કોવિડ-૧૯ રેસ ઈક્વલિટી સ્ટ્રેટેજી ઘડવા BAME કેમ્પેઈનર્સ અને સંસ્થાઓની માગણી

Wednesday 03rd June 2020 00:00 EDT
 

લંડનઃ કોવિડ-૧૯ મહામારીએ આપણા સમાજમાં ઊંડે ધરબાયેલી રંગભેદી અસમતુલાઓનો પર્દાફાશ કર્યો છે. બ્લેક, એશિયન અને વંશીય લઘુમતી (BAME) કોમ્યુનિટીઓ પર કોવિડ-૧૯ની વિનાશક અસરો જોવાં મળી છે. શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મૃત્યુનું જોખમ ૪.૨ ગણું વધારે રહે છે. આ વાઈરસના કારણે મોતનો શિકાર બનેલા મોટા ભાગના ફ્રન્ટલાઈન વર્કર્સ વિશે તપાસીએ તો જણાશે કે તેમનામાંથી ઘણા ઓછાં વેતન અથવા ઝીરો અવર કોન્ટ્રાક્ટ્સ પર કામ કરતા હતા. આ ઉપરાંત, ઘણા કિસ્સામાં તો તેમણે કામે જવું અને પ્રોટેક્ટિવ વસ્ત્રો કે ઉપકરણ વિના રોગીઓના સંપર્કમાં રહેવું અથવા તો ઘરમાં રહેવું અને પોતાને અને પરિવારને ખવડાવવા કે ભાડું ભરવાના નાણા વિના રહેવું, તે જ વિકલ્પો હતા. કોઈ પણ વ્યક્તિ માટે પસંદગી મુશ્કેલ જ રહેવાની છે.

હવે આપણે વિનાશક વાઈરસના સૌથી ખરાબ સમયમાંથી બહાર આવવા આશાવાદી છીએ ત્યારે પેઢીઓથી ન જોયેલા સૌથી વ્યાપક આર્થિક મંદીના પડકારનો આપણે સામનો કરવાનો થશે. BAME કોમ્યુનિટીઓને ફરી એક વખત રોજગારી અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં અપ્રમાણસર અને સંભવિત સૌથી ખરાબ અસરનો સામનો કરવાનો થશે. સારી પરિસ્થિતિ ધરાવતા પરિવારો ૪-૬ મહિનાનું ગુમાવેલું શિક્ષણ એડજસ્ટ કરી શકશે પરંતુ, ગરીબ પરિવારોને તેમની સાથે રહેવા ભારે સંઘર્ષ કરવાનો આવશે. કોરોના વાઈરસના કારણે ખુલ્લી પડેલી આ અને અન્ય ફોલ્ટલાઈન્સને ઓળખી સમાજના ચોક્કસ ક્ષેત્રોના નવનિર્માણમાં આગળ વધવા માટે કોવિડ-૧૯ રેસ ઈક્વલિટી સ્ટ્રેટેજીની આપણને ખાસ જરુર છે.

કોવિડ-૧૯ સામેના જંગમાં BAME કેમ્પેઈનર્સ, લીડર્સ તેમજ ઓપરેશન બ્લેક વોટ (OBV) અને બ્રિટિશ એસોસિયેશન ફોર કાઉન્સેલિંગ એન્ડ સાઈકોથેરાપી (BACP) સહિતની સંસ્થાઓ BAME કોમ્યુનિટીઓ પર વાઈરસની વિનાશક અસર સામે આપણે બધા અને સરકાર કેવી રીતે સારો પ્રતિભાવ આપી શકીએ તે વિચારવા એકત્ર થઈ છે. કોમ્યુનિટીઓ પરની અસરોમાં આનો સમાવેશ થાય છેઃ

• કોવિડ-૧૯થી અશ્વેત લોકોના મોત ૪.૨ ગણા થવાની શક્યતા છે • કોવિડ-૧૯ કેર વર્કરમાં દર ૧૦માંથી ૬ મોત BAME કોમ્યુનિટીના હોય છે • કોવિડ-૧૯થી મોતમાં ૫૦ ટકાથી વધુ બસ ડ્રાઈવર્સ પણ BAME કોમ્યુનિટીના છે • કોવિડ-૧૯થી મોત થયું તેવાં પ્રથમ ૨૦ ડોક્ટર્સના ૯૦ ટકા BAME કોમ્યુનિટીના હતા.

સંખ્યાબંધ જિંદગીઓ ગુમાવવાની આ કટોકટીની વિગતો બહાર આવતી જાય છે ત્યારે ઘણાને દુઃખ અને ઘણાને રોષ આવે તે સ્વાભાવિક છે. હજુ પણ BAME કોમ્યુનિટીઓને સામાજિક, આર્થિક અને શૈક્ષણિક અસર સહન કરવાની આવી શકે છે. આ સંજોગોમાં BAME નેતાઓ અને તેમના સમર્થકોએ કશું રચનાત્મક અને ટકાઉ નિર્માણ કરવાની આવશ્યકતા જણાય છે. આ પળ ૧૯૪૫ના વિશ્વયુદ્ધના કાટમાળ સમય જેવી છે જ્યારે યુકેએ નેશનલ હેલ્થ સર્વિસની સ્થાપના કરી હતી જે આજે દેશના તાજના હીરાની માફક ઝળહળે છે. આ સમયે કોવિડ-૧૯ રેસ ઈક્વલિટી સ્ટ્રેટેજી ઘડવાનો છે જે જિંદગીઓ બચાવવાની તાત્કાલિક જરુરિયાત પૂર્ણ કરશે એટલું જ નહિ, ભારે રંગભેદી અસમતુલા અને ભેદભાવ દેખાયાં છે તેવી સંસ્થાઓનું નવનિર્માણ કરી શકાશે.

• NHSના ૨૭૯ ચીફ એક્ઝિક્યુટિવ્ઝમાંથી માત્ર ૭ BAME કોમ્યુનિટીના છે• અશ્વેત લોકોના બેરોજગાર હોવાની બમણી શક્યતા છે • BAME કોમ્યુનિટીના ૪૮ ટકા લોકો ઝીરો કોન્ટ્રાક્ટ પર હોવાની વધુ શક્યતા છે.

ઓપરેશન બ્લેક વોટના અધ્યક્ષ રીટા પટેલે જણાવ્યું હતું કે આ અત્યંત ખરાબ રોગચાળામાંથી કશું સારું બહાર આવી શકે તો તે ભેદભાવને સુધારવાનું છે. આનો આરંભ કોવિડ-૧૯ રેસ ઈક્વલિટી સ્ટ્રેટેજીથી થઈ અને અને તે આગળ જતા નવા સોસિયલ એન્ડ રેસ ઈક્વલિટી કોન્ટ્રાક્ટનો હિસ્સો બની શકે છે. આ પહેલ બીનરાજકીય છે. ઓપરેશન બ્લેક વોટના ડાયરેક્ટર લોર્ડ સાઈમન વૂલીએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ કોઈ એક જાતિને લક્ષ્ય બનાવતો નથી પરંતુ, તેનાથી વર્ણભેદી સિસ્ટમ્સ ખુલ્લી પડી છે. બ્રિટિશ એસોસિયેશન ફોર કાઉન્સેલિંગ એન્ડ સાઈકોથેરાપીના ડેવિડ વીવરે જણાવ્યું હતું કે કોવિડ-૧૯થી અસંખ્ય માળખાગત અસમાનતાઓ બહાર આવી છે. યુકેના અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમૂહો પરની તેની અપ્રમાણસરની અસરો નિહાળતા સરકાર અર્થસભર કોવિડ-૧૯ રેસ ઈક્વલિટી સ્ટ્રેટેજી અમલી બનાવે તે જરુરી છે. OBVના ડેપ્યુટી ડાયરેક્ટર અશોક વિશ્વનાથને જણાવ્યું હતું કે ઘણા લોકોએ BAME કોમ્યુનિટીના જનીનો, સંસ્કૃતિ, જીવનશૈલી વગેરેને દોષિત ગણાવ્યા છે પરંતુ, આરોગ્યની અસમાનતાઓ, સામાજિક અને આર્થિક ગેરલાભની વાત થતી નથી. ફ્રન્ટલાઈન ઓક્યુપેશન્સમાં વધુ મોત માટે કોમ્યુનિટી નહિ, માળખાગત અસમાનતાઓ જવાબદાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter