લંડનઃ દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી સમયે નોર્થ લંડનના વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરે ત્રણ પવિત્ર મૂર્તિઓની ચોરી કર્યા પછી ૧૩ નવેમ્બરની સવારે નોર્થ લંડનના કેન્ટનના શ્રી ભૂજ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં પણ તાળાં તૂટતાં ભારે ચકચાર જામી છે. બે મંદિરમાં ચોરીનો મામલો બ્રિટિશ પાર્લામેન્ટ સુધી પહોંચ્યો છે. રાજધાનીમાં હિન્દુઓની સૌથી વધુ વસ્તી છે તેવા નોર્થ-વેસ્ટ લંડનમાં આ બંને મંદિરો આવેલાં છે. જોકે, મંદિરના પૂજારીએ કોઈ વસ્તુ ચોરાઈ ન હોવાનું જણાવ્યું હતું. ઘણા લોકોના મતે આ બે ઘટનાઓ સંકળાયેલી છે અને તમામ હિન્દુ મંદિરોને સાવધાની રાખવા જણાવાયું છે. લંડનના તમામ હિન્દુ મંદિરોની સુરક્ષા વધારાઈ છે.
શ્રી ભૂજ સત્સંગ સ્વામિનારાયણ મંદિરમાં બારીનો કાચ તોડી ચોરીના પ્રયાસની ઘટના બનવાથી હરિભક્તોમાં કચવાટ અને રોષની લાગણી ફેલાઈ હતી. હરિભક્તોએ દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સવારના દર્શન કરવા આવ્યા ત્યારે ચોરીની ઘટનાની જાણ થઈ હતી. મંદિર બંધ હોવાથી દર્શન કર્યા વિના પાછાં ફર્યા હતા. બીજી તરફ, મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે હરિકૃષ્ણ મહારાજ કે અન્ય કોઈ ઠાકોરજીની મૂર્તિ ચોરાઈ નથી. બધું અકબંધ છે. છતાં, પુરાવાઓનો નાશ ન થાય અને પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. પોલીસે ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોએ ઝીણવટપૂર્વકની તપાસ સાથે પુરાવાઓ એકત્રિત કર્યા હતાં. તારીખ ૧૩ નવેમ્બરની બપોર પછી ભૂજ સત્સંગ સ્વામિનારાયણ મંદિર હેરો-કેન્ટનને દર્શનાર્થીઓ માટે પુન: ખોલી નખાયું હતું.
બ્રિટિશ હિન્દુ ફોરમે આ ઘટનાને વખોડી કાઢી હતી. ચૂસ્ત ધાર્મિક વર્ગે આ કૃત્યોને હિન્દુ ધર્મ વિરોધી ગણાવ્યાં હતાં. ધ હિન્દુ કાઉન્સિલ યુકેએ જણાવ્યું હતું કે અમે તમામ હિન્દુ મંદિરોને સાવધ રહેવા અને સિક્યુરિટી સિસ્ટ્મ્સ બરાબર કામ કરે છે તેની ચોકસાઈ કરવા અનુરોધ કરીએ છીએ. હેરો-વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે જણાવ્યું હતું કે, ‘કેન્ટન અને વિલ્સડન ગ્રીનમાં બે મહત્ત્વના સ્થાનિક મંદિરોમાં ચોરીની ઘટનાઓ સાંભળી ચિંતિત છું. જવાબદાર લોકો ઝડપથી પકડાય અને તેમની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાય તેવી આશા છે.’
હિન્દુ મંદિરોમાં ચોરીનો મામલો બ્રિટિશ પાર્લામેન્ટમાં
ભૂજ મંદિર સંલગ્ન વિલ્સડન સ્વામિનારાયણ મંદિર અને કેન્ટન હેરો મંદિરોમાં છ દિવસના ગાળામાં ઉપરાઉપરી ચોરીના બનાવનો મામલો બ્રિટિશ પાર્લામેન્ટ સુધી પહોંચ્યો છે. સરકારે કડક કાર્યવાહી કરવા ખાતરી આપી છે. મૂળ ભારતીય અને ઈલિંગ સાઉથોલના લેબર પાર્ટીના સાંસદ વિરેન્દ્ર શર્માએ સરકારને પ્રશ્ન પૂછયો કે, ‘ટૂંકા ગાળામાં બે હિન્દુ મંદિરમાં ચોરીની ઘટનાને શું બ્રિટિશ સરકાર ધાર્મિક પરંપરા પર નફરત ફેલાવવાના પ્રયાસ એટલે કે ‘હેટ ક્રાઈમ’ શ્રેણીમાં ગણશે કે કેમ?’ જસ્ટિસ મંત્રાલયના પ્રથમ સેક્રેટરી ડેવિડ કવોકે જવાબમાં કહ્યું હતું કે, ‘અમે ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. તપાસ ચાલુ છે, કડક રીતે આવા તત્ત્વો સામે પગલાં લેવાશે પરંતુ તેને ‘હેટ ક્રાઈમ’ તરીકે ગણવો કે કેમ તે તપાસ પર નિર્ભર છે. જો તે ધાર્મિક ગુનાની શ્રેણીમાં આવતો હશે તો કોઈ પણ ભેદભાવ વિના સ્વતંત્ર તપાસ કરી યોગ્ય સજા કરવામાં આવશે.’
પાછળથી સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, ‘આ ઘૂસણખોરી-ચોરીની ઘટનાઓ હિન્દુ સમુદાય પર રંગભેદી હુમલો છે અને પોલીસ તેને ગંભીરતાથી લેતી જણાય છે. હિન્દુઓને નિશાન બનાવતી આ પ્રકારની ચોરીની ઘટનાઓ વધુ જોવા મળશે તેની મને ભારે ચિંતા છે.’
ભૂજ મંદિર સંલગ્ન સ્ટેનમોર, ઈસ્ટ લંડન, વુલીચ, કાર્ડિફ, બોલ્ટન, ઓલ્ધામ મંદિરોમાં હરિભક્તો અને મંદિર સંચાલન સમિતિઓ જાગૃતિ દાખવી રહી છે. ઘટનાના પડઘા લંડન-કચ્છથી આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સુધી પડયા હતા.

