કોરોનાથી બેરોજગારીમાં વધારોઃ પેરન્ટ્સ સાથે રહેતો યુવાવર્ગ

Monday 26th October 2020 13:47 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીના કારણે દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પેરન્ટ્સ સાથે રહેવા જનારા યુવાવર્ગની સંખ્યામાં પણ ગણનાપાત્ર વધારો થયો છે. અહેવાલો અનુસાર યુકેમાં ૨૦-૩૪ વયજૂથના બાળકો વિનાના બે તૃતીઆંશ સિંગલ વયસ્કો ઘર છોડી ગયા નથી અથવા બેરોજગારી, ઘટેલા અથવા નીચા પગાર, વધતાં ભાડાં અને ઘેર રહી કામ કરવાની નવી વ્યવસ્થાના કારણોસર માતાપિતા સાથે રહેવા પાછાં ફર્યા છે. અંદાજે ૩.૫ મિલિયન સિંગલ વયસ્કોએ નવો ટ્રેન્ડ અપનાવ્યો છે જે ગત દાયકા કરતાં લગભગ ૧૦ ટકાનો વધારો સૂચવે છે.

લફબરો યુનિવર્સિટીના સેન્ટર ફોર રિસર્ચ ઈન સોશિયલ પોલિસીના કેથેરિન હિલના માનવા અનુસાર આ ટ્રેન્ડ હમણાં તો રહેશે.

તેમના અભ્યાસ મુજબ ૧૮ વર્ષની વય પછી પારિવારિક ઘરમાં રહેવાનું તમામ વંશીય બેકગ્રાઉન્ડ અને મોટા ભાગના આવકજૂથો માટે સામાન્ય થઈ ગયું છે. ૨૦-૨૪ વયજૂથના આશરે ૭૧ ટકા લોકો પેરન્ટ્સ સાથે રહેવા લાગ્યા છે જ્યારે ૨૫-૨૯ વયજૂથના લોકોમાં આ પ્રમાણ ૫૪ ટકાનું છે.

માતાપિતા સાથે રહેવાથી યુવા વર્ગને ભાડાં ચૂકવવા પડતા ન હોવાથી ઘટેલી કમાણીમાં પણ રાહત રહે છે. જોકે, યુવાનો પેરન્ટ-ચાઈલ્ડ વર્તુળમાં પાછા આવી જવાથી સ્વતંત્રતા ઘટે છે. બીજી તરફ, અભ્યાસ જણાવે છે કે બાળકો પેરન્ટ્સ પાસે પાછા ફરવાના ટ્રેન્ડની સૌથી વિપરીત અસર ઓછી આવક સાથેના પરિવારોને પડશે કારણકે સંતાન ૧૮ વર્ષથી ઓછી વયનું હોય ત્યારે મળતા બેનિફિટ્સની સરખામણીએ ઓછાં લાભ મળશે. જો પેરન્ટ્સ સાથે રહેતું સંતાન ૧૪ વર્ષનું હોય તેની સરખામણીએ ૨૪ વર્ષનું સંતાન સાથે રહે ત્યારે પેરન્ટ્સને સંયુક્તપણે સાપ્તાહિક બેનિફિટ્સ ૨૫ પાઉન્ડ ઓછાં મળે છે. મોટા સંતાન માટે વર્કિંગ એજના ટેક્સ ક્રેડિટ્સ અને ચાઈલ્ડ બેનિફિટ્સ ઓછાં મળે છે. જોકે, ઘણા કિસ્સામાં યુવા વયસ્કોની કમાણીથી કામ ચાલી શકે છે. તેઓ ઘરના કામકાજમાં મદદ કરે અને બિલ્સની ચૂકવણી પણ કરે તે શક્ય છે. આમ છતાં, તે સંબંધો પર આધાર રાખે છે. ઘર નાનું હોય ત્યારે પ્રાઈવસી જાળવવાની સમસ્યા પણ સર્જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter