નાઈરોબીઃ કેન્યાના નાકુરુ કૃષ્ણ મંદિરમાં રવિવાર, 2 નવેમ્બરે તુલસીવિવાહનો પવિત્ર પ્રસંગ ભક્તિ, સમર્પણ અને આનંદ સાથે ધામધૂમથી ઉજવાયો હતો. હર્ષિદાબહેન અને મહેશભાઈ કારીઆ તેમજ પ્રજ્ઞાબહેન અને તેમનો પરિવાર આ પવિત્ર પ્રસંગના યજમાનપદે હતાં. યજમાનોએ તમામ ભક્તો અને મહેમાનોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.
સુંદર રીતે આયોજિત તુલસીવિવાહ કાર્યક્રમમાં કોમ્યુનિટીના સંખ્યાબંધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ અને તુલસીમાતાના પવિત્ર વિવાહબંધનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણમાં ભક્તિભાવ, ભાઈચારાપણું અને ઉત્સવની લાગણી અને આનંદ છવાયેલાં હતાં. આરતી અને મહાપ્રસાદના વિતરણ પછી તુલસીવિવાહ પ્રસંગનું સમાપન કરવામાં આવ્યું હતું.


