લંડનઃ ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટન એપ્રિલ મહિનામાં તેમનાં ત્રીજા સંતાનને જન્મ આપવાનાં છે અને આ સંતાનનો જન્મ હોસ્પિટલમાં નહિ પરંતુ, ઘેર જ થાય તેવી ઈચ્છા ધરાવે છે. બ્રિટનમાં સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ પ્રાઈવેટ મિડવાઈફ દ્વારા ઘેર જ પ્રસૂતિ કરાવે તેવું ચલણ વધી રહ્યું છે ત્યારે કેટ હોમ બર્થ માટે બ્રિટિશરોની પ્રેરણામૂર્તિ બન્યાં છે.
ખાનગી દાયણ કે મિડવાઈફની અગ્રણી સપ્લાયર ‘Private Midwives’ દ્વારા ૧,૫૯૨ પુખ્ત વ્યક્તિના કરાયેલા નવા રિસર્ચ મુજબ ૬૮ ટકા બ્રિટિશર સગર્ભાવસ્થા દરમિયાન ખાનગી મિડવાઈફની સેવા લેવા વિચારે છે. દેશની ફેવરિટ સેલેબ્રિટિઝ અને શાહી પરિવાર દ્વારા તેમને પ્રોત્સાહન અને પ્રેરણા સાંપડશે. ૧૦માંથી એક (૧૪ ટકા) સગર્ભાએ એમ કહ્યું છે કે તેઓ પ્રસૂતિ દરમિયાન ખાનગી મિડવાઈફને સાથે રાખવાનું પસંદ કરશે. ‘Private Midwives’ના કહેવા મુજબ ખાનગી દાયણની તેમની સેવામાં પાંચ વર્ષમાં ૧૦ ગણો વધારો થયો છે.
લગ્ન પછી હનીમૂનનું ચલણ છે તેવી જ રીતે બાળકના જન્મ અગાઉ ‘બેબીમૂન’નો નવો ટ્રેન્ડ સર્જાયો છે, જેમાં નવા બાળકના આગમન અગાઉથી તેની ઉજવણી કરવામાં આવે છે. બીયોન્સ, સેરેના વિલિયમ્સ જેવી સેલેબ્રિટિઝ તેમજ કેટ અને વિલિયમ જેવા શાહી દંપતીએ બાળકના જન્મ અગાઉ રજાનો આનંદ મેળવ્યો છે. બીજી તરફ, યુકેના ૭૮ ટકા પુખ્તોએ તેમણે બેબીમૂન વિકલ્પ વિચાર્યો હોવાનું સ્વીકાર્યું હતું. નવાંગતુક સંતાનને વધાવવા તત્પર ૩૪ ટકા પેરન્ટ્સ બેબીમૂનનું આયોજન કરી રહ્યાં છે.


