંસદ હતા અને પ્રસિદ્ધ ‘ગેંગ ઓફ ફોર’નો હિસ્સો હતા. તેમણે કહ્યું હતું કે, લેબર પાર્ટી દ્વારા પસંદ કરાયેલી બ્લેક એશિયન એન્ડ એથનિક માઈનોરિટી ઉમેદવારની સંખ્યાથી તેમને આનંદ છે. આ ઉમેદવાર યુકેમાં લગભગ દરેક ડાયસ્પોરા કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા હોવાની હકીકત તેમણે દર્શાવી હતી. વાઝ લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને એથનિક માઈનોરિટી ટાસ્ક ફોર્સના અધ્યક્ષ છે.
તેમણે કહ્યું હતું કે,‘લેબર પાર્ટી માટે આ ઐતિહાસિક પળ છે, જેણે ડાઈવર્સિટીના એક માત્ર પક્ષ તરીકેના અમારા દરજ્જાને મહત્ત્વ આપ્યું છે. વર્ષો સુધી લેબર પાર્ટી લઘુમતી સાંસદો સાથેની એક માત્ર પાર્ટી હતી અને એક રીતે મને આનંદ થાય છે કે કન્ઝર્વેટિવ અને લિબરલ ડેમોક્રેટ્સ પણ વિવિધ વંશીય ઉમેદવારો સાથેની બેઠકો જીત્યા છે. લોકો દ્વારા વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂ ધરાવતા લોકો પાર્લામેન્ટમાં ચૂંટાય નહિ ત્યાં સુધી લેજિસ્લેચર સાચા અર્થમાં પ્રતિનિધિત્વ ધરાવતું કહી શકાય નહિ.’
ગત પાર્લામેન્ટમાં લેબર પાર્ટીની જેરેમી કોર્બીનની શેડો કેબિનેટમાં પાંચ BAME સભ્ય હતા, જેમાં ડિઆને એબોટ (શેડો હોમ સેક્રેટરી), વેલેરી વાઝ (શેડો લીડર ઓફ ધ હાઉસ), કેટ ઓસામોર (શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ), ક્લાઈવ લૂઈ (શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી) અને ચી ઓનવુરાહ (ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેટેજી)નો સમાવેશ થતો હતો.
ગ્લાસગો સેન્ટ્રલથી માંડી પોર્ટ્સમથ નોર્થ સુધી લેબર પાર્ટીના BAME ઉમેદવારો આઠ જૂનની ચૂંટણીમાં પોતાની બેઠક જીતવા અથાક મહેનતમાં લાગી ગયા છે. આગામી સપ્તાહોમાં ઉમેદવારો તેમના મતદારો સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરતા રહેશે ત્યારે તેમની પસંદગી માત્ર આ ચૂંટણીને અસામાન્ય બનાવશે. કન્ઝર્વેટિવ અને લિબરલ ડેમોક્રેટ્સની સરખામણીએ લેબર BAME ઉમેદવારોની સંખ્યા વધુ છે. કુર્દ ઈબ્રાહીમ ડોગુસ (લંડન અને વેસ્ટમિન્સ્ટર સિટીઝ) અને બે હિન્દુ ઉમેદવાર નવીન શાહ (હેરો ઈસ્ટ) અને નીરજ પાટિલ (પટની) સહિત યુકેના લગભગ દરેક ડાયસ્પોરામાંથી ઉમેદવારની પસંદગી કરાઈ છે. યુકેની પાર્લામેન્ટને પ્રતિનિધિયુક્ત રાખવા માટે આ મુજબ વિવિધ પશ્ચાદભૂ અને વંશીયતામાંથી સાંસદોની પસંદગી થવી આવશ્યક છે. લેબર પાર્ટી દ્વારા અશ્વેત અને વંશીય લઘુમતી વર્ગના ૫૮ ઉમેદવારની પસંદગી ઈતિહાસમાં નોંધાશે અને તમામ રાજકીય પક્ષો માટે એક ઉદાહરણ સ્થાપિત કરે તેવી આશા સેવાય છે.