કૃષ્ણા અવન્તિ પ્રાઈમરી સ્કૂલને Ofstedનું આઉટસ્ટેન્ડિંગ રેટિંગ

Wednesday 01st October 2025 06:50 EDT
 
 

લંડનઃ યુકેમાં સરકારી ભંડોળ સાથેની સૌપ્રથમ હિન્દુધર્મી સ્કૂલ કૃષ્ણા અવન્તિ પ્રાઈમરી સ્કૂલને એજ્યુકેશન વોચડોગ Ofsted દ્વારા સર્વોચ્ચ આઉટસ્ટેન્ડિંગ રેટિંગ આપવામાં આવ્યું છે. અવન્તિ સ્કૂલ્સ ટ્રસ્ટના હિસ્સારૂપ અને સહશિક્ષણ  ધરાવતી એજવેરસ્થિત કૃષ્ણા અવન્તિ પ્રાઈમરી સ્કૂલનું જૂન 2025માં ઈન્સ્પેક્શન કરાયા પછી તમામ ક્ષેત્રમાં તેની અસાધારણ કામગીરીને બિરદાવાઈ હતી.

Ofstedના ઈન્સ્પેક્ટરોએ શૈક્ષણિક ગુણવત્તા, મજબૂત નેતૃત્વ અને દરેક બાળક તેની ગર્ભિત   ક્ષમતા હાંસલ કરી શકે તેમાં મદદની પ્રતિબદ્ધતા માટે શાળાની પ્રશંસા કરી હતી. શાળાના  શાંત અને હેતુલક્ષી વાતાવરણની નોંધ લેવાં સાથે વિદ્યાર્થીઓની મહેનતુ સક્રિય ભાગીદારીથી શીખવાનું સફળ વાતાવરણ સર્જાયું હોવાનું પણ જણાવ્યું હતું. Ofsted દ્વારા આધ્યાત્મિક અનુકંપા ધરાવતા ચેન્જમેકર્સની પ્રેરણા આપવામાં શાળાના સ્પષ્ટ વિઝન સંદર્ભે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ, સ્ટાફ, પેરન્ટ્સ, કેરર્સ અને ટ્રસ્ટ્રીઓ સમાનપણે આ સમજે છે.

કૃષ્ણા અવન્તિના પ્રિન્સિપાલ શ્રીતિ ગઢીઆએ જણાવ્યું હતું કે,‘આ અસાધારણ પરિણામ અમારા શીખનારા વિદ્યાર્થીઓ, સ્ટાફ, પેરન્ટ્સ અને વ્યાપક હિસ્સેદારો સહિત સમગ્ર શાળા સમુદાયના સમર્પણ, ઉત્સાહ અને મહેનતની યશકલગી છે. ઈન્સ્પેક્શનના તારણો મજબૂત શિક્ષણ, અને શીખવવાની પદ્ધતિઓ તેમજ સમૃદ્ધ, કાર્યમાં રોકી રાખતા અભ્યાસક્રમો પ્રતિ અમારી પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. આ રિપોર્ટ અમે જે પ્રકારે ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપીએ છીએ, વિકાસનું જે વાતાવર્ણ સર્જ્યું છે તેમજ આધ્યાત્મિક અનુકંપા ધરાવતા ચેન્જમેકર્સને વિકસાવવાની અમારી કલ્પનાને સુસંગત છે.’

અવન્તિ સ્કૂલ્સ ટ્રસ્ટના સીઈઓ ડો. જેમ્સ બિડુલ્ફ MBEએ  જણાવ્યું હતું કે,‘ કૃષ્ણા અવન્તિ પ્રાઈમરી સ્કૂલ માટે Ofstedના અભૂતપૂર્વ પરિણામથી હું ભારે રોમાંચિત છું. આ સિદ્ધિ અમારા શિક્ષકો, સપોર્ટ સ્ટાફ, એડમિનિસ્ટ્રેટર્સ, સાઈટ ટીમ્સ અને વિઝનરી નેતાઓના માર્ગદર્શનનું પરિણામ છે. દરેક બાળકને અસાધારણ શૈક્ષણિક યાત્રા પૂરી પાડવી અને  આધ્યાત્મિક સંવેદનશીલ પરિવર્તનકારોને પોષવાની તેમની અવિરત પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter