લંડનઃ બે માણસોએ સસેક્સના ૭૦ વર્ષીય ક્રિસ્ટિનનાં ઘરનો દરવાજો ખટખટાવ્યો અને દરવાજો ખુલતાં તેમણે ક્રિસ્ટિનને જણાવ્યું કે તમારાં ઘરની ગટરોનું ક્લિનિંગ અને રુફ ટાઈલ્સ રિપ્લેસ કરવા જરૂરી છે. ક્રિસ્ટિને સંમત થઈ તેમને ૫૨૦ પાઉન્ડ આપ્યા. આ તેમની ભૂલ હતી. તેમની વાત પૂરી થઈ ત્યારે એક જણે તેમને ૧૦ વર્ષની ગેરન્ટીનું સર્ટિફિકેટ આપવા જણાવ્યું પરંતુ, સર્ટિફિકેટ લેવા તે વાનમાં ગયો અને વાન હંકારી મૂકી. ક્રિસ્ટિનની નજર ગટરો તરફ જોતી રહી, જે સાફ થવાની બાકી હતી.
ક્રિસ્ટિનને તેમણે ચૂકવેલી રકમ ક્યારેય પરત મળી નથી. તેમની સાથે ઠગાઈ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે,‘ સૌથી ખરાબ વાત તો એ હતી કે તે છેતરપિંડી હોય તેવું લાગ્યું જ નહિ. તેઓ પ્રોફેશનલ લાગતા હતા અને મારા પડોશીઓના મકાનોનું કામ પૂરું કર્યું હોવાનું જણાવ્યું હતું.’ ગયા વર્ષે લગભગ ૨૦,૦૦૦ લોકોએ આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બન્યાની સિટીઝન્સ એડવાઈસને ફરિયાદ કરી હતી, જે અગાઉના વર્ષની સરખામણીએ ૮ ટકાનો વધારો દર્શાવે છે. ઘણાં પીડિતોએ ક્રિસ્ટિન કરતાં વધુ રકમ ગુમાવી હતી. આવી ઠગાઈમાં લોકોએ સરેરાશ ૩,૦૦૦ પાઉન્ડ તેમજ પોસ્ટ દ્વારા વિવિધ રીતે છેતરપિંડીમાં સરેરાશ ૫,૪૩૫ પાઉન્ડ ગુમાવ્યા હતા.
સિટીઝન્સ એડવાઈસના ચીફ એક્ઝિક્યુટિવ ગીલિયન ગાયે જણાવ્યું હતું કે આ પ્રકારે થયેલી ઠગાઈ હજુ પણ મોટા ખતરા સમાન છે. ડિજીટલ યુગમાં ઓનલાઈન સ્કેમ વધી રહ્યા છે ત્યારે ઠગ લોકો છેતરપિંડી માટે પરંપરાગત પદ્ધતિ અપનાવે છે. સિટીઝન્સ એડવાઈસ દ્વારા ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ સાથે મળીને સ્કેમ્સ અવેરનેસ કેમ્પેઈન ‘Stop, report, talk: Be #scamaware’ શરૂ કરાયું છે, જેનાથી લોકોને પોતાના અનુભવો વિશે વાત કરવા અને અન્ય લોકો ભોગ ન બને તે જોવા પ્રોત્સાહિત કરી શકશે. ઠગાઈનો ભોગ બનેલા લોકો સિટીઝન્સ એડવાઈસ કન્ઝ્યુમર સર્વિસનો ઓનલાઈન અથવા ફોન નં. 03454 040 506 પર સંપર્ક કરી શકશે. તેઓ હવે શું કરવું તેની સલાહ આપશે.


