લંડનઃ કોઈ પણ વ્યક્તિને કેન્સરનો ભય ન હોય તે શક્ય નથી. આ ભયનો લાભ લઈ મૂળ ગુજરાતી ૫૦ વર્ષીય જનરલ પ્રેકિટશનર મનીષ નટવરલાલ શાહે મહિલા દર્દીઓ સાથે શારીરિક છેડછાડો કરી હતી. શાહને લંડનની કોર્ટ દ્વારા ૨૪ મહિલા દર્દીની ૯૦ વખત જાતિય સતામણી કરવા માટે ત્રણ વખત આજીવન કેદની સજા ફરમાવાઈ છે. ઓલ્ડ બેઈલી કોર્ટના સાત ફેબ્રુઆરી ૨૦૨૦ના ચુકાદા અનુસાર મનીષ શાહે ઓછામાં ઓછાં ૧૫ વર્ષ જેલના સળિયા પાછળ વીતાવવા પડશે. બાકીની તમામ સજા એકસાથે કાપવાની રહેશે.
કોર્ટે જનરલ પ્રેકિટશનર મનીષ શાહને ‘ઠગબાજીના બાદશાહ’ તરીકે ગણાવ્યો હતો જેણે પોતાની વાસના સંતોષવા ૧૫ વર્ષ જેટલી નાની બાળાઓને પણ કેન્સરના અનાવશ્યક શારીરિક તપાસ કરાવવા દબાણ કર્યું હતું. કેન્સરના ભયનો લાભ લેવા ઈસ્ટ લંડનના રોમફોર્ડનો જનરલ પ્રેકિટશનર મનીષ શાહ મહિલાઓને કેન્સરથી પીડાયેલી સેલેબ્રિટીઝ એન્જેલો જોલી અને જેડ ગૂડીનું ઉદાહરણ આપતો હતો અને તેમને બિજરૂરી શારીરિક તપાસ કરાવવા પ્રેરતો હતો. સુરક્ષિત મેડિસિનની પ્રેક્ટિસ કરવાનો દાવો કરનારા મનીષ શાહને ૨૦૦૯-૧૩ના ગાળામાં માવને મેડિકલ સેન્ટર ખાતે છ મહિલા સાથે ૨૫ જાતિય અપરાધનો અને તે પછી, ૨૦૧૮ની ટ્રાયલમાં વધુ ૧૮ દર્દી સંદર્ભે જાતિય ગુનાનો દોષિત ઠરાવાયો હતો. આમ, ૨૪ મહિલા દર્દી સાથે તેણે ૯૦ અપરાધ આચર્યા હતા.
જજ એન મોલીનોક્સ QCએ શાહને સજા સંભળાવી ત્યારે ૧૫ પીડિતા કોર્ટમાં હાજર હતી. તેમણે કહ્યું કે શાહે દર્દીઓના મનમાં મનગઢંત વાતો ઠસાવવા સેલેબ્રિટી કેસીસની સાથોસાથ ખુશામત અને ભયના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો. શાહ સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર તેમજ અન્ય રોગ થવાનો ડર ફેલાવી મહિલા દર્દીઓને નિયમિત ધોરણે સ્તન અને યોનિનું પરીક્ષણ કરાવવા કહેતો હતો. ખરેખર કેટલીક મહિલાઓને આવી કોઈ સારવારની જરૂર જ ન હતી. તેણે કેટલીક મહિલા દર્દી સાથે તેણે ઘનિષ્ઠ પારિવારિક સંબંધો બાંધ્યા હતા. તે દર્દીઓ સાથે અશ્લીલ વાતો અને શારીરિક છેડછાડ કરતો હતો.
ઝો જ્હોન્સન QCએ જણાવ્યું હતું કે મનીષ શાહ હવે કદી મેડિસિનની પ્રેક્ટિસ કરી શકશે નહિ. દર્દીઓને રમકડુ બનાવવાની તેની પ્રવૃત્તિ માત્ર તેના વ્યવસાયના કારણે જ હતી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના પોલ ગોડાર્ડે કહ્યું હતું કે મનીષ શાહે મહિલા દર્દીઓનાં ડોક્ટરમાં વિશ્વાસનો દુરુપયોગ કર્યો હતો. તે કદી ગ્લોવ્ઝ પહેરતો નહિ અને એક દર્દીને તેણે ટેબલ પર નગ્નાવસ્થામાં સુવાડી હતી. શારીરિક તપાસ સમયે અંદર અન્ય વ્યક્તિને હાજર રાખવાની પ્રણાલીનો પણ તેણે ભંગ કર્યો હતો. શાહે આવી તપાસોની વિનંતી થઈ હોવાનું પોતાની મેડિકલ નોટ્સમાં જણાવી તેને વાજબી ઠરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.


