કોમ્યુનિટીની સેવા બદલ વિમલ ચોક્સીને MBE એવોર્ડ

Wednesday 16th June 2021 05:52 EDT
 
 

લંડનઃ ગુજરાતના ભરુચ શહેરના યુવાન વિમલકુમાર ચોકસીએ યુનાઈટેડ કિંગડમમાં બ્રિટિશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડમાંથી એક મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) એવોર્ડ મેળવી ભારતને ગૌરવ અપાવ્યું છે. મૂળ ભારતીય અને એશ્ટન કાઉન્સિલમાં કાઉન્સિલર વિમલકુમાર ચોકસી હાલમાં ગ્રેટર માન્ચેસ્ટરમાં રહી સામાજીક કાર્યો કરતા કરતા તેઓ ત્યાંની લેબર પાર્ટી સાથે જોડાયા હતા. એટલું  જ નહિ, ઓલ્ધામ અને એશ્ટન શહેરમાં વિવિધ સામાજીક સંસ્થાઓમાં રહી પોતાની સેવા આપી હતી. 

મહારાણી એલિઝાબેથ દ્વિતીયે તેમના જન્મદિવસે બ્રિટિશ એમ્પાયરના ત્રણ સર્વોચ્ચ એવોર્ડની ઘોષણા કરી હતી. જેમાં શ્રેષ્ઠ હકારાત્મક અભિગમ સાથે સમાજ અને રાષ્ટ્રને ઉત્તમ સેવાઓ પ્રદાન કરવા બદલ વિમલ ચોકસીને મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)નો એવોર્ડ આપવાની ઘોષણા કરાઈ છે.

બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ મેળવનાર વિમલ ચોકસી ભરુચ જિલ્લાના આમોદના વતની છે. હાલ તેમનો પરિવાર ભરુચમાં સ્થાયી થયેલ છે. ભરુચના પ્રવિણભાઈ ચોકસીના પુત્ર વિમલ ચોકસી વિદ્યાનગર ખાતેથી ઇમ્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી વધુ અભ્યાસ માટે તેઓ યુકે ગયા હતા. તેમણે બોર્નમાઉથ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (આઈબીએ) ની ડિગ્રી મેળવી ઓલ્ધામ કાઉન્સિલમાં જોડાઈ ત્યાં જ સ્થાયી થયા હતા.

માન્ચેસ્ટરમાં રહી સામાજીક કાર્યો કરતા કરતા તેઓ ત્યાંની લેબર પાર્ટી સાથે જોડાયા હતા. તેમણે ઓલ્ધામ અને એશ્ટન શહેરમાં વિવિધ સામાજીક સંસ્થાઓમાં રહી પોતાની સેવાઓ આપી હતી. એશ્ટનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈને પહેલા ભારતીય કાઉન્સિલર બનવાનું ગૌરવ પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter