કેપ્ટન સ્મિત મચ્છરઃ ગુજરાતનો પનોતો પુત્ર અને વિશ્વનાયક

Thursday 08th October 2026 06:37 EDT
 
 

લંડનઃ નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK)એ સામૂહિક કોમ્યુનિટી એકતા અને વૈશ્વિક એકતાના શક્તિશાળી પ્રદર્શન સ્વરૂપે બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશનને સંદેશો પાઠવી ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરના દિલધડક સાહસને બિરદાવ્યું છે.
આ નિવેદન મોટા ભાગના ઈઝરાયેલી નાગરિકો સહિત 174 પ્રવાસી સાથે દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ પર કેપ્ટન મચ્છરના અપ્રતિમ હિંમત અને સાહસને બિરદાવે છે. હવાઈ પ્રવાસની મધ્યે ખૌફનાક ઈમર્જન્સી પરિસ્થિતિનો સામનો કરતી વેળાએ કોકપિટમાં અનેક ગંભીર ઈજાઓ થવા છતાં કેપ્ટન મચ્છરે ખતરનાક સ્થિતિ સામે ઝૂકી જવાનો ઈનકાર કર્યો હતો. દૃઢ સાહસ, અભૂતપૂર્વ માનસિક નિયંત્રણ અને અવિરત પ્રોફેશનલ નિષ્ઠા થકી તેમણે અકલ્પનીય કરુણાંતિકામાં ફેરવાઈ શકે તેવી પરિસ્થિતિને ટાળી હતી અને સહુને સહીસલામત ઉતરાણ કરાવ્યું હતું.
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના આ પનોતા પુત્ર કેપ્ટન મચ્છરની આ સિદ્ધિ વિશ્વભરના ગુજરાતી સમુદાય માટે વિશેષ ગર્વની બાબત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન મચ્છરની અભૂતપૂર્વ હિંમત અને માનસિક સ્વસ્થતાની પ્રશંસા કરતા કહ્યું છે કે તેમની આ કામગીરીએ સમગ્ર રાષ્ટ્રને ગૌરવ પ્રદાન કર્યું છે અને જીવન બચાવવાની સાચી ઉદાહરણીય ભાવનાને પ્રદર્શિત કરી છે. તેમણે કેપ્ટન મચ્છરના પરિવારની તાકાત અને સાંસ્કૃતિક મૂલ્યોની પણ પ્રશંસા કરવા સાથે કેપ્ટન ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી સમગ્ર દેશ મજબૂતપણે તેમના પડખે ઉભો રહ્યો છે તેવી ખાતરી પણ ઉચ્ચારી હતી. કેપ્ટન મચ્છરે વડા પ્રધાન મોદીને પોતાના મહાન આદર્શ ગણાવ્યા છે.
કેપ્ટન મચ્છરની અપ્રતિમ હિંમતને આંતરરાષ્ટ્રીય પ્રશંસા પણ પ્રાપ્ત થઈ છે. ઈઝરા3યેલના પ્રાઈમ મિનિસ્ટર બેન્જામિન નેતાન્યાહુ અને દુબઈના ક્રાઉન પ્રિન્સ હમદાન બિન મોહમ્મદ બિન રશિદ અલ મખતુમે પણ 9/11ની દુર્ઘટના સાથે સરખામણી કરાઈ રહેલી સંભવિત કરુણાંતિકામાં વિનાશકારી જાનહાનિમાં ફેરવાઈ શકી હોત તેવી દુર્ઘટનાને ટાળવામાં દર્શાવેલી હિંમત અને સાહસની પ્રશંસા કરી હતી.
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે વતી બોલતા NCGO UKના પ્રેસિડેન્ટ વિમલજીભાઈ ઓડેદરાએ કેપ્ટન મચ્છરના ભારતીય મૂળ પ્રત્યે ભારે ગૌરવ વ્યક્ત કરવા સાથે કહ્યું હતું કે તેમની હિંમત માનવીય સ્થિતિસ્થાપકતા અને નિઃસ્વાર્થ સેવાનું ઉજ્જવળ ઉદાહરણ છે. તેમણે કહ્યું હતું કે,‘યુદ્ધો અને સંઘર્ષના વર્તમાન યુગમાં વિશ્વને દીવાદાંડીઓની જરૂર છે ત્યારે કેપ્ટન સ્મિત મચ્છરે આપણને માનવીય હિંમતની અસાધારણ શક્તિનું સ્મરણ કરાવ્યું છે. તેમના નિઃસ્વાર્થ પરાક્રમે 174 જીંદગીઓ બચાવી છે અને સમગ્ર વિશ્વના લોકો અને સમુદાયોની સંવેદનાઓને હલબલાવી છે. ગુજરાતના વઢવાણના ગૌરવશાળી ગુજરાતી તરીકે તેમની બહાદુરી બ્રિટન અને સમગ્ર વિશ્વના ગુજરાતીઓ માટે ભારે ગર્વ અને ગૌરવની પળ છે. NCGO UK વતી અમે, તેમની હિંમતને સલામ કરીએ છીએ અને બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશનને અમારી ઉષ્માસભર એકતા અને મિત્રતાની લાગણી વ્યક્ત કરીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter