લંડનઃ કોરોના વાઈરસથી અશ્વેતો અને એશિયન લોકોના મોત થવાની શક્યતા શાથી વધુ છે તેનું સંશોધન કરવા યુકેના વિજ્ઞાનીઓને ૪.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ માટે છ પ્રોજેક્ટ્સમાં વંશીયતા અને કોરોના વાઈરસથી મોત વચ્ચે કડી શોધવાનો પ્રયાસ કરાશે. પ્રાપ્ત પુરાવાઓ અનુસાર ગોરા લોકોની સરખામણીએ BAME લોકોનાં લગભગ બમણાં મોત થવાની શક્યતા રહે છે. ૨.૧ મિલિયન પાઉન્ડનું ભંડોળ મેળવનારા એક પ્રોજેક્ટમાં હેલ્થ વર્કર્સ માટે જોખમ વિશે અભ્યાસ કરાશે.
યુકે રિસર્ચ એન્ડ ઈનોવેશન અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ દ્વારા નવા છ સંશોધન પ્રોજેક્ટ્સને ૪.૩ મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં વંશીયતા અને કોરોના વાઈરસથી મોત વચ્ચે કડી શોધવાનો પ્રયાસ કરાશે. અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) લોકોમાં વ્યક્તિગત વય તેમજ અન્ય સામાજિક વસ્તીલક્ષી પરિબળોને ધ્યાનમાં લેવા સાથે પ્રાપ્ત પુરાવા સૂચવે છે કે કોવિડ -૧૯થી ગોરા લોકોની સરખામણીએ BAME લોકોનાં લગભગ બમણાં મોત થવાની શક્યતા રહે છે.
એક પ્રોજેક્ટમાં મુખ્યત્વે માઈગ્રન્ટ અને રેફ્યુજી ગ્રૂપ્સ પર કોવિડ-૧૯ના કારણરુપ વાઈરસ Sars-Cov-2ની અસર તપાસાશે જ્યારે, અન્ય પ્રોજેક્ટ BAME કોમ્યુનિટિઝમાં ગણનાપાત્ર અગ્રણીઓની મદદથી લક્ષ્યાંકિત, ડિજિટલ હેલ્થ સંદેશાઓ સર્જવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સૌથી વધુ ૨.૧ મિલિયન પાઉન્ડનું ભંડોળ મેળવનારા યુકે-રીચ પ્રોજેક્ટમાં વંશીય લઘુમતી હેલ્થકેર વર્કર્સ માટે કોવિડ-૧૯ના સંક્રમણ અને તેનાથી મોતના જોખમ વિશે અભ્યાસ કરાશે. યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટના માનદ કન્સલ્ટન્ટ ડો. મનીશ પારીકના વડપણ હેઠળના આ પ્રોજેક્ટમાં આવા હેલ્થકેર વર્કર્સના જૂથ પર તેમના શારીરિક અને માનસિક આરોગ્યનું ૧૨ મહિના સુધી મૂલ્યાંકન કરવામાં આવનાર છે. ડો. પારીકે જણાવ્યું હતું કે,‘વિશ્વભરમાં, અમારી પાસે પુરાવાઓ છે કે BAME પશ્ચાદભૂના લોકોનાં ઈન્ટેન્સિવ કેરમાં જવા અને કોવિડ -૧૯થી મોત થવાની શક્યતા વધુ રહે છે. આ જ બાબત હેલ્થકેર સ્ટાફ માટે પણ લાગુ પડી શકે છે. અમારો અભ્યાસ વિશાળ પાયા પર હશે જેમાં, BAME હેલ્થકેર વર્કર્સ માટે વધુ જોખમ શા માટે હોઈ શકે તેની તપાસ થશે. અમે આ અભ્યાસથી હેલ્થકેર સ્ટાફની જિંદગીઓમાં સુધારો આવે તેમ ઈચ્છીએ છીએ અને તેથી મુખ્ય રાષ્ટ્રીય સંસ્થાઓનું હિસ્સેદાર જૂથ સંશોધનમાં અને અમારા તારણોની પ્રસિદ્ધિ કરવા માટે સાંકળ્યું છે.’ તાજેતરમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) રિપોર્ટમાં કોવિડ-૧૯થી મોતને ભેટેલા હેલ્થકેર વર્કર્સમાં ૬૩ ટકા BAME પશ્ચાદભૂના હોવા વિશે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
એક પ્રોજેક્ટમાં ઈંગ્લેન્ડના ૪૦ મિલિયનથી વધુ પેશન્ટના જીપી રેકોર્ડ્સ થકી વ્યક્તિગત વંશીય જૂથોમાં કોવિડ-૧૯ના સંક્રમણ અને મોતનું જોખમ નિર્ધારિત કરવા પ્રયાસ થશે. અન્ય પ્રોજેક્ટમાં ૫૦૦,૦૦૦ વ્યક્તિઓ વિશે માયોમેડિકલ માહિતી ધરાવતી બાયોબેન્કના ડેટાનો ઉપયોગ કરી વંશીય લઘુમતી જૂથોમાં આરોગ્ય દરજ્જા, લાઈફસ્ટાઈલના વર્ત, તેમજ શારીરિક સક્રિયતા, સામાજિક અસમાનતા સહિત પર્યાવરણીય પરિબળોમાં તફાવતો થકી તીવ્રપણે કોવિડ-૧૯ વિકસવાના જોખમો વધુ હોવાની ચકાસણી કરાશે. યુનિવર્સિટી ઓફ એબરડીનના પ્રોફેસર શોન ટ્રેવીકના વડપણ હેઠળના આખરી રિસર્ચ પ્રોજેક્ટમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાં BAME પાર્ટિસિપેન્ટ્સના ઘટાડામાં સંસ્કૃતિ, અથવા ટ્રાયલ વિશે માહિતી અને પ્રોસિજર્સ સહિતના પરિબળો કામ કરતા હોય તેના વિશે વિચાર કરવામાં આવશે.