કોવેન્ટ્રીની હિન્દુ કોમ્યુનિટી સોસાયટીના બે ટ્રસ્ટીને ચેરિટી કમિશને દૂર કર્યા

Tuesday 08th February 2022 15:05 EST
 

લંડનઃ ચેરિટી કમિશને કોવેન્ટ્રીસ્થિત ચેરિટી હિન્દુ કોમ્યુનિટી સોસાયટીના બે ટ્રસ્ટીને તેમના હોદ્દા પરથી દૂર કર્યા છે. કમિશનને જણાયું હતું કે ટ્રસ્ટીઓ મિ. નાથન રાહુલન અને મિસિસ પદ્મા રાહુલનના ગેરવર્તન તથા ગેરવહીવટના કારણે ગણનાપાત્ર નાણાકીય નુકસાન થયું હતું જેને ચેરિટી રીકવર કરી શકી ન હતી. આ બંનેને કોઈ ચેરિટીના ટ્રસ્ટીપદે કામગીરી કરવામાંથી કાયમી ગેરલાયક ઠરાવાયા છે.

કોવેન્ટ્રીસ્થિત ચેરિટી હિન્દુ કોમ્યુનિટી સોસાયટીનું ૨૦૧૦માં રજિસ્ટ્રેશન કરાયું ત્યારથી મિ. નાથન રાહુલન અને મિસિસ પદ્મા રાહુલન ટ્રસ્ટીપદે હતા. જોકે, તેમણે અન્ય ટ્રસ્ટીઓ સાથે ચર્ચાવિચારણા વિના કે ફાઈનાન્સિયલ સલાહ મેળવ્યા વિના જ ચેરિટી પુનઃ ચુકવણી કરી શકે તેમ ન હોવાની શરત સાથે પ્રોપર્ટી ખરીદવા ફાઈનાન્સ મેળવવા ચેરિટીના નાણાનો ગેરવહીવટ આચર્યો હતો.

ચેરિટી કમિશનની ઈન્ક્વાયરીમાં જણાયું હતું કે ચેરિટીએ ૨૦૧૨માં પ્રોપર્ટી ખરીદી હતી જેનો ઉપયોગ કોવેન્ટ્રીની તામિલ કોમ્યુનિટી માટેના મંદિરના બેઝ તરીકે થવાનો હતો. સ્થાનિક કોમ્યુનિટીના ડોનેશન અને ખૂટતી રકમ માસિક ૫,૦૦૦ પાઉન્ડના વ્યાજ સાથેની કોમર્શિયલ બ્રીજ લોનમાંથી મંદિરની ખરીદી કરવામાં આવી હતી. આ પછી, મંદિરના નિર્માણ માટે જાહેર દાનના ૫૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમનો ઉપયોગ કરાયો હતો. જોકે, ચેરિટી લોનની પુનઃ ચુકવણી નહિ કરી શકતા પોપર્ટી કબજે લેવાઈ હતી. મિ. રાહુલને અન્ય ટ્રસ્ટીઓ સાથે ચર્ચાવિચારણા કર્યા વિના પ્રોપર્ટીની માલિકી પુનઃ હાંસલ કરવાના નિષ્ફળ પ્રયાસમાં કાનૂની સલાહ પાછળ ચેરિટીના ૪૬,૦૦૦ પાઉન્ડ ખર્ચ્યા હતા.

ચેરિટીના હેતુમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના શિક્ષણને આગળ વધારવા તેમજ તામિલ કોમ્યુનિટીમાં ગરીબીનિવારણ, દુર્દશા અને બીમારીમાંથી મુક્તિનો સમાવેશ થતો હતો. રાહુલનના ગેરવર્તનના પરિણામે ગયેલી ખોટમાંથી ચેરિટી બહાર આવી શકતા તેનું કામકાજ બંધ થઈ ગયું હતું અને રજિસ્ટર ઓફ ચેરિટીઝમાંથી દૂર કરાઈ હતી. હિન્દુ કોમ્યુનિટી સોસાયટી સ્ટેટ્યુટરી ફાઈલિંગની જવાબદારી નિભાવી નહિ શકતા ચેરિટી કમિશને માર્ચ ૨૦૧૭માં સૌપ્રથમ તપાસ હાથ ધરી હતી. કમિશને પોતાની સત્તાનો ઉપયોગ કરી મિ. અને મિસિસ રાહુલનને અનુક્રમે ૨૪ માર્ચ ૨૦૨૦ અને ૩ માર્ચ ૨૦૨૧ના રોજ ટ્રસ્ટીપદેથી દૂર કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter