લંડનઃ સહેલી એન્ફિલ્ડના સીઈઓ કૃષ્ણાબહેન પૂજારાના નિવાસસ્થાને રાંદલ માતાના લોટાની પૂજાના સમારંભનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. તેમના એજવેર ખાતેના પૂજારા નિવાસે 32 માતાજીના લોટાની પૂજાવિધિમાં 230થી વધુ ગોયણી અને તેમના પરિવાર સહિત400થી પણ વધુ લોકોએ પૂજા, દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.
લોકો દ્વારા રાંદલ માતાની પૂજા કરવા પાછળ માતાજી પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ અને આનંદ સહિત ઘણા કારણો રહેલાં છે. ભગવાન વિશ્વકર્માના પુત્રી રાંદલમાનાં લગ્ન ભગવાન સૂર્યનારાયણ સાથે થયાં હતાં. આ પૂજાવિધિ મુખ્યત્વે ઘરમાં જ થતી હોય છે જેનાથી ઘરને પણ આશાીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ, ઘરઘરના કેટલાંક નિયંત્રણો કે માન્યતાના કારણે લોકો મંદિરો અથવા કોમ્યુનિટી સેન્ટર્સમાં પણ પૂજાવિધિ કરાવે છે. આ પૂજાવિધિ સામાન્યપણે શનિવાર, રવિવાર, સોમવાર જેવા પવિત્ર દિવસોએ કરાય છે. પૂજાના પવિત્ર દિવસ માટે હંમેશાં પૂજારીની સલાહ લેવી જોઈએ તેમજ પૂજાવિધિ માટે આવશ્યક ચીજવસ્તુઓ, પ્રસાદ, ફળફળાદિ વગેરેની યાદી મેળવી લેવી જોઈએ. આ પૂજાવિધિમાં ગોયણી રાંદલ માતાજીનું સ્વરૂપ ગણાય છે. ગોયણી તરીકે કોઈ પણ જ્ઞાતિ કે પંથની સ્ત્રીની પસંદગી કરી શકાય પરંતુ, તે સગર્ભા હોવી ન જોઈએ.
શનિવાર 13 મેથી નિવાસસ્થાનના ડેકોરેશન સાથે ઉજવણીની શરૂઆત થઈ હતી. રવિવારની સવારે ગોયણીઓનાં પગ ધોવા અને પૂજવાની વિધિ સાથે આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. સોમવારે સવારે પૂજાવિધિના સમાપન તરીકે ઉત્તર પૂજા કરવામાં આવી હતી.
પૂજાવિધિના સમાપન પ્રસાદમાં ખીર ઉપરાંત શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પછી લોકોએ માતાજીના ગરબા ગાઈને ભક્તિભાવ દર્શાવ્યો હતો તેમજ માતાજીના જાગરતાની ઉજવણીમાં રાજકોટથી આવેલા ગાયકો રાજેશ મજિઠીઆ અને ગાર્ગી સેક્વિરાએ માતાજીના ગરબા અને ભજનોની રમઝટ બોલાવી હતી.
પૂજારા પરિવાર આ પવિત્ર ઉત્સવમાં ઉપસ્થિત રહી સપોર્ટ કરનારા તમામ ભાવિકજનો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. માતાજીના દર્શન અથવા અન્ય વધુ માહિતી માટે રસ ધરાવનારાએ ગુજરાત સમાચારના કોકિલાબહેન પટેલનો સંપર્ક સાધવા વિનંતી છે.


