લંડનઃ કોરોના પેન્ડેમિકને લીધે ઉચ્ચ શિક્ષણક્ષેત્રે પડેલી ૧૯ બિલિયન પાઉન્ડની આર્થિક ખાધ વચ્ચે યુકેની ઓછામાં ઓછી ૧૩ યુનિવર્સિટી બંધ થવાનું જોખમ હોવાનું ઈન્સ્ટિટ્યુટ ફોર ફિસ્કલ સ્ટડીઝ (IFS)ના સંશોધનમાં સૂચવાયું હતું. આ યુનિવર્સિટીઓને તેમનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે સરકારી બેલઆઉટ, ડેટ રિસ્ટ્રક્ચરિંગ અથવા વિલિનિકરણની જરૂર પડશે. કોરોના વાઈરસના સંક્રમણમાં બીજો ઉછાળો આવે અને દેશમાં બીજું લાંબું લોકડાઉન આવે તો ૨૦ જેટલી યુનિવર્સિટી બંધ થશે.
IFS એ ચેતવણી આપી હતી કે સામાન્ય રીતે ઓછી પ્રતિષ્ઠિત સંસ્થાઓને નાદારીનું સૌથી વધુ જોખમ હોય છે. સંસ્થાની નેટ એસેટ્સ ઓછી હોય અને નબળી નાણાંકીય પરિસ્થિતિમાં કટોકટીમાં પહોંચી હોય તેના કારણે આવું બને. આ સંસ્થાઓને આર્થિક સહાય ન મળે તો લાંબા ગાળે તેને ચલાવી શકાય નહિ.
યુકેમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે લાંબા ગાળે ૩ બિલિયનથી ૧૯ બિલિયન પાઉન્ડની ખોટ જશે તેવો IFS એ અંદાજ મૂક્યો હતો. આ રકમ આ ક્ષેત્રની એક વર્ષની કુલ આવકના ૭.૫ ટકા અથવા અડધા જેટલી છે. આમ પણ તેવી પરિસ્થિતિમાં ૧૧ બિલિયન પાઉન્ડનું નુક્સાન થઈ શકે. ૧૩ શૈક્ષણિક સંસ્થાઓના લગભગ ૧૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ આ જોખમમાં છે.
IFSના રિસર્ચ ઈકોનોમિસ્ટ એલેન ડ્રેયટને જણાવ્યું હતું કે સૌથી સસ્તો વિકલ્પ ૧૩ અતિ નબળી યુનિવર્સિટીઓેને £૧૪૦ મિલિયનનું બેલઆઉટ પેકેજ આપવાનો છે. IFSના બીજા રિસર્ચ ઈકોનોમિસ્ટ બેન વોલ્ટમેને જણાવ્યું હતું કે ૪૫ બિલિયન પાઉન્ડના રિઝર્વ અને કટોકટી પહેલા વાર્ષિક ૨ બિલિયન પાઉન્ડના સરપ્લસ સાથે આખું યુનિવર્સિટી સેક્ટર કોવિડ સંબંધિત નુક્સાનને પહોંચી વળવા સક્ષમ બન્યું હોત.
સંશોધનમાં જણાયું હતું કે યુકેમાં જાહેર નાણાંથી ચાલતી યુનિવર્સિટી ફડચામાં ગઈ હોય તેવું અગાઉ કદી બન્યું નથી, પરંતુ, સરકારની અસ્પષ્ટ નીતિને કારણે યુનિવર્સિટીઓ નિષ્ફળ જાય તેવું બની શકે. સંસ્થાઓને ખાસ તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના એનરોલમેન્ટમાં ભારે નુક્સાન વેઠવું પડી રહ્યું છે.