કોરોનાની મહામારીને મહાત કરવા હકારાત્મક દિશામાં ડગ માંડીએ

રોના-ધોના બંધ... આગે કદમ ભરો જીત આપણી જ છે...

જ્યોત્સના શાહ Tuesday 12th May 2020 07:08 EDT
 
 

વાચક મિત્રો, કોરોના મહામારીને કારણે લગભગ સમગ્ર વિશ્વ લોકડાઉનમાં સ્થગિત થઇ ગયું. આ કોરોનામાં લોકો શું કરતા હશે? સમય કેવી રીતે પસાર કરતા હશે? સામાન્ય માનવી હોય કે સેલીબ્રીટી, કલાકાર હોય કે કથાકાર...બધા જ પોતપોતાના ઘરમાં બંદી બની બેસી ગયા. અરે! ભગવાન પણ તાળાબંધીમાં બેસી ગયા. માનવીની ભાગદોડભરી જીંદગીમાં એકાએક પૂર્ણ વિરામ, કદીય કલ્પ્યું ન હોય એવું? કોરોનાના કેરની વાતો ને સમાચારો તો ચારેબાજુ અડ્ડો જમાવી બેઠાં છે. લોકડાઉન ક્યારે બંધ થશે એ પણ એક પ્રશ્નાર્થ. અને લોકડાઉન ખૂલશે તો પણ કેટલાક નિયમોના બંધન સહિત. કોરોનાનો ભય હજી મંડરાયા કરે છે.એનો અંત ક્યારે એની કોઇને ખબર નથી. આપણા કેટલાય ભાઇ-બહેનો સ્વજનોના વિયોગની કે સંક્રમિતની પીડામાંથી પસાર થયા હશે. આ કેર દરમિયાનમાં માતાએ પુત્ર, પુત્રએ માતા, ભાઇએ ભાઇ, પત્નીએ પતિ, બાળકોએ પિતા, માતા , બહેન આદી અસંખ્ય સંબંધોની ડોર અધવચમાં તૂટતાં ભારે ગમગીની વ્યાપી ગઇ. એમાંય કેટલાક પતિ-પત્નીએ સજોડે વિદાય લેતાં એમના પ્રેમની ય ચર્ચા સમાજમાં થઇ. કેવા નસીબદાર એ પ્રેમી પંખીડાં! એમનો અમર પ્રેમ. એક બાજુ સ્વજનને અંતિમ વિદાય પણ શાસ્ત્રોક્ત વિધિએ ન આપી શકવાનો અને ચહેરો ય જોઇ ન શકવાનો વસવસો જીવનભરનું દુ:ખદ સંભારણું બનીને રહી ગયો. પ્રણામે ય દૂરથી અને સલામે ય દૂરથી! આ કેવી મજબૂરી. સમય સમયને માન છે. સમય બળવાન છે એનું એથી વધુ કયું પ્રમાણ હોઇ શકે! અમે અમારી રીતે જે જે વાચકોએ આ પીડાનો સામનો કર્યો કે કરી રહ્યા છે એ સૌને આશ્વાસન કે હૂંફ આપવાનો પ્રયાસ કરીએ છીએ.
 તેમછતાંય " શો તો ચલાવવો જ રહ્યો"ની જેમ મને-કમને સમયને આધીન થઇને રહેવું પડે છે. કોરોનાથી ગભરાયા કરવાને બદલે એ સંજોગોમાં જીવતાં શીખવું પડશે. કોઇ કહેશે કહેવું સહેલું છે, જેના પર વીતે એને પૂછો? વાત સાચી છે. પરંતુ જીવનનો દ્રષ્ટિકોણ બદલવો જ રહ્યો. માત્ર રડ્યાં કરવું એ તો એનું નિરાકરણ નથી જ!
 આ વિકટ સંજોગોની ઉજળી બાજુ, એના ફાયદા તરફ એક દ્રષ્ટિ કરીએ તો.ઘણાં બધાં આપણી સમક્ષ મંડરાવા લાગશે.
હવા-પાણી તો શુધ્ધ થયા જ. એ સાથે સૌ પ્રથમ સ્વયમનો આવિષ્કાર થયાનો અહેસાસ આપણામાંને કેટલાયને થયો હશે. ભાગદોડમાં આપણી જાતને સમજવાનું જ ભૂલી ગયા હતા. જાતને સમજવાનો સમય ના હોય તો મા-બાપ કે પતિ-પત્ની, બાળકો કે અન્ય સંબંધોને સમજવાની વાત દૂરની કહેવાય. દિવસના અંતે થાક્યા-પાક્યા કામ પરથી ઘરે આવ્યા પછી સંબંધોનો વિચાર કરવાની ક્ષમતા જ મરી પરવારી હોય! પતિ-પત્ની કે બાળકો સાથે સમય કાઢવાને બદલે એકબીજાને દોષ દેતાં ઝઘડાં જ થાય! પરિણામે સંબંધોમાં એક મોટી ખાઇ સર્જાય. એનો અર્થ એવો નહિ કે, સાથે રહીએ તો ઝઘડા ન થાય. સાથે રહેવાને કારણે ય ઘરેલૂ હિંસાના બનાવો વધતાં કે બનતાં રહે છે.
 લોકડાઉનમાં ઘરેથી કામ કરવાનું ફરજીયાત થતા કુટુંબના સભ્યો વચ્ચે અંતર ઘટ્યું. સાથે રહેવાથી સંબંધોની કદર સમજાતી ગઇ. સંવાદ સાધવાને અવકાશ મળ્યો. એમાંય ગૃહિણી કોવીદમાં સપડાઇ ને કોરોન્ટાઇન થવાનો વારો આવે તો જોવા જેવી થાય! પતિ અને બાળકો જેને એના ઘર- કામનો અંદાજ ન હતો તેને એની ગેરહાજરીમાં ઘરની જવાબદારી માથે પડતાં જ સમજાઇ ગયું કે, આપણે એને રાડો પાડતાં કે આખો દિવસ રસોડામાં ને ઘરમાં શું કરે છે?...એ પ્રશ્નનો જવાબ મળી ગયો. હવે એ ફરી નહિ પૂછાય. મા-બાપ અને બાળકોને એક છત્ર નીચે સાથે સમય ગાળવાનો અવકાશ મળ્યો. એકબીજાની નજીક આવ્યા. સાથે લંચ અને ડીનર એક ટેબલ પર બેસી લેવાનો મોકો મળ્યો. વોક કરવાનો સમય મળ્યો. બાળકોને મા-બાપનો સ્નેહ મળતાં ખીલી ઉઠ્યાં. સંબંધોના સૂકાઇ ગયેલા સરોવર ફરી છલકાતાં થયાં. જીવનના બે છેડાં મેળવવામાં વ્યસ્ત બની જીવવાનું જ ચૂકી ગયા હતાં એમાં બદલાવ આવ્યો અને જીવનનો દ્રષ્ટિકોણ સમજાયો. સ્થૂળથી સૂક્ષ્મ તરફ આપણે આગળ વધી રહ્યા હોવાનું અનુભવતા થયા.
કેટલાક કુટુંબોમાં પ્રેમ વધ્યો અને કેટલાકમાં ક્લેશનો પ્રવેશ પણ થયો. સિક્કાની બે બાજુની જેમ ફાયદા-ગેરફાયદા થાય. દુનિયાભરના દેશોમાં જઇ વસેલા, વરસોથી નહિ મળેલા સ્વજનો અને મિત્રો સાથે ઓન લાઇન વાતો કરવાનો અવસર સાંપડ્યો. લોકડાઉનમાં અંતર રાખવાનું થયું પણ અંતર ઘટ્યા ય ખરા! મંદિરોમાં જવાનું બંધ થયું પણ ઘરે બેઠાં ઓનલાઇન સત્સંગ, પ્રસંગોની ઉજવણીઓ થતી થઇ ગઇ. લેટેસ્ટ ટેકનોલોજીનો આ પ્રતાપ. ઘર એક મંદિર બનાવવાનો અવસર સાંપડ્યો. દરેકને પોતપોતાના શોખ વિકસાવવાની તક મળી. વિચારવા અને ચિંતનનો સમય મળ્યો. 'સમય નથી'ની ફરિયાદ ગઇ. ગાયકે ગાઇને, કલાકારે ચિત્રો દોરીને, નૃત્યકારે નૃત્ય કરીને, લેખક-કવિએ હાથમાં કલમ પકડીને નવું સર્જન કરવાની દિશામાં આગે કદમ ભર્યું, વાનગીઓ બનાવવાના શોખીનોએ નવી-નવી વાનગી બનાવી કુટુંબીજનોને ખુશી બક્ષી, શિક્ષકે શિક્ષણ આપીને આમ દરેકે પોતપોતાની રીતે સમય ગાળવાનું શીખી લીધું. સમય સાથે તાલ મિલાવવાની કલા શીખવાનો યોગ પ્રાપ્ત થયો એમ કહીએ તો પણ ખોટું નથી. આપણે ઓછી સગવડતાઓ વચ્ચે જીવતા થઇ ગયા.
કોરોનાએ શીખવ્યું ગુજરાતી લખતાં-વાંચતાં...છે ને એની કમાલ!!
નાના બાળકો પણ ટાઇમ ટેબલ બનાવી એને અનુસરતા હોવાનું જાણમાં આવ્યું. મારા અનુભવની વાત કરૂં તો મારી ત્રણ પૌત્રીઓએ એમનું ટાઇમ ટેબલ બનાવી ગુજરાતી શીખવાનો પીરિયડ પણ રાખ્યો. મારી પાસે દરરોજ ઓન લાઇન ગુજરાતી ભાષા શીખી રહી છે. કરીના (૬), વિરીના (૭ ) અને વિહાના (૯) છે. મામા-ફોઇની દિકરીઓ વચ્ચે ય આત્મીયતા વધુ ગાઢ બનતી ગઇ. આપને નવાઇ લાગશે કે એમને શીખવામાં એવો તો રસ પડી ગયો છે કે, મને પણ એની કલ્પના ન હતી. એમની પ્રગતિ જોઇ મને ગૌરવ થાય છે. એક તો દાદી સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા અને અમે બા પાસેથી ગુજરાતી શીખ્યા એની યાદ એમના જીવનમાં કાયમી બની રહેવાની. ગુજરાતી વર્ગના અંતે તેઓ "બા, ધન્યવાદ" બોલે છે ત્યારે હૈયું ગદ્ગદ્ થઇ ઉઠે છે. "કાલે મળીશું. આવજો.” એમ કહી છૂટાં પડતાં પહેલા ..રોજ " એક બિલાડી જાડી...” કવિતા તો ત્રણેયને ગાવાની એવી મજા આવે છે કે ન પૂછો વાત! એ સિવાય પ્રાર્થના, નવકાર મંત્ર, ગણેશ વંદના પણ ગાય. હું એમના મુડ મુજબ શીખવું છું. મારે એમના માટે પ્લાન બનાવવો પડે છે. મારામાંનો શિક્ષક જાગ્યો અને ત્રણ ઢીંગલીઓ એવું સરસ બોલે છે એ સાંભળવાની અને લખે છે એ જોવાની મને ખૂબ જ મજા આવે છે. હું તો ઠીક, તેઓ કુટુઁબના બધા જ સભ્યો સાથે વાત કરે ત્યારે ગૌરવ પૂર્વક કહે છે કે, અમે બા પાસે ગુજરાતી શીખીએ છીએ અને એમના લખાણની કોપી પણ ફોટો પાડી વોટ્સઅપમાં મૂકે છે. ઘરમાંથી એમનાં મમ્મી-પપ્પાનો સહકાર પણ સારો મળે છે. કોરોનાને કારણે સમય મળ્યો અને રમતાં-રમતાં ગુજરાતી શીખી રહ્યાં છે, નહિ તો એમની સ્કુલ અને અન્ય વર્ગોમાંથી ફૂરસદ જ ક્યાં મળે?
સમય અને સંજોગો સાથે તાલ મિલાવતા શીખી લઇએ તો અગણિત ફાયદા થાય અને ઘણી બધી ઉપાધિઓમાંથી ય મુક્ત થવાય.
ઘરમાં એકલા પડ્યા, બહાર નીકળવાનું નહિ, આખો દિવસ કઇ રીતે પસાર કરવાનો, તાણ અનુભવાય છે.જેવા નકારાત્મક વિચારોને તિલાંજલિ આપી નવી કેડી કંડારતા થઇ જાવ.. પછી જુઓ એની મજા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter