કેર હોમ્સની મુલાકાતની છૂટઃ આલિંગનો, ચુંબનો અને ફૂલ પર હજુ પ્રતિબંધ

Saturday 01st August 2020 03:08 EDT
 
 

લંડનઃ આખરે કેર હોમ્સના નિવાસીઓ માટે બહારના મુલાકાતીઓ મળી શકશે. જોકે, નવા સરકારી ગાઈડન્સ અનુસાર આલિંગનો અને ચુંબનો પર હજુ પ્રતિબંધ જ રહેશે. માર્ચ મહિનામાં કોરોના મહામારીના કારણે કેર હોમ્સમાં મુલાકાતીઓ પર પ્રતિબંધ લગાવાયો તેની સરખામણે નવી વ્યવસ્થા અલગ જ રહેશે. મિત્રો અને પરિવારજનો હેટ્સ પહેરી નહિ શકે કે ફૂલો પણ લઈ જઈ શકશે નહિ. જોકે, પેકેજ સેનિટાઈઝ થઈ શકતા હોવાથી ચોકલેટના બોક્સીસ લઈ જઈ શકાશે.

નિવાસીઓને સલામત રાખવા કેર હોમ્સ ગ્લાસ અથવા પ્લાસ્ટિક સ્ક્રીન્સના અવરોધો રાખી શકશે. જ્યાં શક્ય હોય ત્યાં દરેક રેસિડેન્ટ માટે એક સતત મુલાકાતીને મર્યાદિત રાખવામાં આવશે, જેમના આગમનનું એડવાન્સ બુકિંગ કરાવવાનું રહેશે. તેઓને પબ્લિક ટ્રાન્સપોર્ટ ટાળવા, ફેસ માસ્ક પહેરવા તેમજ અન્ય નિવાસીઓ અને સ્ટાફને ટાળવાની સલાહ અપાશે. તેમના ચહેરા ઢંકાયેલા હોવાથી અન્ય રહેવાસીઓ સાથે મિક્સ-અપ ન થાય તે માટે તેમણે હેટ પહેરવાની નથી કે અસામાન્ય હેર સ્ટાઈલ રાખવાની નથી.

સરકારે ૨૩ માર્ચે લોકડાઉન લગાવ્યું તે પહેલાથી ઘણા કેર હોમ્સે આખરી વિદાય સિવાયની મુલાકાતો બંધ કરાવી દીધી હતી સરકારી ગાઈડન્સમાં વિલંબના કારણે ઘણા કેર હોમ્સે ગાર્ડ્ન્સ અથવા પરિસરમાં મુલાકાતો માટે આગવી યોજનાઓ ઘડી હતી. હવે નવી સલાહમાં નિવાસીઓ તેમના રુમ્સમાં જ મુલાકાતીઓને મળી શકશે. કેર હોમ્સે સરકારી સલાહ અનુસાર નવી વ્યવસ્થા ગોઠવવાની થશે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, સમગ્ર લોકડાઉનના ગાળામાં કેર હોમ્સમાં રહેનારાઓ માટે તેમના સ્વજનો સાથે મુલાકાતો ન થવાનું કેટલું દુઃખદાયી રહ્યું હશે તે તેઓ સમજે છે. નોન-પ્રોફિટ કેર હોમ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ કેર ફોરમના ડાયરેક્ટર વિક રાયનેરે કહ્યું હતું કે કેર સંસ્થાઓને ફરી ખોલવા બાબતે કેર સેક્ટર સરકારથી ઘણું આગળ રહ્યું છે. ઘણી સંસ્થાએ સપ્તાહો પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મુલાકાતોનું આયોજન કરેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter