કેશલેસ કોમ્યુનિટી બનતું બ્રિટનઃ જોકે, 20 ટકા લોકોને રોકડ વિના મુશ્કેલી

Wednesday 06th April 2022 02:09 EDT
 
 

લંડનઃ રોયલ સોસાયટી ઓફ આર્ટ્સના અભ્યાસ મુજબ આશરે 10 મિલિયન અથવા પાંચમાંથી એક વયસ્ક અને ખાસ કરીને વૃદ્ધોને રોકડ વિનાનો સમાજ પસંદ ન હોવાં છતાં, તેમણે આ સિસ્ટમમાં જોડાવું પડે છે. આ લોકો નોટ્સ અને કોઈન્સ થકી જ વ્યવહાર ચલાવવા ઈચ્છે છે. એક સર્વે કહે છે કે કેશલેસ સોસાયટી તેમના ફાઈનાન્સીસ અને દેવાં પરનો અંકુશ ઘટાડશે, તેમની પ્રાઈવસી ઘટશે અને ફ્રોડનું જોખમ વધશે તેમ માનનારાની સંખ્યા પણ ઓછી નથી.

કેશ મશીન નેટવર્ક લિન્ક માટે રોયલ સોસાયટી ઓફ આર્ટ્સ દ્વારા કરાયેલા મહત્ત્વપૂર્ણ અભ્યાસમાં જણાયું છે કે કોરોના મહામારીના ગાળામાં લોકોએ કાર્ડ અને ડિજિટલ પેમેન્ટની પદ્ધતિ સ્વીકારી લેવા સાથે બ્રિટન કેશલેસ સોસાયટીમાં ફેરવાઈ રહ્યું છે. જોકે, આશરે 10 મિલિયન અથવા પાંચમાંથી એક વયસ્ક વ્યક્તિ આ રોકડવિહીન પદ્ધતિમાં બરાબર ગોઠવાઈ શક્યા નથી. ખાસ કરીને, વયોવૃદ્ધ સમાજને પાછળ પડી ગયાની લાગણી અનુભવાય છે. રોકડ પર આધાર રાખનારી ત્રણમાંથી એક વ્યક્તિ 65 વર્ષથી વધુ વયની હોય છે. રોકડ વ્યવહાર વિના મુશ્કેલી અનુભવે છે તેવા 4 મિલિયન લોકો પણ પણ 65થી વધુ વર્ષના અને 2.5 મિલિયન લોકો 55-64 વયજૂથના છે. સમાજનો આ વર્ગ હાથવગી રોકડના અભાવે એકલવાયાપણું અનુભવે છે, તેમને બજેટિંગમાં મુશ્કેલી પડવા ઉપરાંત, છેતરાવાનું વધુ જોખમ ધરાવતા હોવાની ચેતવણી રિપોર્ટ આપે છે.

કોરોના મહામારીના ગાળામાં દેશ નોટ્સ અને કોઈન્સના વ્યવહારથી દૂર થતો ગયો છે. કેશ મશીન નેટવર્ક લિન્ક અનુસાર મહામારી અગાઉની સરખામણીએ લોકો કેશ મશીન્સમાંથી દરરોજ 100 મિલિયન પાઉન્ડ ઓછાં મેળવે છે. કેશ મશીન્સ પણ અદૃશ્ય થઈ રહ્યાં છે. જાન્યુઆરી 2018થી ફ્રી કેશ પોઈન્ટ્સની સંખ્યા 25 ટકા ઘટી છે અને લગભગ 50,000 ફ્રી કેશ પોઈન્ટ્સ રહ્યા છે. કેટલાક મશીન્સ પર કેશ મેળવવાનો ચાર્જ ભરવો પડે છે. બીજી તરફ, બેન્કોએ કોવિડનો ઉપયોગ પોતાની બ્રાન્ચીસ બંધ કરવાના પ્રોગ્રામને આગળ વધારવાની તક તરીકે કર્યો છે. ગત ઉનાળામાં દર મહિને સરેરાશ 99 બેન્ક બ્રાન્ચીસ બંધ કરી દેવાઈ હોવાનું કન્ઝ્યુમર ગ્રૂપWhich? જણાવે છે. બેન્ક બ્રાન્ચીસ ઘટતાં રીટેઈલર્સને નોટ્સ અને કોઈન્સ જમા કરાવવા કે મેળવવાની તકલીફ પડે છે. આના પરિણામે, ઘણા રીટેલર્સ અને રેસ્ટોરાં રોકડ લેવાનો ઈનકાર પણ કરે છે.

જોકે, રોકડ ઘટવા છતાં ગત ત્રણ વર્ષમાં સમગ્રતયા ફીઝિકલ કરન્સી પર સંપૂર્ણ આધાર રાખતી વસ્તીનું પ્રમાણ પણ મજબૂત રહ્યું છે. લાખો લોકો માટે રોકડ તેમના વીક્લી બજેટને જાળવવાનું સાધન છે. 10માંથી 7 વ્યક્તિ કહે છે કે કેશ પર આધાર રાખવાથી દેવામાં પડવાથી બચાય છે. ઘણા લોકો કહે છે કે તેઓ ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ અપનાવશે તો તેમની સાથે છેતરપિંડીનું જોખમ વધી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter