લંડનઃ જીવલેણ કોરોના વાઈરસ સામે ત્રણ – ત્રણ મહિના ઝીંક ઝીલ્યા પછી કેન્ટના હર્ને બેના નિવાસી કિથ વોટસન બ્રિટનમાં સૌથી વધુ સમય હોસ્પિટલમાં રહેનારા પેશન્ટ બન્યા છે. વડા પ્રધાન જ્હોન્સને યુકેમાં લોકડાઉન જાહેર કર્યું તેના થોડા દિવસ અગાઉ વોટસનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટિલેટર પર મૂકાયેલા અને કોમામાં સરી પડેલા વોટસનને ૪૧ દિવસ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રખાયા હતા. તેમનું મૃત્યુ નજીક હોવાની બે વખત ચેતવણી તેમના પરિવારને આપી દેવાઈ હતી પરંતુ, તેમણે કોરોના વાઈરસને ભારે લડત આપી હતી. જોકે, ત્રણ મહિના પથારીવશ રહેવાથી તેમણે શરીરના સ્નાયુઓનો જથ્થો ગુમાવી દીધો છે.
ત્રણ સંતાનોના પિતા કિથ વોટસનને ૯૫ દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ ૨૫ જૂને સાજાસમા ઘેર પરત ફરતા આનંદનું વાતાવરણ સર્જાયું હતું અને ૧૦૦થી વધુ મિત્રો અને પડોશીઓએ તેમને આનંદ-ઉલ્લાસ સાતે આવકાર આપ્યો હતો. કોરોના વાઈરસને મહાત આપનારા વોટસન આ જીવલેણ રોગથી સૌથી લાંબો સમય-૯૫ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા. અગાઉ, હર્ટફોર્ડશાયરના સ્ટીવ વ્હાઈટ અને વેસ્ટ સસેક્સના ડોના મોર્ગનને ૯૨ દિવસની સફળ લડત પછી ગત સપ્તાહે ઘેર મોકલાયા હતા.
મિ. વોટસને જણાવ્યું હતું કે,‘ હું જીવતો છું તે હજી માની શકતો નથી. આ સમજવાનું ઘણું મુશ્કેલ છે. હું મારા ઘરના માર્ગ પર પાછો ફરતા ઘણો આનંદ અનુભવું છું. ૯૬ દિવસ પછી પહેલી વખત મારી ૧૭ વર્ષની પુત્રીને વહાલ કરી શક્યો છું. સૌપ્રથમ વખત પત્નીને કિસ કરી શક્યો છું. હું માની શકતો નથી કે હું શુક્રવારે હોસ્પિટલમાં દાખલ થયો, છ સપ્તાહ પછી જાગ્યો અને આખો દેશ બદલાઈ ચૂક્યો હતો.’
વડા પ્રધાન જ્હોન્સને યુકેમાં ૨૩ માર્ચે લોકડાઉનની જાહેરાત કરી તેના ત્રણ દિવસ અગાઉ ૨૦ માર્ચે ફૂટબોલપ્રેમી મિ. વોટસનને માર્ગેટમાં ક્વીન એલિઝાબેથ, ધ ક્વીન મધર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અસ્થમાના દર્દી વોટસનને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી પરંતુ, તે સમયે કોરોના વાઈરસના બે મુખ્ય લક્ષણો- કફ અથવા તાવ જણાતા ન હતા. જોકે, તેમના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી તેમને તત્કાળ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ વોર્ડમાં દાખલ કરાયા હતા. તેઓ કોમામાં સરી પડ્યા અને એક મહિનાથી વધુ સમય વેન્ટિલેટર પર અને ૪૧ દિવસ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં રહ્યા હતા. બ્રિટનમાં વેન્ટિલેટર પર રખાયેલા ૬૬ ટકા જેટલા દર્દી મોતનો શિકાર બની ચૂક્યા છે.
મહામારીના કારણે પત્ની સારાહ (૫૨) અને ત્રણ સંતાનો મેડેલીન (૨૫), જ્યોર્જ (૨૩) અને ગેબ્રીઅલ (૧૭) હોસ્પિટલમાં કિથ વોટસનને મળી શકતા ન હતા. તેમના ફેફસાંને ગંભીર અસર થઈ હતી પરંતુ, કિડનીને વધુ ખરાબ અસર થાય તે પહેલા તેમનો બચાવ થયો હતો. ડોક્ટરોએ બે વખત સારાહ વોટસનને ચેતવણી આપી હતી કે તેમના પતિ હવે જીવે તેવી શક્યતા જણાતી નથી પરંતુ, વોટસને મોત અને વાઈરસને જોરદાર ટક્કર આપી હતી. બે મહિના કરતા વધુ સમય પછી તેમને કેન્ટ એન્ડ કેન્ટરબરી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને ફરી ચાલવામાં મદદ મળે તેવી થેરાપી અપાઈ હતી. વોટસને NHS ના સ્ટાફની ભારે પ્રશંસા કરી છે.
વોટસન હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે ૩,૨૬૯ કોરોના પેશન્ટ ICUમાં હતા અને ૧૪૪ના મોત થયા હતા. હવે તેઓ હોસ્પિટલથી ઘેર પરત ફર્યા છે ત્યારે યુકેમાં ૩૦૬,૦૦૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ છે અને લગભગ ૪૩,૦૦૦ના મોત થયા છે.