લંડનઃ કોરોના મહામારીના ગાળામાં સંબંધો પર થયેલી અસર વિશે સૌથી મોટા અભ્યાસના તારણોમાં જણાવાયું છે કે યુકેના વયસ્કોમાં પાંચમાંથી એક કરતાં વધુ લોકોના સંબંધોમાં ભંગાણ પડ્યું હતું. ગુમાવાયેલી નોકરીઓ અને કથળેલી નાણાકીય હાલત તેમજ લોકડાઉન્સમાં ઘરની બહાર લોકો સાથે મેળમિલાપ અશક્ય રહેવાના પરિણામે સૌથી વધુ અસર યુવાવર્ગને પહોંચી હોવાનું નિષ્ણાતો જણાવે છે.
યુનિવર્સિટી કોલેજ લંડનના ‘કોવિડ-૧૯ સોશિયલ સ્ટડી’ મુજબ ૨૫ ટકા લોકોએ તેમના જીવનસાથી અથવા પાર્ટનર અને ૨૫ ટકાએ સહકર્મચારીઓ અથવા સહયોગીઓ સાથે સર્જાયેલી મુશ્કેલી વિશે જણાવ્યું હતું. ૨૨ ટકા વયસ્કો પરિવાર, મિત્રો, સહયોગીઓ અથવા પડેશીઓ સાથે સંબંધોમાં સંપૂર્ણ ભંગાણ અનુભવ્યું હતું. પ્રથમ લોકડાઉનના એક સપ્તાહ અગાઉ આરંભાયેલા અને હજુ ચાલતા અભ્યાસ મુજબ ૧૮-૨૯ વયજૂથના ૩૫ ટકા પુખ્ત લોકોની સરખામણીએ ૬૦ અને તેથી વધુ વયના ૧૨ ટકા લોકોએ સંબંધોમાં બ્રેકડાઉનનો રિપોર્ટ કર્યો હતો. જોકે, હાલત તદ્દન ખરાબ પણ નથી. ૧૮-૨૯ વયજૂથના લગભગ અડધા અથવા ૪૬ ટકા યુવા પુખ્તોએ તેમજ ૩૦-૫૯ વયજૂથ તેમજ ૬૦થી વધુ વયના લોકોમાં અનુક્રમે ૨૭ અને ૨૧ ટકાએ અગાઉના વર્ષની સરખામણીએ તેમના જીવનસાથી અથવા પાર્ટનર સાથેના સંબંધો વધુ બહેતર બન્યા હોવાનું જણાવ્યું છે. ફર્લો તેમજ વર્ક ફ્રોમ હોમના કારણે જીવનસાથી અથવા પાર્ટનર સાથે વધુ સમય ગાળવાની તક મળી હોવાથી સંબંધોને લાભ થયો છે.
આ અભ્યાસ નુફિલ્ડ (Nuffield) ફાઉન્ડેશનના ભંડોળથી ચાલે છે જેમાં વેલકમ અને યુકે રિસર્ચ એન્ડ ઈનોવેશન (UKRI) સંસ્થાઓ દ્વારા વધારાનો સપોર્ટ પણ અપાયો છે. અભ્યાસમાં ૭૦,૦૦૦થી વધુ પાર્ટિસિપેન્ટ્સને છેલ્લા ૭૨ સપ્તાહથી આવરી લેવાયા છે. ત્રીજા લોકડાઉનના અંતના બે મહિના અગાઉના ગાળામાં કોવિડ-૧૯નું સંક્રમણ લાગવા અથવા ગંભીર બીમાર થઈ જવાની ચિંતા ધરાવતા લોકોનું પ્રમાણ વધીને ૩૬ ટકા થઈ ગયું હતું જે હવે ધીરે ધીરે ઘટીને ૩૧ ટકા થયું છે પરંતુ, આ ટ્રેન્ડને ચકાસવા વધુ ડેટાની જરૂર છે.