કોરોના વચ્ચે ઘેરાયા હોવા છતાં આવો આપણે ‘ફાધર્સ ડે’ ઊજવીએ

પિતા એ ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં આપણે સુખેથી જીવીએ છીએ

Wednesday 10th June 2020 07:21 EDT
 
 

વ્હાલા સૌ વાંચકભાઈ-બહેનો,
કોવિડ-૧૯નો કહેર હવે ધીરે ધીરે ઓછો થતો જાય છે. કોરોનાના ખપ્પરમાં હોમાઈ ગયાનો મૃત્યુઆંક તદ્દન ઘટતો જાય છે. તેમ છતાં યુ.કે.માં લોકડાઉન સંપૂર્ણપણે ઉઠાવી લેવાયું નથી. સરકારે છ વ્યક્તિથી વધુ લોકોને મળવાની મનાઈ કરી છે. ગ્રાન્ડચિલ્ડ્રન અને સંતાનોને એમના માતા-પિતા અથવા દાદા-દાદીને ‘ડિસ્ટન્સ’ રાખીને મળવાની છૂટ આપી છે. તેમ છતાં જીવલેણ કોરોનાની ભયાનકતાના ડરે વ્હાલસોયા મા-બાપથી દૂર રહેવાનું કેટલાક સંતાનો વધુ યોગ્ય ગણે છે.
૨૧ જૂન, રવિવારે પિતૃવંદના કરતો ‘ફાધર્સ ડે’ યુ.કે. સહિત અમેરિકા, કેનેડા અને આપણા ભારતમાં ઉજવાશે. આપણા સાહિત્યો કે કાવ્ય કૃતિઓમાં જેટલું મહત્ત્વ માતાને મળ્યું એટલું પિતાને મળ્યું નથી. માતા એ ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે અશ્રુધારા છે તો પિતા પાસે સંયમ છે. પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયામાં આખો પરિવાર સુખેથી રહે છે.
‘ફાધર્સ ડે’ નિમિત્તે પિતૃવંદના કરતો રંગીન વિશેષાંક ‘ગુજરાત સમાચાર’ દ્વારા બે વર્ષ અગાઉ પ્રસિદ્ધ થયો હતો જેને આપ સૌ વાંચકોએ ખૂબ વધાવ્યો હતો અને થોકબંધ પત્રો પાઠવ્યા હતા.
કોરોના વાઈરસને કારણે ‘લોકડાઉન’ હોવાથી આ વર્ષે પિતૃવંદનાનો અંક પ્રસિદ્ધ કરવો અશક્ય છે. પરંતુ આપ સૌ ‘ગુજરાત સમાચાર’ સાપ્તાહિકમાં તમારા જીવનમાં સંસ્કારોનું સિંચન કરી, જીવન પથ પર પ્રેરણાદાયી પથદર્શક બની શ્રેષ્ઠ જીવનનું ઘડતર કરનાર પિતાશ્રીને તમારા હૃદયના ઊંડાણમાંથી સ્ફૂરતા સ્પંદનો ઝીલી શબ્દો વડે અંજલિ આપી ‘ફાધર્સ ડે’ને યાદગાર બનાવી શકો છો. આપને ગુજરાતી લખતાં ન ફાવે તો ઇંગ્લિશમાં લખી મોકલી શકો છો. આપના પત્ર સાથે તમારા પિતાજીનો ફોટો અને તમારો સંપર્ક લખી જણાવવો.
વધુ માહિતી માટે સંપર્કઃ કોકિલા પટેલ 07875 229 177 અથવા ઈમેઈલઃ [email protected].


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter