કેનેડાના માર્ખમના સનાતન મંદિરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

સ્કારબોરોના સિવિક સેન્ટરમાં ટોરન્ટોના મેયરે તિરંગો ફરકાવ્યો

Wednesday 24th August 2022 06:09 EDT
 
 

ટોરન્ટો

ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ યોજાઇ હતી. કેનેડાના ઓન્ટારિયોના માર્ખમ ખાતે આવેલા સનાતન મંદિર અને કલ્ચરલ સેન્ટર ખાતે પણ 15મી ઓગસ્ટના રોજ સવારે 10-30 કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો. માર્ખમમાં રહેતા સુરેશ પટેલે જણાવ્યું હતું કે, ભારત પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરવા મોટી સંખ્યામાં ભારતીયો અને ભારતના શુભચિંતકો આ ઉજવણીમાં જોડાયાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં પવિત્ર પરંપરાગત મંત્રોચ્ચાર વચ્ચે ભારતના રાષ્ટ્રધ્વજની પૂજા કરાઇ હતી. હાજર રહેલા સૌએ તમામ ક્ષેત્રમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને આગામી વર્ષોમાં ભારત એક અગ્રણી દેશ બને તે માટે કામના કરી હતી. અમે ભારત ઉપરાંત અમારા સુંદર દેશ કેનેડા માટે પણ પૂજા કરી હતી. પૂજા સંપન્ન થયા બાદ ઢોલ નગારાના તાલ સાથે રેલીનું આયોજન કરાયું હતું જેમાં પૂજારી ધ્વજધારક બન્યાં હતાં અને રેલીમાં જોડાયેલા ભાવિકોએ ગાયેલાં દેશભક્તિના ગીતોના કારણે વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. મંદિરની બહાર આવેલા વલ્લભ ચોક ખાતે 1 મે 2022ના રોજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરાઇ હતી. કેનેડા અને ઉત્તર અમેરિકાની ધરતી પર પહેલીવાર વિવિધ સ્થળોથી આવેલા મહાનુભાવો અને હજારો લોકોની હાજરીમાં સરદારની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.રેલી પણ આજ સ્થળે પહોંચી હતી અને સરદારની પ્રતિમા ખાતે ધ્વજવંદન યોજાયું હતું. પૂજારીના પુત્રના રાષ્ટ્રગાન સાથે હાજર રહેલા પ્રત્યેકે તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ કેનેડાના રાષ્ટ્રગીતનું ગાયન કરાયું હતું અને સનાતન ધર્મનો ધ્વજ પણ ફરકાવવામાં આવ્યો હતો. દેશભક્તિના હિન્દી ગીતોના તાલે ઘણા લોકો નાચી ઉઠ્યાં હતાં. ત્યારબાદ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં આઝાદીના મહત્વ પર સંબોધનો થયાં હતાં. તે જ દિવસે સાંજે સ્કારબોરોના સિવિક સેન્ટર ખાતે પણ ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું જેમાં હું, મહેન્દ્રભાઇ અને કલાબેન પટેલ, યશુભાઇ અને વિનોદાબેન પટેલ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમહેમાન તરીકે હાજર રહેલા ટોરન્ટોના મેયર જ્હોન ટોરીએ ભારતનો તિરંગો ફરકાવ્યો હતો અને હાજર રહેલા તમામે ભારત અને કેનેડાના રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ કાર્યક્રમોના પ્રયોજક લક્ષ્મીનારાયણ મંદિર, હિન્દુ કલ્ચરલ સોસાયટી અને ઘણી મોટી કંપનીઓ અને બેન્કો હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter