કેન્સરને મહાત કરનાર બાહોશ સન્નારી મીનાબહેન જસાણી

કોકિલા પટેલ Wednesday 26th April 2023 05:37 EDT
 
 

આપણે ત્યાં તો સ્ત્રીને શક્તિ સ્વરૂપા જ ગણવામાં આવે છે. આજની નારીએ ભાગ્યે જ કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું હશે કે જેમાં તેણે પોતાની શક્તિનો પરિચય ન કરાવ્યો હોય. દેશ-દુનિયાના વિકાસમાં મહિલા શશક્તિકરણ થકી આજે મહિલાઓ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. રાજકારણ, અર્થ વ્યવસ્થા , સુરક્ષા, અવકાશ સંસોધન, ટેક્નોલૉજી, મેડિકલ અને પ્રૌધોગિકી જેવાં મહત્વનાં ક્ષેત્રે મહિલાઓ સમાન નેતૃત્વ પુરું પાડી દેશ-દુનિયાની વિકાસ યાત્રામાં સંપૂર્ણ ભાગીદાર બની રહી છે. સમાજમાં સુખ, સમૃધ્ધિ અને સંસ્કૃતિના સર્જન માટે મહિલાઓને સન્માનભર્યું જીવન આપવાની અનિવાર્યતા હવે દુનિયા સમજી ચૂકી છે. યુ.કે.સ્થિત આપણી ભારતીય- ગુજરાતી સંસ્થાઓના ઉત્થાન-પ્રગતિ માટે મહિલાઓનો ફાળો વિશેષ રહ્યો છે.
આજે આવી જ એક નારી શક્તિનો આપ સૌને પરિચય કરાવવો છે જે ઉત્તર લંડનમાં સૌથી સક્રિય લોહાણા સંસ્થા LCNL(લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન)ના પ્રમુખપદે સર્વાનુમતે નિયુક્ત થયાં છે. નારીશક્તિને પ્રોત્સાહિત કરનાર લોહાણા સમાજને અભિનંદન. ગત માર્ચથી LCNLનું સૂકાન સંભાળનાર મહિલા પ્રમુખ મીનાબહેન નીતિનભાઇ જસાણી એટલે વર્ષોથી અનેકક્ષેત્રે સેવાલક્ષી કાર્ય કરનાર મૂકસેવિકા.
યુગાન્ડા-કંપાલામાં જન્મેલા મીનાબહેન જસાણી વડોદરાની MS યુનિવર્સિટીમાં ફાઇન આર્ટસની ડિગ્રી લઇ ૧૯૭૪માં યુ.કે. આવ્યાં હતા. ફોન પર એમની સાથે થયેલ વાતચીત દરમિયાન મીનાબહેને જણાવ્યું કે, "લંડનમાં ૧૯૭૭માં નિતીનભાઇ જસાણી સાથે લગ્નગ્રંથિથી જોડાયા પછી અમે ૧૯૭૮માં ટોરન્ટો-કેનેડા જઇને સ્થાયી થયાં. ત્યાં મેં ઓન્ટારિયો સોસાયટી ફોર ક્રિપલ્ડ ચિલ્ડ્રન માટે કામ કર્યું. ૧૯૮૧થી ૮૭ સુધી હું ટોરન્ટોમાં લોહાણા કોમ્યુનિટી સાથે ખૂબ સક્રિય રહ્યા ત્યારબાદ દિકરી કૃપાને લઇ ૧૯૯૧માં અમે કાયમ માટે લંડન આવ્યાં. અહીં હું એક પ્રાઇવેટ સ્કૂલ પરેન્ટ્સ એસોસિએશનની ચેરપર્સન બની. ઉપરાંત બ્રેન્ટ બરોની પ્રેસ્ટન મેનોર સ્કૂલની ગુજરાતી શાળા બાલભવનનીટ્રસ્ટીપદે રહી. ૨૦૦૦માં લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના મહિલા મંડળની સભ્ય તરીકે જોડાઇ એ પછી સોશ્યલ સેક્રેટરી તરીકે સક્રિય સેવા આપી. ૨૦૦૮થી ૨૦૧૦ દરમિયાન હું લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના મહિલા મંડળની ચેરપર્સન તરીકે નિયુક્ત થઇ. સાથે સાથે ૨૦૧૦થી ૨૦૧૨ દરમિયાન ગોલ્ડર્સગ્રીન લાયોનેસ કલબનાં પ્રેસિડેન્ટતરીકે હોદ્દો નિભાવ્યો એ દરમિયાન ઘણા ચેરિટી કાર્યક્રમોનું આયોજન કરી £૨૨૦૦૦ની માતબર રકમ એકત્ર કરી. ૨૦૧૦માં હીથરો નજીક અમે "આફ્રિકન નાઇટ"નું સુંદર આયોજન કર્યું હતું. એ રીતે સેન્ટ લૂક્સ ચેરિટી માટે "મેક્સીકન નાઇટ"નું આયોજન કરી £૮૦૦૦ એકત્ર કર્યા હતા. લાયોનેસ કલબમાં બે વર્ષની મારી પ્રેસિડેન્ટશીપ દરમિયાન અમે £૩૨૦૦૦ની માતબર રકમ એકત્ર કરી હતી.
૨૦૧૪માં હું લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનની કમિટીમાં સભ્ય તરીકે જોડાઇ. એમાં ૨૦૧૬થી હું કો ફાઉન્ડર ઓફ કનેકશન જે એક પ્રકારે મેટ્રીમોનિયલ સર્વિસ કહી શકાય એમાં સેવા આપી.

કેન્સરને મહાત કરનાર મીનાબહેન 

પોતાનું જીવન ચેરિટી કાર્યમાં સમર્પિત કરવા ઇચ્છુક મીનાબહેન જસાણીએ પોતાની કાર્યસિધ્ધિની વાત કરતાં કહ઼્યું કે, “વ્યવસાયે હું બ્યુટી કન્સલ્ટંટ હતી એટલે મારે ગ્લેમર્સ જગતની હસ્તીઓ સાથે ચેરિટી કાર્યમાં ખૂબ મળવાનું થતું પણ ૨૦૦૬માં મને કોલન કેન્સરનું નિદાન થતાં બે મોટી સર્જરી કરવી પડી એ દરમિયાન હું અમારા લોહાણા મહિલા મંડળને સેવા ના આપી શકી પણ કેન્સરમાંથી રીકવરી થઇ ગયા પછી ૨૦૦૯માં બાઉલ કેન્સર માટે ચેરિટી કાર્યક્રમ યોજી માતબર રકમ એકત્ર કરી હતી. ઉપરાંત યુગાન્ડા, ટાન્ઝાનિયા, અને કેન્યામાં વસતા થેલેસિમિયાગ્રસ્તો માટે ચેરિટી કરી હતી. ગોલ્ડર્સગ્રીન લાયોનેસમાં મેં બાઉલ કેન્સર, સેન્ટ લૂક્સ હોસપીસ, ગ્રોવ હાઉસ સેન્ટ ઓલબન્સ માટે, ઇન્ડિયામાં જામનગર આઇકેમ્પ માટે ફંડ એકત્ર કર્યું હતું.
હવે અમારા લોહાણા સમાજના સભ્યોએ મારામાં ભરોસો મૂકી મને લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સોંપ્યો છે ત્યારે સૌના સાથ-સહકાર સાથે સમાજને ઉત્તરોત્તર વિકાસના પંથે લઇ જઉં એવી અંતરની અભિલાષા.”


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter