લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને હાર્ટફૂલનેસ વર્લ્ડવાઈડના સહયોગથી ધ કોમનવેલ્થ સેક્રેટરીએટ દ્વારા 10મા ઈન્ટરનેશનલ ડે ઓફ યોગાની ઊજવણી કરવા 22 જૂન 2024ના રોજ માર્લબરો હાઉસ ખાતે વિશેષ યોગસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘Yoga 4 Unity’ના વૈશ્વિક ઈનિશિયેટિવના ભાગરૂપે આ ઈવેન્ટમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધારવામાં યોગના લાભોને દર્શાવવામાં આવ્યા હતા. ડિપ્લોમેટિક કોમ્યુનિટીના સભ્યોએ ઈવેન્ટમાં હાજરી આપી હતી.
ઉદ્ઘાટનસત્ર પછી ઉપસ્થિત લોકોએ અનુભવી ઈન્સ્ટ્રક્ટર્સના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ અને ધ્યાનસત્રમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે યોગના સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કરતા ‘હિસ્ટરી ઓફ યોગ એન્ડ ઈટ્સ બેનિફિટ્સ’ પ્રદર્શનને નિહાળવાની અનોખી તક પણ સાંપડી હતી.
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ કે દોરાઈસ્વામીએ સંબોધનમાં યોગના વૈશ્વિક મહત્ત્વનો પુનરુચ્ચાર કરતા કહ્યું હતું કે,‘ યોગ સમગ્રતયા શારીરિક અને માનસિક આરોગ્યનો વિકાસ સાધે છે તેમજ સીમાઓ ઓળંગીને વિશ્વભરના લોકોને એકસંપ કરે છે. 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો વિષય ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે જે વૈશ્વિક આરોગ્ય અને યુનિવર્સલ સંવાદિતાને ઉત્તેજન આપવામાં યોગના મહત્ત્વને સ્પષ્ટ કરે છે. યોગ થકી આપણે વધુ શાંતિપૂર્ણ, વધુ જોડાયેલા અને જાળવવાયોગ્ય વિશ્વ માટે સંયુક્તપણે યોગદાન આપી શકીએ છીએ.’
નામિબીઆના હાઈ કમિશનર મિસ લિન્ડા સ્કોટે આ ઈવેન્ટ વિશે જણાવ્યું હતું કે,‘આશરે 5000 વર્ષથી વધુ સમય પહેલા ભારતમાં મૂલ ધરાવતા યોગને આજે કોમનવેલ્થ પરિવાર સાથે મહાન આરોગ્ય પદ્ધતિ સ્વરૂપે આપણા દૈનિક જીવનમાં સ્થાન આપવા સહભાગી બનાવાઈ રહ્યો છે. જો તમે નિયમિત યોગ પ્રેક્ટિશનર ન હો તો પણ આજના ઈવેન્ટથી તમારો રસ જાગૃત થશે તેવી મારી આશા છે.’
ઈવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો સંદેશ દર્શાવાયો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે,‘આજે વિશ્વ યોગને વૈશ્વિક કલ્યાણના શક્તિશાળી એજન્ટ તરીકે નિહાળી રહ્યું છે. યોગ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણી આસપાસના વિશ્વના કલ્યાણ સાથે જ આપણું કલ્યાણ સંકળાયેલું છે.’
કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ પેટ્રિસિયા સ્કોટલેન્ટ KCએ તેમના વીડિઓ સંદેશામાં જણાવ્યું હતું કે,‘આપણું કાર્ય પડકારોથી ભરેલું છે અને આપણામાંથી કોઈ પણ ખાલી કપમાંથી ઠાલવી-રેડી શકે નહિ. યોગ આપણને જાતતપાસ તેમજ વધુ આરોગ્યપ્રદ અને વધુ સંતુલિત જીવન જીવવા માટે વિશિષ્ટ માર્ગ ઓફર કરે છે. આ પ્રાચીન પરંપરા સમગ્ર વિશ્વના લોકો માટે માનસિક અને શારીરિક આરોગ્યને વધારવાના મજબૂત સાધન તરીકે મદદ કરે છે, જે બિનચેપી રોગો સામે લડવાના આપણા વર્તમાન પ્રયાસો માટે મહત્ત્વપૂર્ણ છે.’
હાર્ટફૂલનેસ વર્લ્ડવાઈડના કમલેશ ડી પટેલે (દાજી) ઉમેર્યું હતું કે,‘યોગ એક કસરત કરતાં પણ વિશેષ છે, તે સંપૂર્ણ વિજ્ઞાન છે જે આપણને રૂપાંતરિત કરે છે અને આપણને આત્મવિશ્વાસ, મનની સ્પષ્ટતા અને આનંદ આપે છે. તમે બધા અહીં કોમનવેલ્થ હેડક્વાર્ટર્સ, માર્લબરો હાઉસ ખાતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઊજવવા એકત્ર થયા છો તે જાણીને મને ઘણો જ આનંદ થયો છે. કોમનવેલ્થ સાથે આ પ્રથમ વખતની ઊજવણી છે.’


