લંડનઃ બળાત્કારી અને હત્યારા પોલીસ ઓફિસર વાયને કુઝેન્સના ૨૬ પોલીસ સહકર્મીઓએ ગત પાંચ વર્ષમાં સેક્સ અપરાધો આચર્યા છે. સેક્સ ક્રાઈમ્સ માટે સજા કરાયેલી છે. આમાંથી બે પોલીસકર્મીને એપ્રિલ મહિનામાં એટલે કે કુઝેન્સ દ્વારા સારાહ એવરાર્ડનાં અપહરણ, બળાત્કાર અને હત્યાના એક મહિના પછી તેમના ગુનાઓ બદલ જેલની સજા કરાઈ હતી.
ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ અન્વયે મેળવાયેલી માહિતી અનુસાર સ્કોટલેન્ડ યાર્ડના ૨૬ ઓફિસરો દ્વારા ૨૦૧૬થી કરાયેલા સેક્સ અપરાધોમાં બળાત્કાર, બાળકોની અશ્લીલ તસવીરો રાખવી તેમજ ચોરીછુપીથી નગ્નતાને નિહાળવા સહિતનો સમાવેશ થાય છે. પાંચ પોલીસકર્મીએ ૨૦૧૦થી ફરજ દરમિયાન અપરાધો આચર્યા હતા જ્યારે એક સામે અશ્લીલતા આચરવાની સજા હોવા છતાં તેની ભરતી કરાઈ હતી.
૫૮ વર્ષીય ડિટેક્ટિવ કોન્સ્ટેબલ માર્ક કોલિન્સને ૧૩ વર્ષની મનાતી છોકરી (વાસ્તવમાં અંડરકવર ઓફિસર)ને ભારે જાતિય મેસેજિસ મોકલવા બદલ એપ્રિલમાં ૨૬ મહિનાની જેલની સજા કરાઈ હતી. આ જ મહિનામાં ૬૦ વર્ષીય ડિટેક્ટિવ કોન્સ્ટેબલ પોલ ઓલગુડને બાળકોની અશ્લીલ તસવીરો રાખવા તેમજ જાહેર સભ્યતાના ભંગના ગુનાઓમાં ૨૨ મહિનાની જેલની સજા કરાઈ હતી. સન્ડે મિરરના અહેવાલ અનુસાર સેવારત ૧૫૦ પોલીસ ઓફિસર્સ હુમલા સહિતના અન્ય ગુનાઓમાં દોષિત ઠરાવાયેલા છે.
મેટ્રોપોલીટન પોલીસના પૂર્વ ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ પર્મ સાંધૂએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે આંચકાજનક પર્દાફાશ પછી હાલ કાર્યરત તમામ પોલીસ ઓફિસર્સની નવેસરથી કાળજીપૂર્વક ચકાસણી કરાવી જોઈએ. પબ્લિકનો ગુમાવેલો વિશ્વાસ હાંસલ કરવા આવું પગલું તાકીદે ભરવાની જરૂર છે.