લંડનઃ બ્રિટિશ રાજકારણમાં નવુ ગઠબંધન આકાર લેતું જણાય છે. લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન નં.૧૦માં પહોંચવાની નનજીક જણાશે તો પ્રોગ્રેસિવ સરકારને ટેકો આપવાની જાહેરાત સ્કોટિશ નેશનલ પાર્ટી (SNP)ના નેતા નિકોલા સ્ટર્જને કરી છે. જોકે, તેમના સાંસદો કોર્બીનની સરકારમાં જોડાશે નહિ તેવી સ્પષ્ટતા કરતા સ્કોટિશ નેતાએ કહ્યું હતું કે લેબર પાર્ટીને સત્તા પર રાખવા તેઓ નીતિઆધારિત મંત્રણાઓ કરશે. પોલ્સમાં ટોરી પાર્ટીને મોટો આંચકો આપી સૌપ્રથમ વખત કોર્બીન સત્તામાં આવી શકે તેવી સંભાવના દર્શાવાઈ છે.
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને બ્રિટિશ રાજકારણમાં ગરમાવો લાવતાં નિવેદનમાં કહ્યું છે કે લેબર પાર્ટી સત્તાની નજીક પહોંચતી દેખાશે તો SNP નબળા જેરેમી કોર્બીનને ટેકો આપશે. તેમણે કહ્યું હતું કે ચૂંટણીમાં મતદારો થેરેસા મેને સત્તા પરથી દૂર કરે પરંતુ કોર્બીન ખુદ સરકાર રચી શકે નહિ તેવી ત્રિશંકુ પાર્લામેન્ટ આવશે તો તેઓ લેબર પાર્ટી સાથે તમામ પ્રકારની મંત્રણાઓ હાથ ધરશે. સરકારમાં સંપૂર્ણ રીતે સામેલ થયાં વિના જ મુદ્દા આધારિત ટેકા સાથે કોર્બીનને અંકુશમાં પણ રાખી શકે છે. જોકે, તેમણે ટોરી વિજયની શક્યતા પણ દર્શાવી હતી.
લેબર પાર્ટીએ લઘુમતી સરકાર રચવા જેટલી બેઠકો મળે તો એકલા જ આગળ વધવાની વાત કરી છે. કોર્બીને સ્પષ્ટ કર્યું હતું કે જો તેઓ નં.૧૦માં પહોંચશે તો પાર્લામેન્ટ સમક્ષ પાર્ટીનો મેનિફેસ્ટો રાખશે. હરીફ પાર્ટીઓને ડાબેરી મેનિફેસ્ટોની તરફેણ કરવા અથવા ટોરી પાર્ટીને સત્તા પર રાખવાનો પડકાર અપાશે. જો ટોરી પાર્ટી ચૂંટણીમાં બેઠકો ગુમાવે અને લેબર પાર્ટીને વધુ બેઠક મળવા સાથે લઘુમતી સરકાર બનાવવાની તક સાંપડે તો આ સ્થિતિ સર્જાઈ શકે છે.


