લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસ સામે જંગનો સૌથી લાંબો કેસ જોવા મળ્યો છે જેમાં ૩૫ વર્ષીય ફાતિમા બ્રિડલે હોસ્પિટલમાં ૧૩૦ ઝઝૂમ્યાં પછી નવજીવન પ્રાપ્ત કર્યું છે. આમાંથી, ૪૦ દિવસ કોમામાં રહેવા સાથે ૧૦૫ દિવસ તો તે વેન્ટિલેટર પર રહી હતી. નવજીવન મેળવ્યાં છતાં, ફાતિમાને એક ફેફસામાં એટલી હદે ડેમેજ થયું છે કે પહેલાની જેમ શ્વાસોચ્છવાસ લેવો મુશ્કેલ બનશે. ચાર સંતાનોની માતા ફાતિમાના પતિ ટ્રેસી બ્રિડલ પણ વાઈરસના શિકાર બન્યા હતા પરંતુ, તેઓ વહેલા સાજા થઈ શક્યા હતા.
ફાતિમા માર્ચના આરંભે પતિ ટ્રેસી સાથે મોરોક્કોના મોહમેડીઆના એક મહિનાના પ્રવાસેથી પરત ફર્યા પછી ટ્રેસીને કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હતો. પતિ અને પત્ની બંને ૧૨ માર્ચે સાઉથમ્પ્ટન જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ટ્રેસીને થોડા સમયમાં રિકવરી આવી ગઈ પરંતુ, ફાતિમાએ કોવિડ ૧૯, ન્યુમોનિયા તથા સેપ્સિસ એમ ત્રણ બીમારી સામે લડવું પડ્યું હતું. ફાતિમા ૪૦ દિવસ કોમામાં રહેવા સાથે ૧૦૫ દિવસ તો વેન્ટિલેટર પર રહી હતી. હવે તેને રિકવરી વોર્ડમાં ખસેડવામાં આવી છે.
ફાતિમાએ કોરોના સામે વિજય તો મેળવ્યો છે પરંતુ, ન્યૂમોનિયાના કારણે તેના એક ફેફસાને ભારે નુકસાન થયું છે. તે હવે ૭૦ ટકાની રિકવરી સાથે થોડી વાત કરી શકે છે અને વોકરની મદદથી ચાલી પણ શકે છે. સાજા થવા બાબતે ફાતિમાએ તેના નવજીવનને એક સ્વપ્ન સમાન ગણાવ્યું છે. તેણે સારવાર કરનારા પ્રત્યેક નર્સ અને ડોક્ટર્સ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી. પૂર્વ સૈનિક ટ્રેસી બ્રિડલે પણ ફાતિમાનાં સાજાં થવાને ચમત્કાર જ ગણાવતા કહ્યું હતું કે આટલો લાંબો સમય વેન્ટિલેટર પર રહી જીવતાં રહેવું તે ખરેખર અસાધારણ જ કહેવાય.