કોરોના સામે જંગની સાથે સાઈકલસવારી અને પાર્ટીઓની રંગતઃ શું આ લોકો કદી સમજશે નહિ?

Sunday 12th April 2020 04:07 EDT
 
 

લંડનઃ બ્રિટન કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યું છે અને એક જ દિવસમાં પાંચ વર્ષના બાળક સાથે ૭૦૮ લોકો કોરોનાના ખપ્પરમાં હોમાઈ ગયા છે અને કુલ મૃતાંક ૪,૩૧૩ તેમજ ચેપગ્રસ્તોની સંખ્યા ૪૧,૯૦૩ થઈ છે. આ સંજોગોમાં સારાં હવામાન અને ફ્યુલની નીચી કિંમતો છતાં લોકોએ ઘરમાં જ રહેવું જોઈએ તેવી વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની સલાહ અવગણી હજારો લોકો યુકેના હરિયાળાં સ્થળો અને બીચીઝ પર સૂર્યસ્નાન કરવા પહોંચી ગયા હતા. ૩,૦૦૦થી વધુ લોકો સાઉથ લંડનના બ્રોકવેલ પાર્કમાં દિવસ ગાળ્યો હતો. અગાઉ, લંડનના રિજેન્ટ્સ પાર્કમાં લોકો સાઈકલસવારીની મોજ માણવા એકત્ર થયા હતા. બીજી તરફ, કોરોના વાઈરસના લક્ષણો હજુ હોવાના પરિણામે વડા પ્રધાન જ્હોન્સને પોતાનો એકાંતવાસ લંબાવ્યો હતો.

લેમ્બેથ કાઉન્સિલે ટ્વીટમાં જણાવ્યું હતું કે સ્પષ્ટ સલાહ છતાં ૩,૦૦૦થી વધુ લોકોએ બ્રોકવેલ પાર્કમાં દિવસ ગાળ્યો હતો. તેમાંથી ઘણાં લોકો સમૂહમાં સૂર્યસ્નાન કરતા જણાયા હતા. આ પછી બ્રોકવેલ પાર્ક અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવાયો હતો. બહારની ખુલ્લી જગ્યાઓ બંધ કરવાનો પણ વિરોધ કરાયો છે. વિરોધીઓનું કહેવું છે કે કોરોના વાઈરસ લોકડાઉન દરમિયાન લોકોને નાની, સાંકડી જગ્યાઓમાં ભરાઈ રહેવાની ફરજ પડાય છે. લંડનના રિજેન્ટ્સ પાર્કમાં સાઈકલ સવારોએ સમૂહમાં સાઈકલિંગની મજા માણી કોવિડ-૧૯ લોકડાઉનના નિયમો તોડ્યા હતા. પોલીસની ચેતવણીઓ અને સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરીને ફીટનેસના દુરાગ્રહીઓ પેડિંગ્ટનના રીક્રીએશન ગ્રાઉન્ડમાં કસરત કરતા જોવા મળ્યા હતા.

પોલીસે કડક પગલાં લઈ બર્થડે પાર્ટીમાંથી લોકોને વિખેર્યા હતા અને બીચ બાર્બેક્યુમાં ભાગ લેનારાને કોર્ટમાં જવું પડશે. કેમડેન ટાઉન એન્ડ પ્રાઈમરોઝ હિલ પોલીસે પિકનિક મનાવતા, સનબાથિંગ કરતા અને મિત્રોને મળી રહેલા ૧૦૦થી વધુ લોકોને વિખેરી નાખ્યા હતા. ન્યૂ હામ પોલીસે ૨૫ મહેમાનો સાથેની બર્થ ડે પાર્ટી પર દરોડો પાડ્યો હતો અને પાર્ટીનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. સસેક્સ પોલીસે પણ હોવ બીચ પર બાર્બેક્યુ પાર્ટી માણતી બે વ્યક્તિને કોર્ટમાં જવા સમન્સ જારી કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter