લંડનઃ લોકડાઉનના ગાળામાં કોમ્યુનિટીની વહારે ચડેલા રોધરહિથેના શોપકીપર વિમલભાઈ પંડ્યાને દેશનિકાલ કરવાના હોમ ઓફિસના ઓર્ડર વિરુદ્ધ બીજી વખત અપીલ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમણે આખરે પરવાનગી વિના જ યુકેમાં રહેવાનો નિર્ણય કર્યો છે. અપીલની પ્રક્રિયા વધુ ૧૦ મહિના ચાલશે વિમલભાઈ પંડ્યાને યુકેમાં રહેવાની પરવાનગી આપવા માટે ‘LetVimalStay’ અભિયાન ઉપરાંત, અપીલના કાનૂની ખર્ચને પહોંચી વળવા ફંડરેઈઝર પણ ઉભુ કરાયું છે.
સ્થાનિક કોમ્યુનિટી કોમ્યુનિટીની સેવા કરવા બદલ ક્વીનના પ્રતિનિધિએ અગાઉ તેમના પ્રતિ આભાર વ્યક્ત કર્યો હોવાં છતાં હોમ ઓફિસે ૪૧ વર્ષના વિમલભાઈ પંડ્યાને ડિપોર્ટ કરવાનો આદેશ જારી કર્યો હતો. આદેશ વિરુદ્ધ વિમલભાઈ પંડ્યાએ અપીલ કરી હતી જે જાન્યુઆરી મહિનામાં ફગાવી દેવાઈ હતી. યુકેમાં રહી ખર્ચાળ અને લાંબી કાનૂની પ્રોસેસ ચલાવવા બાબતે અસમંજસમાં રહેલા વિમલભાઈએ ફરી વખત અપીલનો નિર્ણય લીધો છે. યુકેમાં રહેવાની નિષ્ફળ અપીલ પાછળ તેમને ૪૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો હતો.
જોકે, સ્થાનિક લોકોએ વિમલભાઈ પંડ્યાની મદદ કરવા ફંડરેઈઝરનો આશરો લીધો હતો અને તેમાં ૧૨,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનું ફંડ એકત્ર થયું છે જેનો ઉપયોગ અપીલના કાનૂની ખર્ચ માટે કરાશે. વિમલભાઈએ કહ્યું હતું કે,‘ આ અકલ્પનીય છે. આ થાય છે તે મારી સમજની બહાર છે. હું ફંડરેઈઝરમાં ટેકો આપનારા સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું. મેં આવી ધારણા રાખી ન હતી. હું ખરેખર તેની કદર કરું છું.’ વિમલને પોતાના તેમજ ભારતમાં માતાપિતાના નિર્વાહની ચિંતા છે. તેઓ કહે છે કે ‘દરેકને એક તક મળવી જોઈએ. હું માનું છું કે જો મને તક અપાશે તો હું યોગદાન આપી શકીશ.’
શનિવાર ૨૯ જાન્યુઆરીએ પંડ્યા અને તેમના સમર્થકો ડિપોર્ટેશન ઓર્ડર વિરુદ્ધ શાંતિપૂર્ણ દેખાવો માટે મારશામ સ્ટ્રીટસ્થિત હોમ ઓફિસના હેડક્વાર્ટર્સ અને ડાઉનિંગની બહાર એકત્ર થયા હતા. પંડ્યાએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધી નિરાશા પછી આ વિરોધથી તેમનો મૂડ ઘણો સારો થયો છે અને તેઓ હળવાશ અનુભવે છે. હવે બે બાબત પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે જેમાં ‘GoFundMe’ કેમ્પેઈનમાં વધુમાં વધુ ડોનેશન મેળવવાનો અને હોમ ઓફિસના આદેશ વિરિદ્ધ અપીલ રજૂ કરવાનો સમાવેશ થાય છે. શાંતિપૂર્ણ દેખાવોના આયોજકોના જણાવ્યા અનુસાર વિમલભાઈના નવા વકીલો આ કેસમાં ગંભીર ભૂલો થઈ હોવાથી ‘ડિસ્ક્રિમિનેટરી લીવ ટુ રીમેઈન’ની માગણી કરવાના છે.
વિમલે પોતાનું ઈમિગ્રેશન સ્ટેટસ નિયમિત કરાવવા, પોતાના અધિકાર મેળવવા અને ડીગ્રી પૂર્ણ કરવાના પ્રયાસ પાછળ હજારો પાઉન્ડ ખર્ચી નાખ્યા છે. વિમલભાઈની લડતમાં સાથ આપતા વૃદ્ધ પેરન્ટ્સ પર ખુવાર થઈ ગયા છે. વિમલને યુકેમાં રહેવા દેવાના સપોર્ટ માટે change.org પર એક પિટિશન પણ ચાલી રહી છે.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સાચી જરૂરિયાત ધરાવનારાને આવકારવાની ઈમિગ્રેશન પોલિસી પ્રતિ અમે કટિબદ્ધ છીએ પરંતુ, ગેરકાયદે ઈમિગ્રેશન, બેનિફિટ્સ અને સેવાઓના ગેરલાભ સહિતના દુરુપયોગને યુકેમાંથી દૂર કરાવામાં આવે છે. મેનેજમેન્ટ અને ટેકનોલોજીનો અભ્યાસ કરવા ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ યુકે આવેલા વિમલભાઈ પંડ્યા ૨૦૧૫થી યુકેમાં પરમિશન વિના વસવાટ કરી રહ્યા છે પરંતુ, લોકડાઉન દરમિયાન કોમ્યુનિટીમા આપેલી સેવાથી તેઓ લોકપ્રિય બની ગયા છે.


