કિશન પટેલને વૃદ્ધ અમેરિકનો સાથે છેતરપીંડી બદલ 63 મહિનાની જેલ

Wednesday 25th June 2025 06:18 EDT
 
 

 ઓસ્ટિન, ટેક્સાસઃ ગુજરાતના નવસારીના 20 વર્ષીય વિદ્યાર્થી કિશન રાજેશકુમાર પટેલને ખોટી ઓળખ અને ઓનલાઈન કૌભાંડો મારફત વયોવૃદ્ધ અમેરિકનો સાથે આશરે 2.7 મિલિયન  ડોલરની છેતરપીંડી આચરવા બદલ યુએસ ફેડરલ પ્રિઝનમાં 63 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. કિશનના સહકાવતરાખોર ધ્રૂવ રાજેશભાઈ મંગુકિયાએ પણ ગુનો કબૂલ્યો છે અને તેને સજા ફરમાવવાની બાકી છે.

કિશન રાજેશકુમાર પટેલ સ્ટુડન્ટ વિઝા પર અમોરિકા આવ્યા પછી વયોવૃદ્ધ અને અશક્ત અમેરિકનોને નિશાન બનાવતી આંતરરાષ્ટ્રીય યોજનાનો હિસ્સો બન્યો હતો. સહકાવતરાખોર ધ્રૂવ મંગુકિયા અને અન્યો સાથે મળીને કિશન યુએસ સરકારી અધિકારીઓની બનાવટી ઓળખ સાથે વૃદ્ધોને ગભરાવી મોટા પ્રમાણમાં સોનુ અને રોકડ પડાવતો હતો અને મની લોન્ડરિંગ કરતો હતો. કોર્ટના રેકોર્ડ્સ મુજબ કિશન વિક્ટિમ્સ પાસેથી જાતે જ છેતરપીંડીના પેમેન્ટ્સ વસુલતો હતો અને પોતાનો હિસ્સો રાખી લઈ કાવતરામાં સામેલ અન્યોને રકમ મોકલી આપતો હતો. જુલાઈ અને ઓગસ્ટ 2024ના ગાળામાં ઓછામાં 25 અમેરિકન્સને ઓળખી કઢાયા હતા જેમની પાસેથી 2.6 મિલિયન ડોલર પડાવી લેવાયા હતા.

કિશન પટેલની ઓગસ્ટ 2024માં ટેક્સાસના ગ્રેનાઈલ શોઆલ્સ ખાતેથી ધરપકડ કરાઈ હતી જ્યારે તેણે એક વ્યક્તિ પાસેથી 130,000 ડોલર વસૂલ્યા હોવાનું કહેવાય છે. તેણે માર્ચ મહિનામાં મની લોન્ડરિંગ માટે નાણા પડાવવાની છેતરપીંડીના કાવતરામાં ભાગ લેવાનું કબૂલ્યું હતું. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ રોબર્ટ પિટમેને ગત મંગળવાર 17 જૂને 63 મહિના માટે જેલની સજા ફરમાવી હતી.

યુએસ એટર્ની જસ્ટિન સિમોન્સે પટેલની પ્રવૃત્તિને વિઝા અધિકાર સાથે દ્રોહ સમાન ગણાવી કહ્યું હતું કે આરોપીએ અમેરિકાના તેના વિઝા સ્ટેટસનો ગેરલાભ ઉઠાવી આંતરરાષ્ટ્રીય ફ્રોડ સ્કીમમાં ભાગ લીધો હતો. તેણે ખોટી ઓળખ થકી વૃદ્ધ અમેરિકનોના ભરોસાનો દુરુપયોગ કર્યો હતો અને નાણા પડાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter