કેન્યાના એશિયનોની સામૂહિક હિજરત અને બ્રિટનમાં વસવાટની ગોલ્ડન જ્યુબિલી

Wednesday 12th December 2018 01:22 EST
 
 

લંડનઃ કેન્યાના એશિયનોની સામૂહિક હિજરત ૧૯૬૮ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં વધી ગઈ હતી. કેન્યામાં ૧૮મી સદીના આરંભથી જ ભારતીયોના વસવાટની શરુઆત થઈ તે સમયે કેન્યા બ્રિટિશ સંસ્થાન ન હતું. ૧૯૬૩ સુધીમાં તો કેન્યામાં વસતા સાઉથ એશિયન મૂળના અને મુખ્યત્વે ભારતીયોની સંખ્યા ૧૭૯,૦૦૦ની હતી.

તેમની વસ્તી બે ટકાથી પણ ઓછી હતી પરંતુ, વેપાર-વાણિજ્ય ઉદ્યોગ, સિવિલ સર્વિસ તેમજ અન્ય વહીવટી નોકરીઓ મુખ્યત્વે કેન્યાના એશિયનો હસ્તક હતી. કેન્યા ૧૯૬૩માં સ્વતંત્ર થયું તે પછી જોમો કેન્યાટાની સરકારે દાખલ કરેલા કેન્યા ઈમિગ્રેશન એક્ટ ૧૯૬૭માં નાગરિક ન હોય તેવા કેન્યન એશિયનો માટે વર્ક પરમિટ ફરજિયાત બનાવાઈ હતી. આ પછી, કેન્યાની સરકારે ટ્રેડ લાયસન્સિંગ એકટ ૧૯૬૭ અમલી બનાવ્યો હતો, જેમાં બિન કેન્યનો વેપાર કરી શકે તેવા વિસ્તારોને મર્યાદિત બનાવી દેવાયા હતા.

આશરે ૧૦૦,૦૦૦ કેન્યન એશિયનોએ બ્રિટિશ નાગરિકત્વ મેળવ્યું હતું અને આવા હજારો એશિયનોના સામૂહિક ઈમિગ્રેશનથી વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સનની યુકે સરકાર માટે મોટી કટોકટી સર્જાઈ હતી. ઈસ્ટ આફ્રિકાથી ઈમિગ્રન્ટ્સનો પ્રવાહ અટકાવવાના હેતુથી જ હોમ સેક્રેટરી જેમ્સ કાલાહને ઘડેલા ૧૯૬૮ના કોમનવેલ્થ ઈમિગ્રેશન એક્ટમાં ‘યુકે સાથે નિકટનો નાતો’ હોવાની જરુરિયાત સામેલ કરવામાં આવી હતી.

વર્ષ ૧૯૬૯ સુધીમાં ૪૦,૦૦૦ કેન્યન એશિયનો મુખ્યત્વે યુકેમાં સ્થળાંતર કરી ગયા હતા અને ૧૯૭૯માં કેન્યામાં તેમની સંખ્યા ૭૮,૦૦૦ થઈ ગઈ હતી. ટાન્ઝાનિયા અથવા યુગાન્ડાની સરખામણીએ વધુ ઈસ્ટ આફ્રિકન એશિયનો કેન્યાથી સ્થળાંતર કરી યુકેમાં આવ્યા હતા.

‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ઈસ્ટ આફ્રિકન એશિયનોના યુકેમાં વસવાટની ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા વિશેષ મેગેઝિન પ્રસિદ્ધ કરનાર છે. આ મેગેઝિનમાં અખંડ ભારતથી ઈસ્ટ આફ્રિકા અને ખાસ કરીને કેન્યામાં સ્થળાંતર વિશે સુસંગત માહિતીનો સમાવેશ કરાશે. તેમાં કેન્યાના એશિયનોના માત્ર અર્થતંત્રમાં જ નહિ પરંતુ સામાજિક અને રાજકીય મુક્તિમાં યોગદાનની નોંધ લેવામાં આવશે. અમે આ વિષય પર વિવિધ રિપોર્ટ્સ, પુસ્તકો અને અભ્યાસોમાંથી નોંધપાત્ર માહિતી એકત્ર કરી છે.

કેન્યા સાથે સંબંધ ધરાવતા તમામ નવા બ્રિટનવાસીઓને યુનાઈટેડ કિંગ્ડમમાં તેમના પોતાના અથવા મિત્રો અને પરિવારના અનુભવ વિશે કોઈ પણ સુસંગત માહિતી અથવા સ્ટોરીઝ મોકલી આપવાનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. અમે જાહેર અને રાજકીય જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની સ્ટોરીઝનો પણ સમાવેશ કરવા ઈચ્છીએ છીએ તેમજ એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સને પણ તેમની સિદ્ધિઓ મોકલી આપવા આમંત્રિત કરીએ છીએ. આ સંદર્ભે કોઈ પણ સૂચન અને વિષયો આવકાર્ય છે.

સ્ટોરીઝ મોકલવાની આખરી તારીખ ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ છે. આપ [email protected] પર ઈમેઈલ કરી સ્ટોરીઝ મોકલી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter