લંડનઃ પોતે ટર્મિનલ બ્રેઈન કેન્સરની દર્દી હોવાનું જણાવી પૂર્વ પતિ વિજય કાટેચીઆ, પરિવાર અને પબ્લિક પાસેથી ૨૫૩,૦૦૦ પાઉન્ડથી વધુની છેતરપિંડી કરવા બદલ લફબરોની ગુજરાતી મૂળની ૩૬ વર્ષીય જાસ્મીન મિસ્ત્રીને સ્નેર્સબ્રૂક ક્રાઉન કોર્ટે ૧૪ ડિસેમ્બર શુક્રવારે ચાર વર્ષ જેલની સજા ફરમાવી છે. તેણે ખોટી રજૂઆતથી ફ્રોડ આચર્યાનો ગુનો ૨૪ ઓક્ટોબરે કબૂલ્યો હતો. જાસ્મીન મિસ્ત્રીએ સૌપ્રથમ ૨૦૧૩માં પતિ વિજય કાટેચીઆને તેને બ્રેઈન કેન્સર હોવાની જાણ કરી હતી. તેણે અલગ સિમકાર્ડ મારફત ડોક્ટરનો બનાવટી મેસેજ પણ વોટ્સએપ પર પતિને મોકલ્યો હતો. જાસ્મીને ડોક્ટરના બનાવટી મેસેજીસ અને ગૂગલ પરથી મેળવેલા બ્રેઈન સ્કેન મોકલવા સાથે ડિસેમ્બર ૨૦૧૪માં વિજયને એમ જણાવ્યું હતું કે હવે તેની પાસે જીવવાના માત્ર છ મહિના બાકી રહ્યા છે, તેની સારવાર યુએસમાં થઈ શકે પરંતુ, તે માટે પાંચ લાખ ડોલરનો ખર્ચ થાય તેમ છે.
આ પછી વિજયે સારવાર માટે દાન મેળવવા પરિવાર અને મિત્રો પાસે હાથ ફેલાવ્યો હતો. જોકે, કાટેચીઆએ ડોક્ટર મિત્રને કહેવાતાં બ્રેઈન સ્કેન બતાવતા મિત્રે કહ્યું હતું કે આ ગાંઠ એટલી ખરાબ છે કે દર્દી માટે તે જીવલેણ જ બની હોય. આ સ્કેન્સ તો ગૂગલ પરથી ઉઠાંતરી કરાયેલા છે. આમ, જાસ્મીનનો ભાંડો ફૂટી ગયો હતો.
આ પછી, તેના પતિને બનાવટી મેસેજીસ મોકલાતા હતા તે સીમ કાર્ડ્સ પણ હાથ લાગ્યા હતા, જે જાસ્મીનને બતાવતા તેણે જૂઠાણાની કબૂલાત કરી લીધી હતી. આવી છેતરપીંડીના પગલે વિજય કાટેચીઆએ જાસ્મીન સાથે ડાઈવોર્સ મેળવી લીધા હતા. પોલીસમાં ફરિયાદના પગલે તેની નવેમ્બર ૨૦૧૭માં ધરપકડ કરાઈ હતી. ધરપકડના એક વર્ષ પછી તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેણે મેટ્રોપોલીટન પોલીસને જણાવ્યું હતું કે તેને કેન્સર નથી પરંતુ, તે જૂઠું શા માટે બોલી તેની જાણ નથી. જાસ્મીનના દૂરના સગાં સહિત પરિવારના ૨૦ સભ્ય અને અન્ય આઠ વ્યક્તિએ તેની સારવાર માટે નાણાની મદદ કરી હતી, જે કુલ રકમ ૨૫૩,૧૨૨ પાઉન્ડ થઈ હતી. જીવનરક્ષક સારવાર માટે દાન સ્વરુપે ૨૦૧૫થી ૨૦૧૭ના બે વર્ષના ગાળામાં મોટી ઠગાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જસ્મીને તે એકલી સ્ત્રી હોવાનું જણાવી ડેટિંગ વેબસાઈટ પર મળેલા એક પુરુષને છેતરી ૭,૫૦૦ પાઉન્ડ અને વેપારી હોવાનો ઢોંગ કરી અન્ય બે વ્યક્તિ પાસેથી નાણારોકાણ કરવાનું કહી ૧૦,૦૦૦ પાઉન્ડ પડાવ્યાં હતાં.
પોલીસ તપાસમાં નાણાકીય અને મેડિકલ રેકોર્ડ્સની સમીક્ષા કરાઈ હતી, જેનાથી તેને કદી બ્રેઈન કેન્સર ન હોવાનું પુરવાર થયું હતું. મિડલેન્ડ્સના લફબરો શહેરમાં મેડિકલ સેક્રેટરી તરીકે કામ કરતી જાસ્મીન મિસ્ત્રીને કોર્ટમાં ‘પેથોલોજિકલ લાયર’ ગણાવાઈ હતી. તેણે પોતાના પતિને સંદેશા મોકલવા બનાવટી ડોક્ટરનું બનાવટી ઓનલાઈન એકાઉન્ટ પણ બનાવ્યું હતું તેમજ સોશિયલ મીડિયા પર ‘સ્ટેન્ડ અપ ટુ કેન્સર’ મેસેજીસ પણ પોસ્ટ કર્યાં હતાં. જજ જ્યુડિથ હ્યુજિસે કોર્ટમાં જાસ્મીનને કહ્યું હતું કે, ‘આ ભયંકર અપરાધ છે. તમને કેન્સર હોવાનું દરેકને કહેવું અને તેમની પાસેથી નાણા લેવાં, આ ખરાબ સ્થિતિ છે.’ પોલીસને જાણવા મળ્યું હતું કે તેને સાસુ અને નણંદ સહિતના સગાં તેમજ અન્યો પાસેથી મેળવેલા નાણા ફેશનેબલ ડિઝાઈનર બેગ્સ ખરીદવા પાછળ વાપરી નાખ્યાં હતાં.
ડિટેક્ટિવ કોન્સ્ટેબલ જોન બાઉન્ડ્સે કહ્યું હતું કે, ‘છેતરપીંડીનો શિકાર બનેલા લોકોને ન્યાય મળ્યો તેનો આનંદ છે. જાસ્મીન તેના હવે પૂર્વ પતિ અને તેના પરિવાર પાસેથી નાણા પડાવવા માટે લાગણીનો ઉપયોગ કરવાની હદ સુધી ગઈ હતી. આ એક વિચિત્ર અને આઘાતજનક કેસ છે.’