કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી સામે લલિત મોદીએ મોરચો માંડ્યો

‘બધા ચોરોના નામ મોદી’ જેવા નિવેદન બદલ રાહુલ વિરુદ્ધ કેસ કરશે

Wednesday 24th April 2019 02:49 EDT
 
 

લંડનઃ લોકસભા ચૂંટણીની રાજકીય ગરમાગરમી વચ્ચે આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી સામે મોરચો માંડ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ‘બધા ચોરોના નામ મોદી’ હોવાનું કહ્યું હતું. રાહુલ ગાંધી પર ખફા લલિત મોદીએ હવે રાહુલ વિરુદ્ધ લંડનમાં કેસ કરવાની ધમકી આપી છે.

લલિત મોદીએ ટ્વિટ કરીને એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના કૌભાંડોની યાદી છે. લલિત મોદીએ લખ્યું છે કે ગાંધી પરિવાર પાંચ દાયકાથી દેશને લૂંટે છે અને હવે આરોપ અમારા પર લગાવે છે. ઉલ્લેખનીય છે કે લલિત મોદી પહેલાં બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદીએ પણ કોંગ્રેસના અધ્યક્ષ પર કેસ કરી દીધો છે. ‘બધા ચોરોના નામ મોદી’ હોવાના રાહુલ ગાંધીના નિવેદન પછી સુશીલ મોદી પણ રોષે ભરાયા હતા અને તેમણે રાહુલ પર બદનક્ષીનો દાવો માંડ્યો છે.

એક ચૂંટણી રેલીને સંબોધતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,‘નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી, વિજય માલ્યા, અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદી – ચોરોની એક પૂરી ટોળકી છે.’ રાહુલે મોદીની અટકની મજાક ઉડાવતાં પૂછયું હતું કે, ‘મારો એક પ્રશ્ન પણ છે. તમામ ચોરોના ઉપનામ મોદી કેમ છે?’

મની લોન્ડરિંગના કેસના આરોપી લલિત મોદી ભારતમાં વોન્ટેડ છે. માર્ચ ૨૦૧૭માં લલિત મોદી સામે રેડ કોર્નર નોટિસની અરજી ઇન્ટરપોલે ફગાવી દીધી હતી. આઈપીએલના સ્થાપક લલિત મોદી કરચોરી, મની લોન્ડરિંગ સહિતના આક્ષેપોના પગલે વર્ષ ૨૦૧૦માં ભારત છોડી ચૂક્યા છે અને કેટલાંક વર્ષથી લંડનમાં રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter