કોરોના વોરિયર્સ અને કોમ્યુનિટી ચેમ્પિયન્સને ક્વીન્સ ઓનર્સ

એશિયન વોઈસના કટારલેખક અલ્પેશ પટેલ OBEથી સન્માનિત

શેફાલી સક્સેના Wednesday 14th October 2020 02:47 EDT
 
 

 લંડનઃ યુકેના ૯૪ વર્ષીય ક્વીન એલિઝાબેથ દ્વિતીયના જન્મદિન નિમિત્તે જાહેર કરાયેલા ૨૦૨૦ના ઓનર્સ લિસ્ટમાં કોરોના મહામારીનો સામનો કરવામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોમ્યુનિટી ચેમ્પિયન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. બર્થડે ઓનર્સ લિસ્ટમાં સમાજને નોંધપાત્ર યોગદાન કરનારા કુલ ૧,૪૯૫ વ્યક્તિવિશેષોને સન્માનની જાહેરાત કરાઈ છે જેમાં, લગભગ ૩૪ એશિયન મહિલાઓ અને આશરે ૪૫ ભારતીય મૂળના લોકોમાં ૧૫ જેટલા ગુજરાતી મહાનુભાવ સહિત ૧૧૬ બ્રિટિશ એશિયનનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં કુલ ૭૪૦ મહિલાને સન્માન એનાયત કરાયું છે જે કુલ સન્માનિતોના ૪૯ ટકા થવા જાય છે.

હકીકત એ છે કે બર્થડે લિસ્ટ કોરોના મહામારી અગાઉ તૈયાર થયું હતું પરંતુ, મહામારીના ગાળામાં હેલ્થકેર અને કોમ્યુનિટીના સેવાભાવી લોકોએ દર્શાવેલી કર્તવ્યપરાયણતાને સ્થાન આપી શકાય તે માટે જાહેરાત મુલતવી રખાઈ હતી. આ યાદીમાં જાહેર નામોમાં ૧૪ ટકા નામ હેલ્થકેર અને સોશિયલ કેર વર્કર્સના છે, જેમણે કોવિડ-૧૯ હોસ્પિટલોની સ્થાપના અને દર્દીઓની સારસંભાળમાં ગણનાપાત્ર ભૂમિકા ભજવી હતી. ક્વીન્સ ઓનર્સ લિસ્ટમાં યુકેના તમામ ચાર દેશોમાંથી ગુણગાન ગવાયા નથી એવા ૪૧૪ હીરોઝને સ્થાન અપાયું છે.

પીઢ બ્રિટિશ બ્રોડકાસ્ટર અને ઈતિહાસવિદ સર ડેવિડ એટેનબરોને પર્યાવરણ, પ્રાકૃતિક ઈતિહાસ અને બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં અતુલનીય યોગદાન બદલ નાઈટ ગ્રાન્ડ ક્રોસ (GCMG) ઈન ઓર્ડર ઓફ સેન્ટ માઈકલ એન્ટ સેન્ટ જ્યોર્જનું સર્વોચ્ચ સન્માન એનાયત કરાયું છે. પ્રસિદ્ધ લેખિકા અગાથા ક્રિસ્ટીના ડિટેક્ટિવ હરક્યુરલ પોઈરોની ભૂમિકા ભજવવા માટે જાણીતા ઈંગ્લિશ એક્ટર ડેવિડ સૂચ્ટને કળાક્ષેત્રમાં યોગદાન બદલ નાઈટહૂડની નવાજેશ કરાઈ છે.

પરગજુ પ્રોફેસર નાસીર ખલીલીને લંડનમાં ઈન્ટરફેઈથ સંબંધો અને ચેરિટી કાર્યો બદલ નાઈટહૂડ એનાયત કરવામાં આવેલ છે. ૧૦૦ વર્ષના દાબીરુલ ચૌધરીને કોવિડ-૧૯ના રાહતફંડ માટે નાણા એકત્ર કરવા પવિત્ર રમજાન મહિનામાં ઉપવાસમાં પણ પોતાના બગીચામાં ૧૦૦ લેપ્સ ચાલવા માટે OBE સન્માન એનાયત કરાયું છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના નિયમિત કટારલેખક તેમજ પ્રેફિનિયમ પાર્ટનર્સના સ્થાપક અલ્પેશ પટેલને OBE સન્માન જાહેર કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ સુપરમાર્કેટ ચેઈન અસ્ડાને હસ્તગત કરનારા અને EG ગ્રૂપના સ્થાપક ઝૂબેર અને મોહસીન ઈસાને બિઝનેસ અને ચેરિટીના ક્ષેત્રોની સેવા બદલ CBEથી પુરસ્કૃત કરાયા છે.

કોવિડ-૧૯ના કપરા કાળમાં કોમ્યુનિટીની અભૂતપૂર્વ સેવા બદલ વિનોદભાઈ ભગવાનદાસ ટેલર (લૂટન),  એશિયન કોમ્યુનિટી માટે ગુજરાતી અને અંગ્રેજીમાં મફત વર્કઆઉટ ક્લાસ ચલાવનારા લવિનાબહેન મહેતા (વોટફર્ડ), સેન્ટ જ્હોન્સ એમ્બ્યુલન્સને સેવા આપનારા અશરફ ઉડીન (ચેમ્સફર્ડ) અને દોરડાં કૂદતા શીખ તરીકે જાણીતા બનેલા ૭૪ વર્ષીય રાજિન્દર સિંહ હરઝાલને MBE સન્માન એનાયત કરાયા છે. મોટી લો ફર્મના પ્રથમ મહિલા અધ્યક્ષ ફરમિદા બીને કાયદા અને ચેરિટી ક્ષેત્રમાં સેવા બદલ CBEથી પુરસ્કૃત કરાયાં છે.

હીલિંગ લિટલ હાર્ટ્સના સ્થાપક અને સીઈઓ ડો. સંજીવ નીચાણીને મેડિસીન અને ચેરિટી ક્ષેત્રની સેવા, ઈમ્પિરિયલ કોલેજ લંડનમાં કેમિકલ એન્જિનિઅરીંગના પ્રોફેસર નિલય શાહને યુકેની ઈકોનોમીની સેવા બદલ OBEથી જ્યારે,ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઈકોસિસ્ટમ સાયન્સના પ્રોફેસર યાદવિન્દરસિંહ માલ્હીને CBEથી પુરસ્કૃત કરાયા છે.

બ્રિટનની શીખ કોમ્યુનિટીને પણ ૨૦થી વધુ સન્માન પ્રાપ્ત થયા છે. ડો. કાર્ટરસિંહ, ડો. ગુરજિન્દરસિંહ સાન્ધુ અને સંદીપસિંહ દાહિલીને MBE એનાયત થયા છે જ્યારે. લેસ્ટરશાયર પોલીસના ચીફ ઈન્સ્પેક્ટર મનજિત કોર અટવાલને QPMથી સન્માનિત કરાયા છે.

 સન્માનપ્રાપ્ત વ્યક્તિવિશેષોની ટુંક યાદી

MBE

લવિના મહેતાને કોવિડ-૧૯ દરમિયાન હેલ્થ અને ફિટનેસ ક્ષેત્રે સેવા બદલ (વોટફર્ડ, હર્ટફર્ડશાયર)

ચાંદની સેજપાલ શાહને કોવિડ-૧૯ દરમિયાન નોર્થવેસ્ટ લંડનમાં કોમ્યુનિટી સેવા બદલ (બુશી, હર્ટફર્ડશાયર)

વિનોદ ભગવાનદાસ ટેલરને કોવિડ – ૧૯ દરમિયાન બેડફર્ડશાયર કોમ્યુનિટીની સેવા બદલ  (લૂટન, બેડફર્ડશાયર)

BEM

રીટા ચૌહાણને  કોવિડ – ૧૯ દરમિયાન NHSને સેવા બદલ (સ્વાન્સી, વેસ્ટ ગ્લેમોર્ગન)

CBE

નીતા પટેલને આંત્રપ્રિન્યોરશિપ અને ટેક્નોલોજી ક્ષેત્રે સેવા બદલ (લંડન)

OBE

અલ્પેશ બિપીન પટેલ (સ્થાપક, પ્રેફિનિયમ પાર્ટનર્સ) ને અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે સેવા બદલ (લંડન)

અનંત મેઘજી પેથરાજ શાહને શિક્ષણ, આરોગ્ય અને એનિમલ વેલ્ફેર ક્ષેત્રે સેવા બદલ (લંડન)

MBE

ડો. બીજના કોટક દાસાણી (એઅક્ઝિક્યુટિવ ડિરેક્ટર, મોર્ગન સ્ટેનલી) ડાયવર્સિટી એન્ડ ઈન્ક્લુઝન ઈન ફાઈનાન્સ ક્ષેત્રે સેવા બદલ (લેસ્ટર, લેસ્ટરશાયર)

રીટા હિંડોચા - મોરજારિયા (એક્ઝિક્યુટિવ પ્રિન્સિપાલ અને ડિરેક્ટર સેકન્ડરી એજ્યુકેશન, મીડ એજ્યુકેશનલ ટ્રસ્ટ) શિક્ષણ ક્ષેત્રે સેવા બદલ (લેસ્ટર, લેસ્ટરશાયર)

વસંત પટેલ (સિનિયર પોલીસી ઓફિસર, ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન) દત્તક બાળકો અને તેમના પરિવારોને સેવા બદલ (મીરફિલ્ડ, વેસ્ટ યોર્કશાયર)

હેમંતકુમાર કિરીટભાઈ પટેલ (ભૂતપૂર્વ ટ્રસ્ટી અને ઈન્ટ્રીમ ચેર, રોયલ આર્મરીઝ) મ્યુઝિયમ અને હેરિટેજ ક્ષેત્રે સેવા બદલ (ઈંગ્મનથોર્પ, નોર્થ યોર્કશાયર)

જયંતીલાલ શાહ (સ્થાપક, પોઝિટીવ મેસેજ લિ.) સાઉધમ્પટન અને હેમ્પશાયરમાં રંગભેદવિરોધી નીતિને પ્રોત્સાહન બદલ (સાઉધમ્પટન અને હેમ્પશાયર)

BEM

ભરત ઠક્કરને યુકે અને વિદેશમાં વોલન્ટરી - ચેરિટેબલ સેવા માટે (હેરો, એસેક્સ)

LVO

મીનલ પટેલ – ફાઈનાન્સિયલ કન્ટ્રોલર ઓફ ઓપરેશન્સ, રોયલ હાઉસહોલ્ડ

બ્રિટિશ એમ્પાયર મેડલ - નાઈટ બેચલર

મહેશ પટેલને કોમર્સ અને હેલ્થકેર ક્ષેત્રે સેવા બદલ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter