કોર્બીને ઈઝરાયેલની નાઝી સાથે સરખામણી બદલ માફી માગી

Wednesday 08th August 2018 02:50 EDT
 
 

લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને ૨૦૧૦ના એક કાર્યક્રમમાં તેમની હાજરીમાં ઈઝરાયેલને નાઝીઓ સાથે સરખાવાયા બદલ માફી માગી છે. કોર્બીને કહ્યું હતું કે, ૨૦૧૦માં હોલોકાસ્ટ મેમોરિયલ ડેની મીટિંગમાં વ્યક્ત કરાયેલા ‘વિચારો હું સ્વીકારતો નથી કે માફ કરતો નથી.’ આ સમયે કોર્બીન બેકબેન્સર સાંસદ હતા.

‘નેવર અગેઈન ફોર એનીવનઃ ઓશવિત્ઝ ટુ ગાઝા’ કાર્યક્રમમાં ઓશવિત્ઝ કોન્સન્ટ્રેશન કેમ્પમાં બચી ગયેલા યહુદી હાજો મેયર મુખ્ય વક્તા હતા. તેમણે વારંવાર ગાઝામાં ઈઝરાયેલી કાર્યવાહીને હોલોકાસ્ટમાં યહુદી લોકોની સામૂહિક હત્યા સાથે સરખાવી હતી.

લેબર પાર્ટીમાં યહુદીવિરોધી ટીકાઓનું પ્રમાણ વધી ગયું છે. આ સમયે શેડો ચાન્સેલર જ્હોન મેકડોનેલે જણાવ્યું હતું કે એન્ટિસેમેટિઝમ મુદ્દે પાર્ટીનો અભિગમ વેળાસર ઉકેલાય તેમ તેઓ ઈચ્છે છે. પક્ષની યહુદીવાદવિરોધ મુદ્દે નવી આચારસંહિતા પાર્ટીમાં ચર્ચાનું કેન્દ્રસ્થાન બની રહી છે. પાર્ટીમાં એન્ટિસેમેટિઝમ મદ્દે આક્ષેપ કરાઈ રહ્યો છે તેવા એક્ટિવિસ્ટ પીટર વિલ્સમાને પણ પોતાના આક્રમક ઉચ્ચારણો બદલ માફી માગેલી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter