દહેરાદુનઃ ઉત્તરાખંડનાં ગઢવાલ હિમાલયમાં આવેલા ચારધામ યાત્રા પૈકીનાં કેદારનાથ ધામનાં કપાટ 22મી એપ્રિલે ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે તેમ ઉત્તરાખડનાં મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું. શિયાળામાં આશરે 6 મહિના સુધી કેદારનાથનાં કપાટ બંધ રાખવામાં આવે છે. શ્રી બદરીનાથ-કેદારનાથ મંદિર કમિટીનાં અધિકારીએ કહ્યું હતું કે મહાશિવરાત્રીનાં દિવસે મંદિરનાં કપાટ ખોલવાની તારીખ અને સમય અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. ભગવાન કેદારનાથનાં શિયાળાનાં નિવાસ સ્થાન ઓમકારેશ્વર મંદિર ખાતે આ નિર્ણય લેવાયો હતો. ધર્મવિદ્દો અને સંતો તેમજ પુજારીની હાજરીમાં મંદિરનાં કપાટ ક્યારે ખોલવા તેનો તેમજ પૂજા અર્ચનાનાં સમયનો નિર્ણય હિન્દુ પંચાગ મુજબ લેવાયો હતો.
12 જ્યોતિર્લિંગ પૈકી એક એવા કેદારનાથનાં કપાટ 22મી એપ્રિલે સવારે 8 વાગે ખોલવામાં આવશે જ્યારે બદરીનાથનાં કપાટ 23મી એપ્રિલે ખોલવામાં આવશે. ગંગોત્રી અને યમુનોત્રીનાં કપાટ 19 એપ્રિલે ખોલવામાં આવશે. આ સાથે જ આખા દેશમાં ચારધામ યાત્રાની શરૂઆત થશે. કેદારનાથ મંદિરનાં પૂજારી તેમજ અન્ય સંતોની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો.
ઉત્તરાખંડનાં મુખ્યપ્રધાન ધામીએ પત્રકારોને કહ્યું હતું કે કેદારનાથનાં કપાટ 22મીએ અને બદરીનાથનાં કપાટ 23મીએ ખોલાશે. તેમણે ચકરપુર વાંખંડી મહાદેવ મંદિરમાં જળાભિષેક કર્યા પછી આ જાહેરાત કરી હતી. કપાટ ખોલવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા માટે તમામ પગલાં લેવાશે.


