કેનેડાનું શક્તિશાળી ગૌરવ - પ્રાઈડ પરેડ

મિતુલ પનીકર Wednesday 17th July 2019 03:55 EDT
 
 

પ્રિય વાચકમિત્રો

જૂન મહિનો ઈન્ટરનશનલ પ્રાઈડ મન્થ તરીકે ઉજવાય છે અને આ વર્ષે તો કેનેડા તેની ઉજવણીમાં અનોખું બની રહ્યું હતું. ન્યૂ યોર્કમાં ૫૦ વર્ષ અગાઉના કુખ્યાત સ્ટોનવોલ રાયટ્સ (રમખાણો) પછી પ્રાઈડ ૨૦૧૯નું આગમન થયું હતું. જ લોકોને જાણકારી નથી તેમને ખાસ માહિતી આપવાની કે ન્યૂ યોર્કમાં સ્ટોનવોલ ખાતે ૨૮ જૂન ૧૯૬૯માં પોલીસ દ્વારા પડાયેલા દરોડાના વિરોધમાં સમલિંગી (ગે) સમુદાય દ્વારા અચાનક હિંસક વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો અને આવાં શ્રેણીબદ્ધ દેખાવો સ્ટોનવોલ રમખાણો તરીકે ઓળખાયાં હતાં. દર વર્ષે વિશ્વમાં આ તારીખ કે સપ્તાહમાં પ્રાઈડ પરેડ યોજી ઉજવણી કરવામાં આવે છે. ટોરોન્ટોની પ્રાઈડ પરેડ ૨૩ જૂન રવિવારે યોજાઈ હતી, જે સમગ્ર દેશમાં યોજાએલી સેંકડો પરેડ ઉજવણીમાં સૌથી વિશાળ હતી.

સેંકડો લોકોની અગણિત સંખ્યા આ વાર્ષિક પરેડની ઉજવણી માટે શહેરની મધ્ય વિસ્તાર (ડાઉનટાઉન)માં ૧૨થી વધુ બ્લોક્સ પર કતારબદ્ધ ગોઠવાઈ ગઈ હતી. પ્રાઈડ પરેડમાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો, NDPના નેતા જગમિતસિંહ અને ટોરોન્ટોના મેયર જ્હોન ટોરી સહિત અનેક નામાંકિત રાજકારણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિયમિત હાજરી આપતા વડા પ્રધાન ટ્રુડોએ પોતાની કેબિનેટના સભ્યો સહિત ડાઉનટાઉનમાં પસાર થતી વેળાએ મેપલના પાંદડાને દર્શાવતા મેઘધનુષી ધ્વજને લહેરાવ્યો હતો.

મેં અને મારાં પતિએ પણ પરેડમાં ભાગ લીધો હતો. અમ નવાસવાં હોવાથી લગભગ કોઈને ઓળખતાં ન હતાં પરંતુ, ભીડમાં પણ અમે તત્કાળ મિત્રો બનાવી લીધાં. અમે તેઓની સંગ નાચ્યાં અને ગીતો પણ ગાયાં અને અમારાં વચ્ચે કદી ન તૂટે તેવું અનોખું બંધન સર્જાઈ ગયું હતું. સૌથી ચિત્રવિચિત્ર ગણાવાય તેવાં પહેરવેશ સાથેના લોકોથી માર્ગો ભરચક હતા અને ઊર્જા તો અપાર હતી જાણે પૃથ્વી પરની હોય જ નહિ.

આ સપ્તાહની ડાયરીમાં વિષયની પસંદગીથી કદાચ વાચકમિત્રોને આશ્ચર્ય થતું હશે પરંતુ, મારી પાસે આનું કોઈ વિશેષ કારણ કે એજન્ડા નથી. જે લોકોએ કોઈ મુદ્દે અડગ ઉભા રહેવાની હિંમત દર્શાવી તેમના પ્રત્યે અંશતઃ અને શ્રેણીબદ્ધ રુઢિચુસ્ત પ્રત્યાઘાતો સર્જાયા તેમની સાથે ઉભાં રહેવાની આંતરિક જરુરિયાત લાગી છે. યુગો સુધી નિર્ધારિત ‘સામાન્ય’ માર્ગનું અનુસરણ નહિ કરનારા લોકોનો ‘અલગ’ હોવાના કારણે બહિષ્કાર કરાયો છે અથવા હાંસી ઉડાવાઈ છે. હવે સમય બદલાયો છે અને સમગ્ર વિશ્વમાં સ્વીકૃતિનો માહોલ છે ત્યારે મને એવો વિચાર આવે છે કે સ્વીકૃતિની જરૂર જ શા માટે હોય? ગે કોમ્યુનિટીએ સમાજ પાસેથી સ્વીકૃતિ મેળવવાની ઝંખના કરવી પડે? આપણે કેમ સમજી શકતા નથી કે કોઈ બે વ્યક્તિમાં સમાનતા હોતી નથી અને આવી અસમાનતા જ આપણને અનોખું સ્થાન આપે છે.

LGBTQ (Lesbian, Gay, Bisexual, Transgender, Queer) કોમ્યુનિટીએ સમાજની સ્વીકૃતિ કે માન્યતા હાંસલ કરવા દાયકાઓ સુધી લડત ચલાવી છે અને આ વર્ષે મારાં જીવનમાં પ્રથમ વખત તેમના સંઘર્ષની ઉજવણીમાં ભાગ લેવાનો વિશેષાધિકાર મને સાંપડ્યો હતો.

નાચગાન સાથે ડાઉનટાઉન તરફ આગેકૂચ કરી રહેલી ભીડની ઝિંદાદિલી- ઉલ્લાસથી મને પણ આંતરિક શક્તિ પ્રાપ્ત થઈ. આગેકૂચમાં સામેલ દરેક વ્યક્તિ સૈધ્ધાંતિક ક્ષમતાએ ભિન્ન અને અવિચળ હતી અને મારાં ગૌરવનો પાર રહ્યો નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter